પાંચ વખતનો વર્લ્ડ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)એ તેને ડ્રેસ કોડના ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે અને લગભગ 200 યુએસ ડોલર (લગભગ 17 હજાર રૂપિયા)નો દંડ પણ લગાવ્યો છે. FIDE અનુસાર, નોર્વેજીયન ચેસ ગ્રાન્ડમાસ્ટરે વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં ડ્રેસ કોડનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. તેને આ ચેમ્પિયનશિપ માટે પણ અયોગ્ય જાહેર કર્યો છે. બધા ખેલાડીઓ માટે ડ્રેસ કોડ સેટ: FIDE
FIDEએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું હતું કે, “મુખ્ય આર્બિટરે કાર્લસનને તેનો પોશાક બદલવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે ઇનકાર કર્યો હતો.” તેથી કાર્લસનને ટુર્નામેન્ટના નવમા રાઉન્ડ માટે ઉમેરવામાં આવ્યો નથી. ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ન્યાયી રીતે લેવામાં આવ્યો હતો અને તે તમામ ચેસ ખેલાડીઓને સમાન રીતે લાગુ પડે છે. ડ્રેસ કોડ સેટ કરવામાં આવ્યો છે જેથી બધા ખેલાડીઓ એકસરખા દેખાય. ડ્રેસ કોડ નિયમો FIDE એથ્લેટ કમિશનના સભ્યો દ્વારા બનાવવામાં આવે છે. આ નિયમો વર્ષોથી અમલમાં છે અને તમામ ચેસ ખેલાડીઓને ટુર્નામેન્ટ પહેલા તેના વિશે જાણ કરવામાં આવે છે. કાર્લસન જીન્સ પહેરીને ટુર્નામેન્ટમાં પહોંચ્યો
કાર્લસન જીન્સ પહેરીને ટુર્નામેન્ટમાં પહોંચ્યો હતો. તેણે પહેલેથી જ ડ્રેસ કોડ પહેરવાની ના પાડી દીધી હતી. તેના પર 200 યુએસ ડોલર (લગભગ 17 હજાર રૂપિયા)નો દંડ લગાવવામાં આવ્યો છે. મેગ્નસ કાર્લસન 2011થી વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર છે. કાર્લસન પાંચ વખતનો ક્લાસિકલ ચેસ ચેમ્પિયન, પાંચ વખતનો વર્લ્ડ રેપિડ ચેમ્પિયન, સાત વખતનો વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયન અને છ વખતનો નોર્વેજીયન ચેસ ચેમ્પિયન છે. રશિયન ચેસ પ્લેયરને પણ દંડ ફટકાર્યો
અગાઉ, રશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર ઇયાન નેપોમ્નિઆચીને પણ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. જો કે, નેપોમ્નિઆચીએ તેનું પાલન કર્યું અને પછીથી નિર્ધારિત પોશાક પહેરીને આવ્યો.