શહેરા તાલુકાના નવીવાડી ગામે વૈષ્ણવ પરિવારના યજમાન પદે યોજાઇ રહેલી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે રુક્મિણી કૃષ્ણ વિવાહ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વ્યાસપીઠ પરથી કથાકાર ડૉ કૃણાલ જોશીએ ભાગવદ સપ્તાહ અને ભાગવદમાંથી દ્રષ્ટાંતો આપીને કહ્યું હતું કે, ભગવદ્ કાર્ય અને દર્શનમાં પણ અભિમાન આવે ત્યાંથી ભગવાન દૂર થાય છે. ભક્ત અને ભગવાન એમ બન્ને તરફથી સબંધ એવો રાખો કે મળવાની યાદ કરવાની ઉત્કંઠા બન્ને તરફથી હોય. ભાગવતમાં આવતા ગોપીગીતની રચનાઓ 19 શ્લોકમાં ગોપીઓએ કરી છે. ગોપીગીત ગાન તેમજ શ્રવણથી પણ ભગવાન ખુશ થાય છે. રામાયણનો કેવટ પ્રસંગ ટાંકીને કહ્યું હતું કે, ભગવાન ભવસાગરરૂપી સાગરને સરળતાથી પસાર કરાવનાર નાવિક છે. જ્યારે વાડી તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સપ્તાહમાં હાજરી રહી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ મેળવી રહ્યા છે. સોમવારે કથાનો અંતિમ દિવસ છે. આજે કથા પૂર્ણાહૂતિ બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના ગ્રામજનો ઉપરાંત અમદાવાદ, વડોદરા, મુંબઈથી પણ વૈષ્ણવ પરિવારના મોટી સંખ્યામાં ભાવિકો પણ કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.