સુરતમાં 20 વર્ષ પહેલા ચારિત્ર્ય બાબતે શંકા કરી પત્નીની હત્યા નિપજાવી ફરાર થયેલા પતિને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. આરોપી એરફોર્સનો પૂર્વ જવાન છે. જે 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી પોતાના પુત્રને લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં તે બીજા લગ્ન કરી આગ્રામાં કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો. તે માનવા લાગ્યો હતો કે, પોલીસ હવે ક્યારેય તેના સુધી નહીં પહોંચી શકે. પરંતુ, કહેવાય છે કે, કાનૂનના હાથ લાંબા હોય છે. તેવી જ રીતે સુરત પોલીસે આગ્રા પહોંચી તેને દબોચી લીધો હતો. 2004માં પત્નીની હત્યા કરી ફરાર થયો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2004માં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી. 2004માં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીમા મકાનમાં ભાડેથી રહેતા યુવકે પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણસર મારમારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ આરોપી મકાનનો દરવાજો લોક કરી પોતાના પુત્રને લઈ ગયો હતો. આ બાબતે 2004માં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં આરોપીએ પોતાની પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાના શંકાના આધારે તેની હત્યા કરી હતી. જેથી તેની શોધખોળ કરવામાં એવી હતી. જોકે છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચી હતી. લાંબી તપાસ બાદ આરોપી આગ્રામાં મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ તે આગ્રા આવીને બીજા લગ્ન કરીને રહેતો હતો. પોલીસે વેશ પલટો કરી વોચ ગોઠવી ઉત્તરપ્રદેશના આગ્રા શહેર ખાતેથી આરોપી વિનોદકુમાર મદનમોહન શર્મા (ઉવ. 59 રહે. મકાન નંબર 266, આવાસ વિકાસ કોલોની આગ્રા સેક્ટર-૦૩(એ).પ્રદુષણ વિભાગ પાસેથી ધરપકડ કરી હતી. આરોપી એરફોર્સનો પૂર્વ જવાન
આરોપીની વિગતવારની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અગાઉ 14 વર્ષ સુધી એરફોર્સમા નોકરી કરી ચૂક્યો છે. અને અમદાવાદમા પોસ્ટીંગ થતા પાડોશમા રહેતા ગુજરાતી મહીલા ઉર્મિલાબેન હીરાના કારખાનામાં નોકરી કરતી હોય તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બન્નેએ મંદીરમા ફુલહાર કરી અમદાવાદમા પ્રેમલગ્ન કર્યા હતા. બાદમા વિનોદકુમારની પોસ્ટીંગ બરેલી ખાતે થતા તેણે નોકરી છોડી પોતાની પત્ની સાથે હીરાના કારખાનામા નોકરી કરતો હતો. એરફોર્સની નોકરી છોડી હીરા કારખાનામાં નોકરી કરતો હતો
અમદાવાદથી સુરત ખાતે આવી વિનોદ અને તેની પત્ની બન્ને વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. આ સાથે રાંદેર વિસ્તારમાં આનંદ મંગલ સોસાયટીમા ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યા પાડોશમાં રહેતા અને મકાન માલીકના દુકાને કામકાજ કરતા વિનોદ શ્રીવાસ્તવ નામના ઇસમ સાથે ઉર્મીલબેનનો પ્રેમ સંબંધ બાંધાયો હતો. જેની જાણ પતિને થતા ડીસેમ્બર 2004માં પોતાની પત્નીના અનૈતીક સંબધોને લઇ તેણીની સાથે ઉગ્ર ઝગડો થયો હતો અને મકાનમાં રાખેલ લોખંડની પાઇપ વડે ઉર્મિલાને માથામા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. પતિ વિનોદે પત્નીની હત્યા કરી પોતાના દીકરા 4 વર્ષના રાજશેખરને પોતાની સાથે સ્કુટર પર બેસાડી મકાનને લોક કરી નીકળી ગયો હતો. ત્યારબાદ સુરત રેલ્વે સ્ટેશન ખાતે સ્કુટર પાર્ક કરી બસ દ્વારા ઉદયપુર અને ત્યાથી આગ્રા પહોંચ્યો હતો અને થોડા સમય પછી ચિત્રાદેવી નામની મહીલા સાથે બીજા લગ્ન કરી છેલ્લા 20 વર્ષથી આગ્રા શહેરમાં કરીયાણાની દુકાન ચલાવી ધંધો કરતો હતો.