તાજેતરમાં બેંગલુરુમાં પત્ની પીડિત પતિ અતુલ સુભાષ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જેને લઈ સ્ત્રીઓ દ્વારા થતા કાયદાનાં દુરૂપયોગની ચર્ચાઓ ચાલી હતી. ત્યારે રાજકોટની કોર્ટમાં ચાલતા કેસનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પીડિત પતિએ જ જજ સામે આરોપ લગાવ્યો છે. અને મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, કોર્ટમાં જજે કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે, જજ વિરુદ્ધ ફરિયાદ કરવાનું બંધ કરી દેજે બાકી કંટેમ્પટની કાર્યવાહી કરીશ. રાજકોટ જિલ્લાનો એક પીડિત પતિ મીડિયાની સામે આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, મારી પત્ની નોકરી કરે છે છતાં ભરણ પોષણ આપવું પડ્યું છે. મે ફેમિલી કોર્ટમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મે અતુલ સુભાષના કેસ પહેલા કોર્ટમાં અરજી કરી હતી કે મારી સાથે કોર્ટ દ્વારા અને પત્ની દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે તેનાથી કંટાળી અઘટિત પગલું ભરવું પડશે. જુલાઈ 2021થી મારો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારથી હું ભરણ પોષણ આપી રહ્યો છું. પોલીસ મારા ઘરે રિકવરી કરવા આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે મે મારી સાથે થયેલ અન્યાય બાબતે જજને ફરિયાદ કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે, ‘તારાથી થાય તે કરી લેજે’ આ પ્રકારનું વર્તન કોર્ટમાં કેટલું યોગ્ય છે ? પીડિત પતિએ જણાવ્યા મુજબ, મારા લગ્ન 10 વર્ષ પૂર્વે થયા હતા. મારા સસરાને ત્રણ દીકરી છે. જેમાં પ્રથમ પુત્રી હાલ કાયદેસર ચોથા ઘરમાં છે. બીજી દીકરી પણ બીજા ઘરમાં છે અને મારી પત્નીનો પણ હું બીજો પતિ છું. 6 વર્ષ સુધી અમારો સંસાર ચાલ્યા બાદ મારી પત્ની દ્વારા મારા ઉપર ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ કોર્ટનાં જજ દ્વારા પુરુષને કેવી રીતે હેરાન કરવામાં આવે છે તેની આ વાત છે. રાજકોટ કોર્ટ દ્વારા અમારા તરફની કોઈ વાતને સાંભળ્યા વિના ભરણપોષણનો વચગાળાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. મને આ રકમ ભરવા રીતસર દબાણ કરવામાં આવે છે. સમયાંતરે જેમ કેસ આગળ વધ્યો તેમ કોર્ટમાં અમે મારા સસરા દ્વારા પુરુષોને પ્રતાડિત કરવા માટે વારંવાર કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું જણાવાયું હતું. તેમજ તેમની દીકરીઓ કાયદેસર પુરુષ બદલવાનો ધંધો કરતી હોવાનું જાહેર કરવા છતાં કોર્ટે અમારી વાત માન્ય રાખી નથી. ત્યારબાદ મારી પત્ની નોકરી કરતી હોવા છતાં કોર્ટમાં ગૃહિણી દર્શાવી હોવા અંગે અમે જાણ કરી હતી. છતાં કોર્ટ દ્વારા મારી વાત સાંભળવામાં આવી નથી. એટલું જ નહીં ભરણપોષણની રકમ ભરવા અદાલત દ્વારા પોલીસ મારફત દબાણ કરવામાં આવે છે. જેને લઈને અદાલતને મેં અરજી આપી હતી. જેમાં મારી પત્ની નોકરી કરતી હોવાનું જણાવી પોલીસ ઇન્વેસ્ટિગેશનની માંગ કરવામાં આવી હતી. જેમાં જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે, આ CRPC 125ની મેટર છે. કોઈ ક્રિમિનલ મેટર નથી. માટે પોલીસ તપાસ કરી શકે નહીં. સાથે જ મને પુરાવા આપવા જણાવ્યું હતું. નામદાર કોર્ટનો આ હુકમ અમે માન્ય રાખ્યો હતો. અને વચગાળાની બે રિકવરી પુરી કરી હતી. ત્રીજી રિકાવરીમાં જજ દ્વારા પોલીસને સંબોધીને રિકવરી વોરંટ ઇશ્યુ કરી દેવામાં આવ્યું હતું. જેના અનુસંધાને પોલીસે મારી પાસે આવી ધાકધમકી અને જેલમાં ધકેલવાનો ડર બતાવીને ચેક દ્વારા ભરણપોષણની વસુલાત કરવામાં આવી હતી. આ ચેક કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, મારી પત્ની નોકરી કરે છે એ માટેની બાબતમાં ક્રિમિનલ કેસ ન હોય પોલીસ તપાસની મનાઈ કરવામાં આવે છે. તો રિકવરીમાં પોલીસ કેમ આવે છે? શું આ ભારત દેશનું ન્યાય તંત્ર છે ? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પત્ની નોકરી કરી રહી હોવાના અનેક રેકોર્ડિંગ પણ મેં કોર્ટમાં જમા પણ કરાવ્યા છે. છતાં કોર્ટે મારી વાત ધ્યાનમાં લીધી નથી. ત્યારે વાત એ છે કે, મારી પત્ની નોકરી કરે છે કે નહીં તે માટે પોલીસ ઇન્વેસ્ટિગેશન ન થાય તો મારી પાસેથી રિકવરી માટે પોલીસ કેમ આવી શકે ? અવારનવાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ એવું કહે છે કે, પોલીસ રિકવરી એજન્ટ નથી. અને સિવિલ મેટરમાં પોલીસે દરમિયાનગીરી કરવી જોઈએ નહીં. તો મારી પાસેથી પોલીસે રિકવરી કેમ કરી છે ? સમગ્ર મામલે કોર્ટનાં જજને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેઓએ એમ કહ્યું કે, તું જજની ફરિયાદ કરવાનું બંધ કરી દે જજની વિરુદ્ધ કોઈ દિવસ કેસ દાખલ થાય નહીં. હવે જો તે આ પ્રકારે જજની ફરિયાદ કરી છે તો તારા ઉપર કંટેમ્પટનો કેસ ચલાવીશ. અને તને જેલમાં નાખી દઈશ, તારાથી થાય તે કરી લેજે’ આ કોર્ટના જજે તેની ખુરશી ઉપર બેસીને ખુલ્લી કોર્ટમાં મને આવું કિધેલું છે. ત્યારે શું જજ આવી ભાષાનો ઉપયોગ કરી શકે ? હાલ બેંગલુરુમાં અતુલ સુભાષએ આત્મહત્યા કરી હતી. તેમાં પણ પત્ની અને કોર્ટનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે શું રાજકોટમાં પણ કોઈક પુરુષની બલી ઈચ્છે છે ? તો કેટલા પુરુષની બલી જોઈએ છે તે કોર્ટ લેખિતમાં આપે. મેં પણ કોર્ટને રિકવેસ્ટ લેટર લખેલો છે કે, હું કોર્ટ અને પોલીસની દાદાગીરીથી હું ત્રાસી ચુક્યો છું. ત્યારે જો આ કેસમાં ન્યાય મુજબની કાર્યવાહી નહીં થાય તો રાજકોટ ખાતે પણ અતુલ સુભાષ જેવું થાય તો નવાઈ નથી. જો કોર્ટના જજ ખુરશી ઉપર બેસીને કહે કે તારાથી થાય તે કરી લેજે, તો નાગરિક કાયદાનું પાલન કરશે તેવું લાગતું નથી.