ઈલેક્ટ્રીક તારને અડી જતાં બે વ્યક્તિને શોર્ટ લાગ્યો, એકનું મોત
વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા માટે થઈને લોખંડના પીંજરુ દીવાલ ઉપર બેસીને ફીટ કરતા હતા. જે દરમિયાન બે વ્યક્તિને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. જે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું છે. જે બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં હસનભાઈ જલાલભાઈ શેરસીયાના પ્લોટમાં બાંધકામ ચાલી રહ્યું હોય પિલર ભરવા માટે થઈને ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા અને ગોલુભાઇ પ્રતાપભાઈ ડાભી બંને પિંજરું ફીટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા. દિવાલ ઉપર બેસીને આ કામ કરતા હતા, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રીક લાઈનમાં લોખંડનું પીંજરું અડી જવાના કારણે ભારતભાઈ તથા ગોલુભાઇને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી કરીને બંનેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન ભારતભાઈ દિલીપભાઈ ભુરીયાનું મોત નીપજ્યું હતું. જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકનસર ગામે ઇંટના ભઠ્ઠામાં પગ આવી જતાં આધેડનું મોત
મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા દીપકભાઈ ખોડાભાઈ સચાણીયા (50) નામના આધેડ રફાળેશ્વર નજીક જીઆઇડીસી પાસે ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં તેનો ડાબો પગ ફસાઈ જવાના કારણે આખો પગ ક્રશ થઈ ગયો હતો. જેથી તેને ગંભીર જાતે થઇ હોવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડીંગમાં બીજા માળેથી નીચે પટકાતા બાળકનું મોત
મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો દિપેશ મોરબીના સનાડા રોડ પાસે જીઆઇડીસીમાં મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડીંગમાં બીજા માળે સીડી ઉપર રમતો હતો. ત્યારે રમતા રમતા કોઈ કારણસર તે નીચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી કરીને દીપેશને સારવાર માટે મોરબીના સનાડા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.