સામાન્ય રીતે જેલનાં કેદીઓ પોતે કરેલા ગુનાની સજા ભોગવતા હોય છે, પરંતુ રાજકોટ ખાતે સેન્ટ્રલ જેલનાં કેટલાક કેદીઓ સજા દરમિયાન પણ સ્વાદની સોડમ ફેલાવી રહ્યા છે. જેલમાં જ દરરોજ 40 કિલોથી વધુ અડદિયા બનાવી રહ્યા છે. શુદ્ધ દેશી ઘી, ડ્રાયફ્રુટનાં મિશ્રણ દ્વારા બનેલા અડદિયા બજાર કરતા સસ્તા હોવા છતાં તેનો સ્વાદ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં પણ પ્રખ્યાત છે. એટલે જ છેલ્લા 10 કરતા વધુ વર્ષથી કેદીઓએ બનાવેલા અડદિયાનું ધૂમ વેચાણ થતા લાખો રૂપિયાની આવક થાય છે. જેલ તંત્ર દ્વારા આ આવકનો ઉપયોગ અડદિયા બનાવતા કેદીઓને વેતન આપવાની સાથે અન્ય કેદીઓનાં વિકાસ માટે કરવામાં આવે છે. 2 મહિનામાં 1400 કિલો અડદિયા બનાવ્યાઃ જેલર
રાજકોટ સેન્ટ્રલ જેલના જેલર બી. બી. પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટની જેલના કેદીઓ છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ફરસાણ સહિતની વિવિધ વાનગીઓ બનાવી રહ્યા છે. શિયાળા દરમિયાન કેદીઓ દ્વારા બનાવવામાં આવતા અડદિયા પ્રખ્યાત છે. ચાલુવર્ષે માત્ર 2 મહિનામાં કેદીઓએ 1400 કિલો અડદિયા બનાવ્યા છે. જેમાંથી રૂ. 6,11,600ની આવક થઈ છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી અડદિયા બનાવવાની કામગીરી ચાલુ રહેશે. અડદિયાનું રૂ. 440નાં કિલોનાં ભાવે વેચાણ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં બનતા અડદિયામાં અમૂલ ઘી, કાજુ, બદામ, જાયફળ, સૂંઠ પાવડર, અડદનો લોટ, તજ અને દૂધ સહિતની તમામ શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જેલનાં કેદીઓએ બનાવેલા અડદિયા રૂ. 440નાં કિલોનાં ભાવે વેચવામાં આવે છે. જેમાં માત્ર 10% નફો લેવામાં આવતો હોવાથી બજાર ભાવ કરતા કેદીઓએ બનાવેલા અડદિયા 200- 250 રૂપિયા સસ્તા હોય છે. અડદિયાનું વેચાણ રાજકોટ સેન્ટ્રલ જેલ તેમજ કાલાવડ રોડ પ્રેમમંદિર નજીક આવેલા ભજીયા હાઉસ ખાતે કરવામાં આવે છે. હું 10-12 વર્ષથી કામ કરૂં છુંઃ અલ્તાફભાઈ
અલ્તાફભાઈ નામના કેદીએ જણાવ્યું હતું કે, જેલનાં બેકરી વિભાગમાં હું 10-12 વર્ષથી કામ કરૂં છું. અહીં આવ્યા બાદ અમે અડદિયા તેમજ વિવિધ ફરસાણ બનાવતા શીખ્યા છીએ. અડદિયામાં 14 કિલો અડદનાં લોટ સામે તેટલી જ ખાંડ નાખીએ છીએ. તેમજ 300 ગ્રામ જેટલું અમૂલ ઘી અને 500 ગ્રામ સૂંઠ પાવડર સાથે કાજુ બદામ સહિતની વસ્તુઓ નાખી બનાવવામાં આવે છે. જેના 500-500 ગ્રામનાં બોક્સ બનાવીને જેલનાં બે કેન્દ્રો પરથી વેચાણ કરવામાં આવે છે. 6થી 7 કેદીઓ માત્ર અડદિયાનું જ કામ કરે છેઃ અધિકારી
સેન્ટ્રલ જેલનાં અધિકારી સુધીરભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં કુલ 4,890 કિલો અડદિયાનું વેચાણ થયું હતું, જેનાથી રૂ. 17,11,150ની આવક થઈ હતી. જેની સામે અત્યાર સુધીમાં 1390 કિલો અડદિયાનું વેચાણ થતા રૂ. 6,11,600ની આવક થઈ ચૂકી છે. સેન્ટ્રલ જેલનાં બેકરી વિભાગમાં કુલ 15 કેદીઓ કામ કરે છે. જેમાં 6થી 7 કેદીઓ માત્ર અડદિયાનું જ કામ કરે છે. આ કેદીઓને પ્રતિકીલો રૂ. 15 જેટલું વેતન આપવામાં આવે છે. ગત વર્ષનો ભાવ રૂ. 350 હતો, જેની સામે ચાલુવર્ષે રૂ. 440 ભાવ છે. આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં કુલ વેચાણનો આંકડો ગતવર્ષ કરતા વધવાની શક્યતા છે. ‘અડદિયાનો સ્વાદ રાજકોટિયનની દાઢે વળગ્યો’
જેલમાં શિયાળાની શરૂઆતથી લઈ ફેબ્રુઆરીના અંત સુધી કેદીઓ અડદિયાં બનાવે છે. તેઓ 7 વાગ્યે ઊઠી પોતાની દિનચર્યા પૂર્ણ કર્યા બાદ 9 વાગ્યે કામ પર લાગી જાય છે. 9થી 12 સુધી અને બપોરે 3થી 5-30 સુધી અડદિયાં બનાવવાનું કામકાજ કરે છે. આ કામ બદલ તેમને પ્રતિકીલો રૂ. 15 વળતર પણ ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સીઝનના 1390 કિલો અડદિયાં બની ચૂકયા છે અને અંદાજે રૂ. 6 લાખથી વધુનું વેચાણ થયું છે. કેદીઓનાં અડદિયાનો સ્વાદ રાજકોટિયનની દાઢે વળગ્યો હોવાથી તેનું ખૂબ સારું વેચાણ થાય છે. કેદીઓ 17 જાતનાં ફરસાણ બનાવે છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટની જેલમાં 10 વર્ષથી કેદીઓ ફરસાણ બનાવવાની કામગીરી કરે છે. જેમાં 17 જાતનાં ફરસાણ બનાવે છે, જેમાં અડદિયા ઉપરાંત ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, સકકરપારા, ફૂલવડી, સેવમમરા, ચવાણું, તીખી બુંદી, સમોસાં, લાડુ, જલેબી, ફાફડા, ગાંઠિયા, મીઠી બુંદી, મોહનથાળ, પફ, ખારી જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. તેમજ સુથારી, બેકરી, દરજી, ધોબીકામ અને કેદીઓનાં કપડાં સીવવાનું કામ પણ કેદીઓ જ કરે છે. આમ અંદાજે 100 જેટલા કેદીઓ વિવિધ કામગીરી કરીને રોજગારી મેળવે છે. જેલમાં રહીને પરિવારને મદદરૂપ થતાં કેદીઓ
જેલમાં કેદીઓ આવડત મુજબ કામગીરી કરે છે, જેનું વળતર તેમને આપવામાં આવે છે. જેમાંથી આ કેદીઓ પોતાની રોજબરોજની વસ્તુ ખરીદવા માટે અડધો પગાર પોતાની પાસે રાખે છે અને બાકીની રકમ પરિવારજનોને મોકલે છે. જેલમાં કામ કરતા કેદીઓનું પોસ્ટમાં ખાતું હોય છે, જેમાં તેમનો અડધો પગાર જમા કરવામાં આવે છે. જ્યારે કેદી જેલમાંથી છૂટે ત્યારે એ પગાર વાપરી શકે છે અથવા પોતાનાં પરિવારજનોને મોકલી શકે છે. આ રીતે કેદીઓ જેલમાં રહીને પોતાના પરિવારની મદદ કરી શકે છે અને પોતે પણ કામગીરી કરી આવડત વિકસાવે છે.