દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ સતત 7માં વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 23 દીકરીઓએ એકસાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા-પિતા ભલે હયાત નથી પરંતુ, આજે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા હતા. 23 દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન યોજાયા હતા. આજે એક શારીરિક દિવ્યાંગ સહિત 23 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને તેઓને કરિયાવરમાં 225થી વધુ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ 51,000 ની ફિક્સ ડિપોઝિટ તો પ્રથમ વખત દીકરીઓને 5 વર્ષનું રાશન આપવાની શરૂઆત પણ આ વર્ષથી કરવામાં આવી છે. દિવ્યાંગ દીકરીને પરણાવવાનો ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યો છે
વ્હાલુડીના વિવાહના આયોજક એવા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં વ્હાલુડીના વિવાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે એ કહેતા આનંદ થાય છે કે, અત્યાર સુધીમાં 164 દીકરીઓનો અમારો પરિવાર બન્યો છે. આજે એક શારીરિક દિવ્યાંગ સહિત 23 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા છે અને આ રીતે માતા-પિતા કે પિતા વિનાની દીકરીઓના પિતા કે ભાઈ બની તેમનાં જીવનમાં ખુશીના રંગ પુરવાનો અમને મોકો મળ્યો છે, તેનો અમે પ્રભુનો આભાર માનીએ છીએ. અમારો સંકલ્પ આ પ્રકારની 500 દીકરીઓને પરણાવવાનો છે. ગત વર્ષે 1 પ્રજ્ઞાચક્ષુ તો આ વખતે વામન કદની શારીરિક દિવ્યાંગ દીકરીને પરણાવવાનો ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યો છે. જાજરમાન લગ્નથી ખૂબ જ ખુશ છું
વામન કદની શારીરિક દિવ્યાંગ કન્યા વિશાખા પાડલીયાએ જણાવ્યું હતું કે, વ્હાલુડીના વિવાહનું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબા, આણુ દર્શન અને કંકુ પગલા સહિતના કાર્યક્રમ યોજાયો છે. બેન્ડની સુરાવલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ-10 સુધી મે અભ્યાસ કરેલો છે અને પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ, આ પ્રકારના જાજરમાન લગ્નથી ખૂબ જ ખુશ છું. વ્હાલુડીના વિવાહમાં એક પણ જાતના ખર્ચ વગર લગ્ન થયા
જ્યારે અન્ય દીકરી ખુશાલી પ્રવીણભાઈ ચંદ્રપાલે જણાવ્યું હતું કે, વ્હાલુડીના વિવાહમાં મારો ભવ્યથી ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીં સમૂહ લગ્ન તરીકે નહીં પરંતુ, પોતાની દીકરી તરીકે લગ્ન કરાવવામાં આવે છે. ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરાવવામાં આવી છે અને અહીં અલગ જ મંડપમાં મારા ખુબ જ સારી રીતે લગ્ન થઈ રહ્યા છે અને તેથી હું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનો ખૂબ જ આભાર માનું છું. મારા પિતા હયાત નથી. મારા માતા અને ભાઈ જ છે અને લગ્નમાં ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે પરંતુ વ્હાલુડીના વિવાહમાં એક પણ જાતના ખર્ચ વિના જાજરમાન લગ્ન થયા છે