ગુજરાત ભાજપ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત મંડલ અને વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરના 40 જેટલા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખોની જાહેરાતની ખુશીમાં અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાર્યકર્તાઓ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધનના પગલે જાહેર કરાયેલા રાષ્ટ્રીય શોકને ભૂલી ગયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક હોવા છતાં પણ ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ ઇસનપુર ખાતે આવેલી પોતાના કાર્યાલય બહાર ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા. એક તરફ રાષ્ટ્રીય શોક હોવા છતાં પણ કાર્યાલય પર ઢોલ નગારા ડીજે અને ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટર અને કાર્યકર્તાઓને પરમાત્મા સદબુદ્ધિ આપે- કોંગ્રેસ
ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ગરબે ઘૂમવાનો કાર્યક્રમ કરવાના પગલે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમ અને ઢોલ નગારાથી ઉજવણીના પગલે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કાર્યક્રમ જાહેર સરઘસ અને આતશબાજીનો કાર્યક્રમ હોઇ તેની પોલીસ પરિમિશન લેવી ફરજિયાત હોય છે. શું ભાજપના સંગઠને ઉપરોક્ત કાર્યક્રમની પોલીસ પરમિશન માગી હતી/લીધી હતી. આ કિસ્સામાં જો પરમિશન માગી હોય અને આપવામાં આવી હોય તો જે તે પોલીસ અધિકારી પર દંડનીય કાર્યવાહી કરવી જોઈએ અને પરમિશન જો ન માગવામાં આવી હોય તો પોલીસે ઉપરોક્ત કાર્યક્રમના આયોજક ઉપર પણ ફરિયાદ કરવી જરૂરી છે. રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપે ઉજવણી કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક છે ત્યારે દેશ કે રાજ્યમાં કોઈપણ પ્રકારના ઔપચારિક અને સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. જાહેર મેળાવડા અને સત્તાવાર મનોરંજન કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હોય છે. પરંતુ ભાજપમાં રાષ્ટ્રીય શોકની જાહેરાતને જાણે કોઈ લેવાદેવા ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વોર્ડ પ્રમુખોની જાહેરાતની પગલે ક્યાંય ઢોલ નગારા અને આતશબાજી સાથે ઉજવણી થઈ નથી પરંતુ મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને વિધાનસભા વોર્ડના કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા વોર્ડ પ્રમુખની જાહેરાત થયા બાદ ઉજવણી કાર્યક્રમ કર્યો હતો. જાહેરમાં સંયુક્ત બનેલા વોર્ડ પ્રમુખો ઢોલ નગારા સાથે ત્યાં પોંહચ્યા અને કાર્યકર્તાએ ફટાકડા ફોડ્યા હતા અને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ ગરબે ઘૂમીને ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. એક તરફ અનેક જગ્યાએ વોર્ડ પ્રમુખોની જાહેરાત ના પગલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધારાસભ્યોએ પોતાના જ કાર્યાલયમાં કામ કરતાં લોકોને ગોઠવ્યા હોવાની ચર્ચા વચ્ચે મણિનગરમાં પણ આ જ પરિસ્થિતિ સામે આવી છે અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ઘરોબો હોવાથી વોર્ડ પ્રમુખો મુકાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રીય શોક હોવા છતાં કરાયેલી ઉજવણીને લઈ આ મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે. ઉજવણીના ફોટો અને વીડિયો જૂના છે- અમૂલ ભટ્ટ
મણિનગર ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બીજા કોઈ દિવસના ફોટા વીડિયો હોઈ શકે છે. મારા કાર્યાલય ઉપર અવારનવાર તહેવાર દરમિયાન ઉજવણી થતી હોય છે. તે દિવસના કોઈ ફટાકડા ફોડ્યા અથવા ગરબાના હોવાના ફોટા વીડિયો હોઈ શકે છે. એ દિવસના કોઈ ફોટા વીડિયો નથી. દિવાળી નો તહેવાર કે અન્ય તહેવાર દરમિયાન ના હોય અને કોઈએ ભેગા કર્યા હોય તેવું છે. વોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી તે દિવસનો ફોટા વિડિયો નથી.