સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી હતી. સ્મિત જીયાણીએ તેની પત્ની અને માસૂમ પુત્રને ઊંઘમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. બાદ માતા-પિતા પર જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો પર હિચકારા હુમલા બાદ સ્મિત દ્વારા આપઘાતનું નાટક કરવામાં આવ્યું હતું અને હાલ માતા-પિતાની સાથે તે પણ સારવાર હેઠળ છે. હત્યાકાંડનું કારણ જાણવા પોલીસની તપાસમાં આરોપી સ્મિત સહકાર આપી રહ્યો નથી. પહેલા ક્રૂરતાની હદ પાર કરનાર હવે રીઢો ગુનેગાર હોય તેમ પોલીસને હોસ્પિટલમાં જોઈને ડ્રામા કરીને પોલીસના સવાલોને ટાળી રહ્યો છે. જોકે, પોલીસ હાલ ગૃહ કંકાસ અને શેરબજારના દેવું થયાની બે થીયરી પર તપાસ પણ કરી રહી છે. અણબનાવ અને મનદુઃખની વાત ઉપજાવી હોવાની શક્યતા
હાલ સ્મિત, તેની માતા અને પિતા ત્રણેય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે માતાની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પિતાની તબિયત સુધારા પર છે. બીજી તરફ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસમાં સ્મિત દ્વારા ઘરકંકાસને પગલે પરિવારજનોનું કાસળ કાઢી નાખવાનો કારસો રચ્યો હતો. પત્ની અને માતા વચ્ચે ચાલી રહેલા કંકાસ તથા પિતા સાથે અણબનાવને પગલે સ્મિત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે અને પતિરાઈ ભાઈ સાથે થયેલા અણબનાવ અને મનદુઃખની વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બે થીયરી પર પોલીસની તપાસ સ્મિત પોલીસને સહયોગ આપવાનું ટાળી રહ્યો છે
પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા-પિતા પર જીવલેણ હુમલો કરનાર સ્મિત રીઢા ગુનેગારને શરમાવે તેવી વૃત્તિ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. સ્મિતની તબિયત સુધારા પર હોવા છતાં તે પોલીસ તપાસમાં પુરતો સહયોગ આપવાનું ટાળી રહ્યો છે. સ્ટેટમેન્ટ લેવા માટે પહોંચેલ પોલીસ સમક્ષ સ્મિત બોલાતું નથી અને જીભ કપાઈ ગઈ હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત હાલ સુધારા પર છે અને તેના દ્વારા માત્ર પોલીસ તપાસથી બચવા માટે આ પ્રકારનું નાટક કરવામાં આવી રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્મિત અને પત્નીના ફોન પોલીસ FSLમાં મોકલશે
પોલીસે સ્મિત, તેની પત્ની હિરલ સહિત ચાર મોબાઇલ કબજે લીધા હતા. સ્મિત અને હિરલના આઇફોન લૉક હોવાથી પોલીસે સ્મિત પાસે પાસવર્ડ માંગ્યા હતા. પાસવર્ડ ભુલી ગયો, તબિયત ખરાબ થઇ ગઇ, આઘાતમાં છું વગેરે જેવા બહાના કરી સ્મિતે પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી. જેના પગલે હવે પોલીસ આઈફોન FSLમાં મોકલશે. માતા ડઘાઈ જતા ઘરની બહાર નીકળી ગયા હતા
મળતી માહિતી પ્રમાણે, સરથાણા ખાતે સૂર્યા એપાર્ટમેન્ટમાં શુક્રવારે સવારે જીયાણી પરિવાર નિંદ્રાધીન હતા. ત્યારે સ્મિત જીયાણીએ રસોડામાં મુકેલા ચપ્પુથી પહેલા પત્ની અને ત્યારબાદ પુત્રને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. પત્ની અને પુત્રની હત્યા બાદ સ્મિત અન્ય રૂમમાં સુઈ રહેલા માતા અને પિતા પર પણ ચપ્પુ લઈને તૂટી પડ્યો હતો. ગળાના ભાગે માતા પિતાને ચપ્પુના ઘા મારતાં માતા ડઘાઈ ગયા હતા અને દોડીને ઘરની બહાર નીકળીને બુમબરાડા પાડતાં અડોશ પડોશના લોકો પણ એકઠાં થઈ ગયા હતા. સ્મિતની તબિયતમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયો
બીજી તરફ પરિવારજનો પર હુમલા બાદ સ્મિત દ્વારા પોતે પણ આપઘાતનું નાટક કર્યું હતું. પડોશીઓ દ્વારા જો કે સમયસર 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં માતા-પિતાની સાથે સ્મિતને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે પિતા લાભુ જીયાણી અને સ્મિતની તબિયતમાં સુધારો થતાં બંનેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે, માતા વિલાસ જીયાણીની હાલત હજી પણ નાજુક હોવાને કારણે તેઓને વેન્ટિલેટર પર જ રાખવામાં આવ્યા છે.