રાજકોટના ગવરીદડ નજીક આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ગવરીદડ ગામમાં વાહન અથડાવા મામલે ઝઘડો કરી ગ્રામજનની કાર પર અપશબ્દો લખ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જે મામલાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં વિદ્યાર્થીઓને બદનામ કરવા માટે ગ્રામજનોએ જ કાર પર અપશબ્દો લખ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, આ મામલે આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી. પોલીસે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે,. રાજકોટના ગવરીદડ ગામમાં ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે તકરારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરંતુ, પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પોલીસે વાઈરલ વીડિયો બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ, 28 ડીસેમ્બરે રાત્રે 10 વાગ્યે ગવરીદળ ગામની મુખ્ય બજારમાં આફ્રિકન વિદ્યાર્થી તેની બે બહેનો સાથે બાઈક પર દવા લેવા માટે રતનપરથી આવ્યો હતો. ત્યારે સામેથી આવી રહેલા એક કારચાલક સાથે તેની બોલાચાલી થતા કારમાં સવાર યુવકે આફ્રિકન વિદ્યાર્થીને માર માર્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનો અને કોલેજના વધુ વિદ્યાર્થીઓ ઘટનાસ્થલે એકઠા થઈ ગયા હતા. પરંતુ, કારચાલક પોતાની કાર મૂકીને ત્યાંથી જતો રહ્યો હતો. ગ્રામજનો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓએ ભારત દેશ વિરુદ્ધ અભદ્ર ભાષામાં કાર પર લખાણ લખ્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોની પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓે સમગ્ર ઘટનાના વીડિયો રજૂ કર્યા હતા. પોલીસનું માનીએ તો, વિદ્યાર્થીઓને ખરાબ રીતે ચિતરવા માટે ગામના જ કેટલાક લોકો દ્વારા કાર પર લખાણ લખાયું હતું. આ મામલે વિદ્યાર્થીઓ કે કારચાલક દ્વારા ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.