back to top
Homeગુજરાતસુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો:ઊંઘતી પત્નીનું ગળું કાપીને પતાવી...

સુરતમાં 48 કલાકમાં વધુ એક પતિ હેવાન બન્યો:ઊંઘતી પત્નીનું ગળું કાપીને પતાવી દીધી, ઊંઘમાંથી જાગેલી પુત્રી માતાની હાલત અને લોહી જોઈ હેબતાઈ ગઈ

સુરતમાં 48 કલાકની અંદર જ વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. ગત મોડીરાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. સાથે રૂમમાં સૂતેલી દીકરી ઊંઘમાંથી ઊઠી જતાં માતાનું ગળું કપાયેલું અને લોહીને જોઈને બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ મહિલાએ દમ તોડી દીધો હતો. હાલ આ મામલે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારની સવારે સરથાણા વિસ્તારમાં યુવકે પરિવારના ચાર સભ્યોનાં ગળાં કાપ્યાં હતાં, જેમાં તેની તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં માતા-પિતા હાલ સારવાર હેઠળ છે. પતિ કામ પર ન જતા ઝઘડા થતા હતા
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની એમ બે દીકરી છે. જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતાં હતાં. દીકરી ઊંઘમાંથી જાગી જતાં બૂમાબૂમ કરી
રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતાં માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી હતી. ઘટના અંગે મૃતકના પરિવારને જાણ કરાઈ
દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઘોડાદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ તો નમ્રતાબેનના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ નમ્રતાબેનના પિયરના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે અને તે સુરત આવી રહ્યા છે. આરોપી દારૂ પીવાની ટેવ પણ ધરાવે છે
નમ્રતાબેનનાં પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા, પણ મોટાભાગે કામ પર ન જતા હતા. ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. એકવાર નમ્રતાબેન પિયર પણ આવી ગયાં હતાં અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયાં હતાં. પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતાં હતાં. બે દિવસ પહેલા પણ નોકરીને લઈ ઝઘડો થયો હતોઃ DCP
આ મામલે ભગીરથ ગઢવી (ડીસીપી)એ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો. પત્ની નોકરી બાબતે પતિને કહેતી હોવાથી આવેશમાં આવી જઈને ચપ્પુ વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. હાલ તો પતિની અટકાયત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા પણ નોકરી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જ્યારે ગતરાત્રે પણ આ બાબતે ઝઘડો થતાં આ પગલું ભર્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી
નમ્રતાબેનને ગઈકાલે (28 ડિસેમ્બર) સાંજે જયસુખભાઈ બાજુમાં કામ કરતા હતા ત્યાંથી લેવા ગયા હતા. ત્યારબાદ બધા સાથે જમ્યા હતા અને સૂવા ગયા બાદ બંને વચ્ચે શું ઝઘડો થયો તે અંગે કોઈ જાણ નથી. જોકે, જયસુખભાઈ દારૂના નશામાં આ હત્યા કરી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો…. પતિએ પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી, માતા-પિતા પર ઘાતકી હુમલા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments