સેન્ચુરિયન ટેસ્ટમાં પાકિસ્તાન તેની બીજી ઇનિંગમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ પહેલી ઇનિંગ 90 રનથી પાછળ હતી, જેથી સાઉથ આફ્રિકાને 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે ટીમે 3 વિકેટ ગુમાવીને 27 રન બનાવી લીધા હતા. જો સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ જીતશે તો ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલમાં પહોંચી જશે. ત્યારબાદ માત્ર બીજી ટીમનું સ્થાન નક્કી કરવાનું બાકી છે, જેના માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે જંગ છે. બાબરે ફિફ્ટી ફટકારી
ત્રીજા દિવસે વરસાદના કારણે રમત મોડી શરૂ થઈ હતી. પાકિસ્તાને 88/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું, બાબર આઝમે 16 રન સાથે ઇનિંગને આગળ વધારી હતી અને સઉદ શકીલે 8 રનના સ્કોર સાથે રમવાનું શરૂ કર્યું. બંનેએ સ્કોરને 150ની નજીક પહોંચાડ્યો અને બાબરે ફિફ્ટી ફટકારી. તે 50 રનના સ્કોર પર માર્કો યાન્સેનની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. બાબર જતાની સાથે જ પાકિસ્તાને ધડાધડ વિકેટ ગુમાવી
બાબરની વિકેટ સમયે પાકિસ્તાનનો સ્કોર 153/4 હતો, ટીમે 56 રનમાં આગળની 4 વિકેટ ગુમાવી દીધી હતી. સઉદ શકીલ એક છેડે ઊભો હતો, પરંતુ સામે છેડે કોઈ બેટર ટકી શક્યો નહોતો. મોહમ્મદ રિઝવાન 3, સલમાન આગા 1 અને આમેર જમાલે 18 રન બનાવ્યા હતા. શકીલ 84 રન બનાવીને આઉટ થયો હતો. નસીમ શાહ અને મોહમ્મદ અબ્બાસ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ખુર્રમ શહઝાદે 9 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેને 6 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને 2 વિકેટ મળી હતી. ડેન પેટરસન અને કોર્બીન બોશે 1-1 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી
148 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટોની ડીજ્યોર્જ 2 રન બનાવીને આઉટ થયો હતો અને ટ્રિસ્ટન સ્ટબ્સ 1 રન બનાવીને આઉટ થયો હતો, રેયાન રિકલ્ટન ખાતું પણ ખોલી શક્યો નહોતો. મોહમ્મદ અબ્બાસે 2 વિકેટ લીધી હતી. ખુર્રમ શહજાદને 1 વિકેટ મળી હતી. એડન માર્કરમ અને ટેમ્બા બાવુમા સ્ટમ્પ સુધી નોટઆઉટ રહ્યા, ટીમ ટાર્ગેટથી 121 રન પાછળ છે. બીજા દિવસે સાઉથ આફ્રિકા પાસે 90 રનની લીડ
સાઉથ આફ્રિકાએ બીજા દિવસે પ્રથમ દાવમાં 301 રન બનાવ્યા હતા. ટીમ તરફથી એડન માર્કરમે 89 રન અને કોર્બિન બોશે 81 રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાએ 213 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી, અહીંથી બોશે ટેલન્ડર્સની સાથે મળીને ટીમને 90 રનની લીડ અપાવી હતી. પાકિસ્તાન પહેલા દિવસે માત્ર 211 રન બનાવી શક્યું હતું
પાકિસ્તાને ગુરુવારે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમ આ તકનો ફાયદો ઉઠાવી શકી નહીં. કામરાન ગુલામે 54 રન બનાવ્યા હતા, બાકીના બેટર્સ 30થી વધુ રન બનાવી શક્યા ન હતા. ટીમ 211 રન સુધી સીમિત રહી હતી, ડેન પેટરસને 5 વિકેટ લીધી હતી.