દાહોદ તાલુકામાં આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને દિવસ દરમિયાન તેમજ રાત્રી દરમિયાન સઘન ચેકિંગ, પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નશાની હાલતમાં ઈસમોને ઝડપી પાડવાની સાથે સાથે પ્રોહિબિશનના કેસો તેમજ નાસતા ફરતા આરોપીઓને પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. દાહોદ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દિવસ અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગની સાથે સાથે, નશાની હાલતમાં લોકોને ઝડપી પાડવા, પ્રોહિબિશનની પ્રવૃતિઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીની સાથે સાથે હેલ્મેટ વગર ટુ વ્હીલર વાહન ચલાવનાર વ્યક્તિઓ, ટુ વ્હીલર પર ત્રિપલ સવારી કરી પસાર થતાં વ્યક્તિઓ, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સહિત વિવિધ ગુન્હોમાં વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે સાથે સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, દાહોદ શહેર સહિત જિલ્લામાં આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે પોલીસ વડા દ્વારા જાહેર જનતાની અપીલ પણ કરવામાં આવી છે કે, વાહન ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરવાની વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો પર પણ પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ, કોમ્બિંગ તેમજ પેટ્રોલિંગની કામગીરી સતત ખડેપગે કરવામાં આવી રહી છે. દાહોદ પોલીસ ડ્રોન મારફતે રાખી રહી છે નજર
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસ એલર્ટ બની છે અને દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ.રાજદિપસિંહ ઝાલા દ્રારા સમગ્ર જિલ્લાના ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો, એલ સી બી અને એસ ઓ જી સહિતની ટીમોને સાથે રાખીને જીલ્લાના અલગ અલગ વિસ્તારોમા રાત્રી દરમિયાન કોમ્બિંગની કામગીરી કરવામા આવી રહી છે, જેમા ટેક્નોલૉજીનો પણ દાહોદ પોલીસ ઉપયોગ કરી રહી છે, અને થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાની મદદથી પણ સમગ્ર વિસ્તારો તેમજ હાઈવે પર નજર રાખવામા આવી રહી છે.