કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 જાન્યુઆરીથી કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલા સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના પગલે બે જાન્યુઆરી 2025 થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. 30 જૂન 2026 એટલે કે દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો કાલુપુર ઓવરબ્રિજ અને અનુપમ- ખોખરા ઓવરબ્રિજ પરથી અવરજવર કરી શકશે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે છે જેના કારણે સારંગપુર બ્રિજની કામગીરી શરૂ થવાની હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને સારંગપુર બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવા અંગેની જાણકારી આપવામાં આવી છે. જે અંતર્ગત 2 જાન્યુઆરી 2025 થી 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બન્ને તરફથી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે. વાહનચાલકો આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે
– ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે. – ગીતા મંદીર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે. – રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદીર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે. – રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રીજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.