સલીમ શેખ
બિલ્ડરોની ચાલાકી પર કાતર ફેરવતા રેરાએ આગામી 1લી જાન્યુઆરીથી બેન્ક એકાઉન્ટ સંબંધિત કેટલાક ફેરફાર લાગુ કર્યા છે જે અંતગર્ત બિલ્ડરોએ હવે એક પ્રોજેકટના ત્રણ એકાઉન્ટ જુદા-જુદા રાખવા પડશે. અગાઉ અનેક બિલ્ડરો એક જ એકાઉન્ટ રાખતા હતા અને એક પ્રોજેક્ટના રૂપિયા અન્ય પ્રોજેકટમાં પણ ફેરવી દેતા હતા. રેરાને પ્રોજેક્ટ લેટ થવા અંગેની મળેલી અનેક ફરિયાદીઓમાં આ એક પ્રાથમિક કારણ પણ સામે આવ્યુ હોવાનું જાણકારો કહી રહ્યા છે એટલે જ આ નવા ફેરફાર લાગુ કરાયા છે જેમાં એક એકાઉન્ટમાંથી કેટલા ટકા રકમ ઉપાડવી અને ખર્ચ કરવી એનો ચિતાર આપી દેવાયો છે ઉપરાંત રકમ ઉપાડતી વખતે હવે સી.એ. ઉપરાંત આર્કિટેકનું પણ કિલયરન્સ સર્ટિફિકેટ જોઇશે. સી.એ. પ્રતીક રાદડિયા કહે છે કે ગુજરાત રેરા દ્વારા નાણાકિય શિસ્ત અને પારદર્શિતા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જેટલા પ્રોજેક્ટ તેટલા એકાઉન્ટ ખોલાવવા પડશે અને એક પ્રોજેક્ટ દીઠ ત્રણ એકાઉન્ટ હશે, આનાથી બિલ્ડરોએ જે રકમ આવે છે તેને કયા ખાતામાં નાંખવી અને કેટલી ઉપાડવી એની પર ખાસ ધ્યાન રાખવી પડશે. એકાઉન્ટ મેનેજ કરવા બાબતે હવે કોઈ ભૂલ ચાલશે નહીં.
આ મુજબના ત્રણ ખાતાં ખોલાવવા પડશે
રેરા કલેક્શન ખાતું: ગ્રાહકો પાસેથી મળતી તમામ રકમ ( ટેક્સ સિવાય)આ ખાતામાં જમા કરવી પડશે. આ ખાતાના નાણા માત્ર ઓટો-સ્વીપ સુવિધા દ્વારા જ ઉપાડી શકાશે, તેમજ ઓછામાં ઓછી 70 ટકા રકમ રેરા રિટેન્શન ખાતામાં અને 30 ટકા રકમ રેરા ટ્રાન્ઝેક્શન ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. આ ખાતામાંથી નાણા ઉપાડવા માટે ચેકબુક, ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ ઓનલાઇન ઉપાડની સુવિધા બેન્ક તરફથી મળશે નહીં.
રેરા રિટેન્શન ખાતાં: આ ખાતામાં જમા થતી 70 ટકા રકમ માત્ર જમીન અને બાંધકામના ખર્ચ માટે જ વાપરી શકાશે. તેમજ આ ખાતા પર કોઈ પણ નાણાકીય સંસ્થા દ્વારા ગુજરેરાના નિર્દેશ વગર બોજો મૂકી શકાશે નહીં. તેમજ આ ખાતામાંથી નાણાં ઉપાડવા માટે આર્કિટેક્સ, CA/એન્જિનિયર દ્વારા પ્રમાણિત ફોર્મ રજૂ કરવા પડશે.
રેરા ટ્રાન્ઝેકશન ખાતાં: આ ખાતામાં ટ્રાન્સફર થતી 30 ટકા રકમ અન્ય ખર્ચ માટે વાપરી શકાશે. આ બાબતો પણ ધ્યાનમાં લેવી પડશે… 1. પ્રમોટરોએ રેરા કલેક્શન ખાતાની માહિતી એલોટમેન્ટ લેટર અને સાટાખતમાં ફરજિયાત પણે ઉમેરવી પડશે. 2. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેનો વહીવટ સોસાયટીને સોંપીને ગુજરેરા ખાતે ક્યુ.ઇ.ફાઇલ કરાવ્યા પછી જ આ ત્રણેય રેરા બેન્ક ખાતા બંધ કરાવી શકાશે.