“લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી”. સુપ્રસિદ્ધ હિન્દી કવિ હરિવંશરાય બચ્ચનની આ કવિતાને રાજકોટમાં રહેતા એક દિવ્યાંગ યુવાન ભાવિનકુમાર ગોહેલે પોતાના જીવનમાં સાર્થક કરી લીધી છે. પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ આર્ટિફિશિયલ પગ સાથે મેરેથોનમાં ભાગ લેવા તેમજ બેડમિન્ટનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી પેરા ઓલમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન લઈને દરરોજ તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં દૈનિક 2 કલાકની પ્રેક્ટિસ કરતો આ યુવાન 8 કલાકની નોકરી ઉપરાંત 2 કલાક જીમમાં પણ પરસેવો પાડે છે. ખેતી કામ કરતા માતા-પિતાની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અંગ્રેજી વિષય સાથે બેચલર ઓફ આર્ટસ ભણેલો યુવાન રિસેપ્શનીસ્ટની નોકરી કરી રહ્યો છે. તે 2 વખત પાવાગઢ પર્વત તો ગિરનારના 5000 પગથિયા આર્ટિફિશિયલ પગ સાથે ચડી ચૂક્યો છે. તો જાણો યુવાનની સંઘર્ષ ગાથા તેમના જ શબ્દોમાં…. ‘ડાબા પગથી નસ ડેમેજ થતા પગ કપાવવો પડ્યો’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાના જીવન સંઘર્ષ અંગે ભાવિનકુમાર ફળજીભાઈ ગોહેલએ જણાવ્યું કે, હું ખંભાત જિલ્લાનો છું. 5 વર્ષ પહેલા હું વાડીએ બાઈક પર બેઠો હતો, ત્યારે 2 બળદ ઝઘડતા-ઝઘડતા મારી માથે પડ્યા હતા, જેથી મને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મારા પગ અને નસનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મારા ડાબા પગથી નસ ડેમેજ થઈ ગઈ હોવાથી પગ કપાવવો પડ્યો હતો. જે બાદ સગા-વ્હાલા મારી ખબર કાઢવા આવતા હતા, ત્યારે એમજ કહેતા હતા કે, હવે તું જીવનમાં કંઈ જ નહીં કરી શકે, તારે ખાટલામાં બેસી જ રહેવું પડશે. ‘આર્ટિફિશિયલ પગથી પિતાને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું’
જેથી મેં એવું નક્કી કર્યું કે, હું આ બધા લોકોને જવાબ આપીશ અને મારી પાસે એક પગ નથી, છતાં પણ હું બધું જ કરી શકીશ. દરમિયાન ઓનલાઇન જાહેરાતમાં GET BACK અંતર્ગત મેં ફ્રીમાં આર્ટિફિશિયલ પગ મેળવ્યો. જે બાદ મને આર્ટિફિશિયલ પગથી કેવી રીતે ચાલી શકાય તેની તાલીમ પણ આપવામાં આવી. જેથી તે પગથી મારા પિતાને ખેતીવાડીમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. ખેતરમાં પાણી વાળવું, ખાતર નાખવું જેવાં કામો આ આર્ટિફિશિયલ પગથી સરળતાથી કરવા લાગ્યો. જે બાદ મેં ભણવાનું પણ શરૂ કરી દીધું અને 3 કિલોમીટર ચાલીને કોલેજ સુધી જતો હતો. ‘માતા-પિતા મારી સેવા કરતા હતાં એ હું જોઈ ન શકતો’
જોકે, આ દરમિયાન જે સમયે મારે માતા-પિતાની સેવા કરવાની હોય તેવા સમયે માતા-પિતા મારી સેવા કરતા હતાં, તે હું જોઈ ન શક્યો. જેથી GET BACK કંપનીમાં અમદાવાદમાં નોકરી શરૂ કરી. જે સાથે મેં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાનું શરૂ કર્યું. કારણ કે, હું અગાઉ આર્મીની પણ તૈયારી કરતો હતો. મારા જ્યારે બંને પગ હતા, ત્યારે ખેલ મહાકુંભ 400 મીટર દોડ, ઊંચી કૂદ અને ભાલા ફેંકની રમતમાં સર્ટિફિકેટ પણ મળ્યાં હતા. જે બાદ હું રાજકોટ આવ્યો. અહીં જોબની સાથે જીમ શરૂ કર્યુ. જીમમાં પ્રથમ વખત ગયો ત્યારે 5 પુશઅપ્સ કરતો હતો. જ્યારે 6 મહિનામાં દરરોજના 100 પુશઅપ્સ કરી રહ્યો છું. આ ઉપરાંત વેઇટ લિફ્ટિંગ અને કેલેથેનિક એક્ટિવિટી પણ શરૂ કરી. ‘મેડમની સલાહ બાદ બેડમિન્ટન તાલીમ શરૂ કરી’
આ દરમિયાન મારા મેડમે મને સોસાયટીમાં બેડમિન્ટન રમતા જોયો. જે બાદ તેઓએ મને કહ્યું કે, તું બેડમિન્ટન સારું રમે છે, તો કોઈ કોચ પાસેથી કોચિંગ લેવાનું શરૂ કર. જે બાદ મારો કોન્ટેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોચ ચિંતન રાવલ સાથે થયો અને તેથી હું અહીં તાલીમ લઈ રહ્યો છું. જેમાં ક્યાં પગથી કઈ રીતે ફુટવર્ક કરવું, આગળ અને પાછળ કઈ રીતે જવું, રેકેટમાં કઈ રીતે બેડમિન્ટન રમવાની ગ્રીપ આવે તે તમામ પ્રકારની ટ્રેનિંગ હું છેલ્લા 6 મહિનાથી અહીં મેળવી રહ્યો છું. ‘મારું મેરેથોનમાં રનિંગ કરવાનું ડ્રીમ છે’
તેમણે પોતાના જીવનના સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે, મારું મેરેથોનમાં રનિંગ કરવાનું ડ્રીમ છે અને પેરા ઓલમ્પિકમાં બેડમિન્ટનમાં ભારત માટે રમી ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન છે. મેરાથોનમાં દોડવા માટે એડવાન્સ આર્ટિફિશિયલ પગની જરૂર પડે છે. જેમાં U આકારની કાર્બન પ્લેટ આવે, જેનાથી હું રનિંગ કરી શકું. જોકે, તે મારી પાસે નથી, પરંતુ કોઈ આ પ્રકારનો પગ મને ડોનેટ કરી શકે તેમ હોય તો હું તેનાથી રનિંગની પ્રેક્ટિસ કરી મેરેથોનમાં ભાગ લેવામાં માગું છું. ‘પાવાગઢ અને ગિરનાર પણ ચડી ચુક્યો છું’
તેમણે વધુમાં જણાવ્યું કે, મેં બીએ વિથ અંગ્રેજીનો અભ્યાસ કરેલો છે. મારા પિતા ફળજીભાઇ અને માતાનુ નામ લીલાબેન છે. જેઓ ખેતીવાડી કરે છે. અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દરરોજ બેડમિટરની 2 કલાકની પ્રેક્ટિસ કરું છું, જે માટે છ કિલોમીટર દૂરથી સાયકલ લઈને આવું છું. આ ઉપરાંત 2 કલાક જિમમાં જાવ છું અને 8 કલાકની નોકરી કરું છું. હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે મારા દાદાએ મને કહ્યું હતું કે, તારો એક પગ ભલે કપાઈ ગયો, પરંતુ તારે પાવાગઢ અને જુનાગઢ ગિરનાર પર્વત ચડવાનું છે. જેથી હું 2 વખત પાવાગઢ પર્વત તો એક વખત ગિરનારના 5000 પગથિયા 1 કલાકમાં ચડી ગયો. યુવકને જોઈ મને વાત ગળે ન ઊતરીઃ કોચ
કોચ ચિંતન રાવલે જણાવ્યું હતું કે, 6 મહિના પહેલા ભાવિનકુમાર ગોહિલ નામનો યુવાન મારી પાસે આવ્યો અને કહ્યું કે મારે બેડમિન્ટન શીખવું છે અને ઓલમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવો છે, પરંતુ તે વખતે મને આ યુવાનની વાત ગળે ન ઊતરી. કારણ કે, યુવાનનું એક પગ નહોતો અને આર્ટિફિશિયલ પગથી પ્રેક્ટિસ કરવાની હતી. જ્યારે બેડમિન્ટનની પ્રેક્ટિસ ખૂબ જ અઘરી હોય છે, પરંતુ થોડા દિવસો બાદ આ યુવાન રેગ્યુલર અહીં આવતો હોવાથી મને લાગ્યું કે ખરેખર આ યુવાનમાં સ્પાર્ક છે અને મારે તેને પ્રેક્ટિસ કરાવવી જ જોઈએ. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કમલ ડોડિયા, કુલસચિવ ડૉ. રમેશ પરમાર અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાના પ્રયાસોથી આ યુવાનને અહીં વિનામૂલ્યે પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ યુવાનને બેડમિન્ટનની પ્રેક્ટિસ માટે શટલ સહિતનો ખર્ચ યુનિવર્સિટી ઉઠાવી રહી છે. યુવાનનુ સ્વપ્ન સાકાર થાય તેવા જ અમારા પ્રયાસો છે.