થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સુરત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ખાસ કરીને ડુમ્મસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં મોટી હોટેલો અને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ યોજાઈ રહી છે, ત્યાં ડ્રોનની મદદથી સર્વલેન્સ કરવામાં આવી રહ્યું છે. સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે ચેતવણી આપી છે કે, કોઈપણ વ્યક્તિ નિયમ ભંગ કરશે અને જો કોઈ જાહેર જનતાને હેરાન કરે તો આવા તત્વોને થર્ટી ફર્સ્ટ નાઈટ કસ્ટડીમાં રાખવામાં આવશે અને ત્યારબાદ ન્યૂ યરના દિવસે તેમનો વરઘોડો કાઢવામાં આવશે. ડુમ્મસ વિસ્તાર અને ફાર્મ હાઉસ પર ખાસ ચેકિંગ
ડુમ્મસ વિસ્તારમાં અનેક હોટેલો અને ફાર્મ હાઉસ આવેલા છે, જ્યાં થર્ટી ફર્સ્ટ નાઈટ અને નવા વર્ષના આગમનને લઈ મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીઓમાં કોઈપણ પ્રકારના નશાના સાધનોનો ઉપયોગ ન થાય તેની ખાતરી માટે સુરત એસઓજી ટીમના પેટ્રોલિંગ સાથે ખાસ પાંચ ડ્રોન સર્વ લેન્સ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા ખાસ કરીને પાર્ટી સ્થળોએ તૈયારીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડીસીપી રાજદીપસિંહ નકુમની ચેતવણી
સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, “ફાર્મ હાઉસ પર અમારું સતત સર્વલેન્સ ચાલુ છે. અમે પાંચ ડ્રોન કેમેરાની મદદ લઈ રહ્યા છીએ અને દરેક માહિતી બાતમીદારો દ્વારા એકત્ર કરી રહ્યા છીએ. કેટલીક ચીજ વસ્તુઓ કે જે ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તેનો ઉપયોગ ટાળવા માટે આ કાર્યવાહી છે. જો કોઈ આવા પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરે છે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે ચેતવણી આપી કે, “કેટલાક અસામાજિક તત્વો ડુમ્મસ મગદલ્લા રોડ પર ફટાકડા ફોડે છે, સજ્જન પ્રજાને હેરાન કરે છે અથવા સોડાની બોટલો ફોડે છે, તો અમે તે સહન નહીં કરીએ. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે અને થર્ટી ફર્સ્ટ નાઈટ લોકઅપમાં વિતાવી પડશે. નવું વર્ષ શરૂ થતાની સાથે જ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવશે.” પ્રાપ્ત માહિતી પર વિશેષ ધ્યાન
ડીસીપી નકુમે વધુમાં જણાવ્યું કે, “સર્વલેન્સ દરમિયાન અમારી ટીમો બાતમીદારોને એક્ટિવ રાખશે, અને પાર્ટી માટે શું વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે અને કઈ વસ્તુઓ ફાર્મ હાઉસ સુધી પહોંચે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવશે. ખાસ કરીને ડ્રોનની મદદથી આ જગ્યાઓ પર અમારું નિયંત્રણ રહેશે.”