સાઉથ કોરિયામાં વિમાન દુર્ઘટના પછી કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે સોમવારે દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે તમામ એરલાઇન સિસ્ટમની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રવિવારે બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું બોઈંગ 737-800 પ્લેન મુઆન એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું, પરંતુ ગીયર ફેલ થવાને કારણે તેના પૈડા ખુલ્યા ન હતા. બેલી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 179 લોકોનાં મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 84 પુરુષો અને 85 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 10 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુ પામેલા 146 લોકોની ઓળખની પુષ્ટિ થઈ ગઈ છે, બાકીના લોકોની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. અકસ્માતમાં બચી ગયેલા બે ક્રૂ મેમ્બરની સારવાર ચાલી રહી છે. ભાનમાં આવ્યા પછી બંને આઘાતમાં છે. અકસ્માત વિશે તેમને સ્પષ્ટપણે કંઈ યાદ નથી. ક્રૂ મેમ્બરને અકસ્માત વિશે સ્પષ્ટપણે કંઈ યાદ નથી
કોરિયન ટાઈમ્સ અનુસાર, દુર્ઘટનામાં બચી ગયેલા બે ક્રૂ મેમ્બર્સ મુસાફરોની મદદ માટે પ્લેનના પાછળના ભાગમાં તૈનાત હતા. તેમાંથી એક, 32 વર્ષીય લી, આઘાતમાં છે. તેઓ વારંવાર પૂછે છે કે તેમને શું થયું છે? અને તે અહીં શા માટે છે? ડૉક્ટરનું કહેવું છે કે લીને ડાબા ખભા અને માથામાં ફ્રેક્ચર થયું છે, પરંતુ તેમની તબિયત સ્થિર છે. 25 વર્ષીય ફ્લાઈટ એટેન્ડન્ટ ક્વોન પણ આ અકસ્માતમાંથી બચી ગઇ હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ક્વોનને પણ અકસ્માત વિશે કંઈ યાદ નથી. તેણે તેના માથા, પગની ઘૂંટી અને પેટમાં દુખાવાની વાત કરી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે ક્વોનની ઇજાઓ ગંભીર હતી પરંતુ જીવલેણ નથી. બે બ્લેક બોક્સ, ફ્લાઈટ ડેટા અને વોઈસ રેકોર્ડર મળી આવ્યા
નિષ્ણાતોએ CCNને જણાવ્યું કે પ્લેનમાં ટેકઓફ અને લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા વ્હીલ્સ સંપૂર્ણ રીતે ખુલ્યા નથી. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમના ન ખોલવાનું કારણ શું હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે કહ્યું કે અકસ્માત સ્થળ પરથી બે બ્લેક બોક્સ, ફ્લાઈટ ડેટા અને વોઈસ રેકોર્ડર મળી આવ્યા છે. જો કે, તેને ઘણું નુકસાન થયું છે, જેના કારણે તેમને રાજધાની સિયોલના એલાનાઇઝ સેન્ટરમાં મોકલવામાં આવશે. જો જરૂર પડે તો તેને અમેરિકા પણ મોકલી શકાય છે. પાયલટ પાસે 6800 કલાકનો ઉડાનનો અનુભવ હતો મંત્રાલયે કહ્યું કે કંટ્રોલ ટાવર દ્વારા પાયલોટને પક્ષીઓની ટક્કર અંગે એલર્ટ મોકલવામાં આવ્યું હતું. જે બાદ તેમને રૂટ બદલીને વિરુદ્ધ દિશામાં ઉતરવાની સૂચના આપવામાં આવી હતી. પાયલોટે સૂચનાઓનું સંપૂર્ણ પાલન કર્યું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્લેનનો મુખ્ય પાયલટ 2019થી આ પોસ્ટ પર હતો અને તેની પાસે લગભગ 6800 કલાકનો ઉડ્ડયનનો અનુભવ હતો. આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ પણ આ વિશે માહિતી શેર કરી છે. દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જ્યારે મેં પ્લેન જોયું ત્યારે મને લાગ્યું કે તે લેન્ડ થવાનું છે, પરંતુ પછી એક ચમકતી લાઈટ જોવા મળી અને પછી જોરદાર વિસ્ફોટ થયો. હવામાં ધુમાડો ફેલાઈ ગયો અને આ પછી સતત અનેક વિસ્ફોટના અવાજ સંભળાયા. અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોએ પણ મીડિયા સાથે વાત કરી હતી. એક મુસાફરના પિતાએ એપી પ્રેસને કહ્યું, “અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ છેલ્લી વખત અમે એકબીજાને જોઈશું.” અકસ્માતમાં માર્યા ગયેલા પેસેન્જર જીઓન મી-સુકની માતાએ કહ્યું કે તે લગભગ ઘરે પહોંચી ગઈ હતી, તેથી તેને ફોન કરવાની જરૂર ન લાગી.