અમદાવાદના સરદારનગરના છારાનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન બુટલેગરોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. DCP દ્વારા 8 PI, 8 PSI અને 150 પોલીસકર્મીઓની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક બુટલેગરના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અનેક બુટલેગરોના ઘરેથી દેશી દારૂ મળી આવ્યો હતો. જેને ઘરમાં જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 31st ડિસેમ્બરને લઈને ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા ગઈકાલે રાતે અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન પોલીસની ટીમ સરદારનગર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં પોલીસ દ્વારા છારાનગર, સંતોષીનગર, કુબેરનગર સહિતના લિસ્ટેડ બુટલેગરોના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરો દ્વારા ઘરમાં જ દેશી દારૂનો જથ્થો પીપળા ભરીને રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પર જ દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાત અનેક બુટલેગરોના ઘરે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જે કોમ્બિંગમાં ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ, 8 અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ અને 150 જેટલા પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. કોમ્બિંગ દરમિયાન HS/MCR/પ્રોહિબિશનના બુટલેગર ચેક કરવામાં આવ્યા હતા. પ્રોહિબિશનના 22 કેસ, તેમજ MV act 23 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 16 જેટલી કાર પરથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી.