હિન્દી સિનેમાનાં સૌથી સિનિયર ગાયિકાઓમાંના એક આશા ભોંસલેએ તાજેતરમાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. પર્ફોર્મન્સની ખાસ વાત એ હતી કે આશા ભોંસલેએ તેમના ક્લાસિક ગીતો છોડીને નવા જમાનાનું ટ્રેન્ડિંગ ગીત ‘તૌબા-તૌબા’ ગાયું અને બધાને ચોંકાવી દીધા. દુબઈના કોન્સર્ટમાંથી સામે આવેલ 91 વર્ષનાં આશા ભોંસલેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આશા ભોંસલેના પરફોર્મન્સનો વીડિયો કડક એફએમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. બ્લેક અને વ્હાઈટ સાડીમાં આશા ભોંસલેએ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી અભિનીત ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું ગીત ‘તૌબા તૌબા’ ગાયું હતું. થોડા સમય પછી, તેમણે માઈક છોડી અને ગીતનું હૂક સ્ટેપ પણ કર્યું, જેને જોઈને પ્રેક્ષકો પાગલ થઈ ગયા હતા. વીડિયો જોઈને ભાવુક થઈ ગયા કરણ ઔજલા
આશા ભોંસલેનો વીડિયો સામે આવતાની સાથે જ વાઈરલ થયો હતો. આ પછી, ‘તૌબા તૌબા’ સિંગર કરણ ઔજલાએ ઈમોશનલ થઈ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, સંગીતની જીવંત દેવી આશા ભોસલેજી. તેમણે હમણાં ‘તૌબા તૌબા’ ગીત ગાયું, જે એક ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખવામાં આવ્યું હતું, જેને ન તો સંગીતની પૃષ્ઠભૂમિ વિશે સમજ હતી કે ન તો સંગીતનાં સાધનોની કોઈ સમજ હતી. આ ગીત એક છોકરા દ્વારા બનાવવામાં આવ્યું હતું જે કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જાણતો ન હતો. કરણ ઔજલાએ આગળ લખ્યું, આ ગીતને ઘણો પ્રેમ અને ઓળખ મળી છે. માત્ર ચાહકોએ જ નહીં પરંતુ ઘણા મ્યૂઝિક કલાકારોએ પણ તેને પસંદ કર્યું છે. પરંતુ આ ક્ષણ ખરેખર આઇકોનિક છે, જેને હું ક્યારેય ભૂલીશ નહીં. હું ખરેખર આભારી છું. આનાથી મને વધુ સારા ગીત બનાવવા અને સાથે મળીને કામ કરવાની પ્રેરણા મળી છે. આગળની પોસ્ટમાં, આશા ભોંસલેના વીડિયો શેર કરતી વખતે, કરણે લખ્યું, મેં તેને 27 વર્ષની ઉંમરે લખ્યું હતું પણ તેમણે 91 વર્ષની ઉંમરે મારા કરતાં વધુ સારું ગાયું છે.