સરકાર દ્વારા જ્યારથી ઈકો સેન્સેટિવ ઝોનને લઈ ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારથી જ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આનો વિરોધ કરી રહ્યાં છે. બે દિવસ પહેલા વિસાવદરના મોણપરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં ખેડૂતો સાથે જનસભા યોજાઈ હતી. જેમાં આપ પાર્ટીના નેતાઓ ઉપરાંત વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા હર્ષદ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતા ભૂપત ભાયાણીએ ગઈકાલે કહ્યું હતું કે, ઈકોઝોન મુદ્દે ઘણા લોકો રાજકિય રોટલા શેકવા નિકળી પડ્યા છે. ભાજપને એનકેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણા નીકળી પડ્યાં છે. ત્યારે હવે પ્રવીણ રામે ભૂપત ભાયાણીએ આડેહાથ લીધા છે. પ્રવીણ રામે કહ્યું કે, તમે આપમાંથી ભાજપમાં શું ભજીયા પૂરી તળવા ગયા છો’? ભૂપત ભાયાણીએ ગઈકાલે શું નિવેદન આપ્યું હતું?
ભેંસાણ વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભુપત ભાયાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે, ઈકોઝોનના મુદ્દે હાલ નીકળી પડેલા નેતાઓને હું પૂછવા માગું છું કે, ખેડૂતોની જો આટલી બધી ચિંતા હોય તો વિસાવદર વિધાનસભાને મસ મોટું નુકસાન અમુક લોકોની ભુલના કારણે થયું છે. વિસાવદરને પ્રતિનિધિત્વથી વિહોણું રાખવામાં આવ્યું છે. તેવા લોકોને હું પૂછવા માગું છું કે, તમારી અંદર રાજકીય ખેલદિલી કેમ નથી ? તમે ખેડૂતોના ખંભે બંદૂક રાખી કેમ ફોડો છો. ખેડૂતોની છાતી પર પગ મૂકી તમે કેમ પોતાના રાજકીય રોટલા શેકો છો. ‘આપ’ નેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને
આ મુદ્દાને લઈને ‘આપ’ નેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને આવ્યાં છે. આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભૂપત ભાયાણીને આડે હાથ લીધા હતા. પ્રવીણ રામે જણાવ્યું કે, ભૂપત ભાયાણીને ઈકોઝોનના કાયદાની કોઈ માહિતી નથી. ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, હમણા બધા હાલી નિકળ્યાં છે તો હું એમને કહેવા માંગુ છું કે કોઈપણ પક્ષમાં હોય પરંતુ જરૂર પડીએ ખેડૂતોની મદદે નીકળવું જ પડે. ખેડૂતોની મદદે નીકળવું પડે, તમારી જેમ ઘરમાં બેસી ન રહેવાયઃ પ્રવીણ રામ
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં જ ઈકોઝોન માટે જે લોકો લડવા નીકળ્યા છે, તેવા લોકો મામલે બોલી અને આક્ષેપો કર્યા છે. ઈકોઝોન માટે મેં પહેલાથી જ પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે ભૂપત ભાયાણી દ્વારા જે કંઈ પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે તે આક્ષેપોનો શબ્દસહ જવાબ આપવા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, હમણા બધા હાલી નિકળ્યાં છે તો હું એમને કહેવા માંગુ છું કે કોઈપણ પક્ષમાં હોય પરંતુ જરૂર પડીએ ખેડૂતોની મદદે નીકળવું જ પડે, તમારી જેમ ઘરમાં બેસી ન રહેવાય. ‘જો તમને પૂરી માહિતી હોય તો આવો તમને કોણ રોકે છે’
વધુમાં જણાવ્યું કે, બીજી એવી વાત રજૂ કરવામાં આવી કે ઈકો ઝોન મુદ્દે લડી રહેલા લોકો સાચી માહિતી આપતા નથી અને લોકોને ગુમરાહ કરે છે. ત્યારે ભૂપતભાઈ જો તમને પૂરી માહિતી હોય તો ખેડૂતો સમક્ષ આવો તમને કોણ રોકે છે ? ત્રીજી વાત ભુપત ભાયાણી દ્વારા એવી કરવામાં આવી કે ઈકોઝોનના મુદ્દાને લઈ ઘણા લોકો ભાજપને નુકસાન કરવા માટે નીકળ્યા છે. ત્યારે ભાજપને નુકસાન કરવા વાળી વાત આવી તો વાંધો આવ્યો ? આટલા મહિનાથી ઈકોઝોન મુદ્દે આંદોલન ચાલે છે ત્યારે ક્યાં હતા તમે ? ભાજપને નુકસાન થાય તો ન પોસાય ખેડૂતોને નુકસાન થાય તો પોસાય.
‘પરિપત્ર અને કાયદામાં હાથી ઘોડાનો ફરક હોય છે’
ભૂપત ભાયાણી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, 2016 થી આ ઇકોઝોનનો કાયદો લાગુ છે અને ત્યારે 300 થી વધુ ગામડાઓ ઈકોઝોન હેઠળ આવતા હતા. હવે તો 196 જ ગામડા આવે છે. ત્યારે ભુપતભાઈ ભાયાણી ને કહેવા માગું છું કે તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે 2016 માં આ કાયદો સ્થગિત થયો હતો. જે 300 ઉપર ગામડાઓની વાત હતી તે સરકારનો પરિપત્ર હતો કાયદો ન હતો અને હાલમાં પણ કાયદો પસાર થયો નથી માત્ર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરિપત્ર અને કાયદામાં હાથી ઘોડાનો ફરક હોય છે અને આટલી માહિતી ભુપતભાઈ તમારી પાસે હોવી જોઈએ. ‘તમે પ્રજાનો વિદ્રોહ કરી ભાજપમાં કેમ જોડાયા?’
બીજી એવી ટીકા ટિપ્પણી ભુપત ભાયાણી દ્વારા કરવામાં આવી હતી કે, ઈકોઝોનના મુદ્દે ઘણા લોકો રાજકીય રોટલા શેકવા આવ્યાં છે. ત્યારે મારે તમને પૂછવું છે કે, તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પ્રજાએ તમને મત આપ્યો હતો. તો તમે પ્રજાનો વિદ્રોહ કરી ભાજપમાં કેમ જોડાયા. ભાજપમાં શું તમે ભજીયા કે પૂરી તળવા માટે ગયા છો ? બીજા પર રાજકીય રોટલા શેકવાની વાત કરો છો. એવું પણ કહ્યું હતું કે, વિસાવદરના લોકોને છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે, તો તેમાં પહેલા નંબર પર ભુપતભાઈ ભાયાણી આવે છે. તમે રાજીનામું આપ્યું તો ધારાસભ્ય વિહોણી સીટ ખાલી પડી છે. ભૂપત ભાયાણી તમે રાજીનામું આપ્યું તો આ વિસ્તારના લોકોને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આ તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. વિસાવદરના લોકોને સૌથી મોટું નુકસાન કરવામાં તમારો હાથ છે. ‘ભૂપત ભાયાણી તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે’
ભૂપત ભાયાણી તમે એવું પણ કહ્યું હતું કે, જો જો હો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય, ત્યારે હું કહેવા માગું છું કે, ખેડૂતોના ખંભે કોઈ બંદૂક નહીં ફોડે, ભૂપત ભાયાણી પરંતુ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે અને તમને તે ખબર પણ નથી. ત્યારે તમને તમારા ખુદની ખબર નથી અને બીજાને શું કામ સલાહ આપો છો. પ્રવીણ રામે ત્રણ પ્રશ્ન પૂછ્યાં
ભુપત ભાયાણી હું તમને ત્રણ પ્રશ્ન પૂછવા માગું છું તમે તેના જવાબ આપશો તેવી આશા રાખું છું. આપે જે નિવેદન આપ્યું તેના પરથી પ્રશ્ન પૂછવો છે કે, તમે આ ગીર વિસ્તારમાં ઈકોઝોન લાગુ કરાવવા માંગો છો કે રદ કરાવવા માંગો છો ?, તેનો હા કે ના માં જ જવાબ આપજો. બીજો પ્રશ્ન છે ઈકોઝોનથી ખેડૂતોને ફાયદા થતા હોય તેવા 10 ફાયદા જણાવો. ત્રીજો પ્રશ્ન છે કે, વિસાવદરના લોકોને નુકસાન થાય છે તો પ્રજાએ તમને મત આપીને ધારાસભ્ય બનાવ્યાં હતા અને તમે પ્રજાનો વિદ્રોહ કરી ભાજપમાં જતા રહ્યા આ યોગ્ય છે કે નહીં ? આ ત્રણ પ્રશ્નોના જવાબ ભૂપત ભાયાણી તમે મને આપશો તેવી હું આશા રાખું છું. જો નહીં આપો તો યાદ રાખજો દરેક સભામાં તમે બોલેલા શબ્દોને યાદ કરી ચોક્કસથી હું તમને ટાર્ગેટ કરીશ અને બીજી વાત તમે જવાબ નહીં આપો તો તેનો સીધો મતલબ એ થશે કે તમને ભાજપથી પ્રેમ છે ખેડૂતોથી પ્રેમ નથી અને અહીં આવે અને ખેડૂતોને નુકસાન થાય તેમાં તમને રસ છે. ભુપતભાઈ ભાયાણી તમને અંદરથી ઉત્સાહ હતો કે, હું ફરી ધારાસભ્ય થઈ જાવ અને આ બધી વેદના તેની છે. પરંતુ ચૂંટણી નથી આવતી અને ધારાસભ્ય નથી થવાતું આ વેદના એ બોલી રહી છે. આ પણ વાંચોઃ ભાજપના નેતા ભૂપત ભાયાણી ભડક્યા:ઈકોઝોન મુદ્દે કહ્યું- ‘ભાજપ બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે’