રાજકોટમાં પ્રધાનમંત્રીનાં 118 કરોડમાં તૈયાર થયેલા ડ્રિમ પ્રોજેક્ટ લાઈટ હાઉસમાં ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. કરોડોનાં ખર્ચે બનેલા આ પ્રોજેકટનાં 1144 ફ્લેટનું પ્રધાનમંત્રી મોદીએ બે વર્ષ પહેલાં લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરમાં કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેકટમાં માત્ર બે વર્ષમાં ભેજ ઉતરવા તેમજ પોપડા અને તિરાડો પડવાની સાથે ગટર ઉભરાવી જેવી સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આંદોલન કરવાની તૈયારી પણ સ્થાનિકોએ દર્શાવી છે. જર્મન ટેક્નોલીજીનો પ્રયોગ થયો હોવાનો દાવો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં રૈયાગામ નજીક PM મોદીનાં ડ્રિમ પ્રોજેકટ લાઈટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 118 કરોડના ખર્ચે બનેલા આ લાઈટ હાઉસમાં લાભાર્થીઓને રૂ. 3.20 લાખ જેટલી નજીવી કિંમતે આવાસો આપવામાં આવ્યા હતા. બાકીનો ખર્ચ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટમાં ખાસ જર્મન ટેક્નોલીજીનો પ્રયોગ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીનાં હસ્તે બે વર્ષ પહેલાં લાભાર્થીઓને અહીં ફ્લેટ સોંપવામાં આવ્યા હતા. જોકે માત્ર 2 વર્ષમાં કરોડોનાં પ્રોજેકટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. સેમ્પલ ફ્લેટ અલગ બતાવી ફ્લેટ અલગ આપ્યો
રાજકોટનાં લાઈટ હાઉસ પ્રોજેકટમાં કુલ 1144 ફ્લેટ આવેલા છે. જે પૈકી મોટાભાગનાં ફ્લેટમાં ભેજ ઉતરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ કેટલાક ઇલેક્ટ્રિક પોઇન્ટમાં હોલ્ડરો નથી. બારી ઉપર છજા નથી, એટલું જ નહીં માત્ર 2 વર્ષમાં અહીં દીવાલોમાં તિરાડો પડવી, પોપડા ઉખડવા અને ગટરો ઉભરાવાનું શરૂ થતાં ફ્લેટના માલિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આ અંગે બિલ્ડર તેમજ તંત્રને રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. બ્રોશર પ્રમાણે લાઈટ, પંખા અને સેફ્ટી ડોર આપ્યું નથી. તેમજ સેમ્પલ ફ્લેટ અલગ બતાવી અને લાભાર્થીઓને અલગ ફ્લેટ અપાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ‘અગાસી પર 40 કિલોનો સોલાર ધૂળ ખાય છે’
લાઈટ હાઉસ સોસાયટીનાં પ્રમુખ જયેશ સોનીએ જણાવ્યું હતું કે, અહીં ફ્લેટનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી અમે કોન્ટ્રાક્ટર અને મનપા બંનેનું ધ્યાન દોરતા હતા. કારણ કે અહીં કામમાં ઘણા ફોલ્ટ છે. જેમાં ખાસ મોટાભાગના ફ્લેટમાં છતમાંથી પાણી પડે છે, બારીઓ પણ એવી બનાવી છે કે, વરસાદ આવે તો પાણી ઘરમાં આવે છે. ચોમાસામાં અમે કામ કરવાને બદલે ઘરોમાં જ બેસીને વાઈપર વડે પાણી કાઢતા હતા. રાત્રે સુઈ પણ શકતા નહોતા. કોમ્યુનિટી હોલ પણ અમને સોંપવામાં આવ્યો નથી. અગાસીમાં 40 કિલોનો સોલાર છે જે પણ ધૂળ ખાય છે. આ અંગે મ્યુ. કમિશ્નર સહિતનાઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. મોદી સાહેબે તેનો ડ્રિમ પ્રોજેકટ ખૂબ સારો બનાવ્યો છે અને અમે એ રીતે રાખીએ પણ છીએ. જોકે કન્સ્ટ્રક્શનનાં કામમાં યોગ્ય ગુણવતાનો માલ વાપરવામાં આવ્યો ન હોવાથી હાલમાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે તે જરૂરી છે. ‘વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી’
લાઈટ હાઉસમાં 5 નંબરની વિંગમાં 1106 નંબરનાં ફ્લેટમાં રહેતા ગૌતમભાઈ અગ્રાવતે જણાવ્યું કે, અમારા ફ્લેટમાં ઠેર-ઠેર પ્લાસ્ટર ઉખડી ગયું છે, તેમજ ભેજ આવે છે. વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે આ કામ ન થાય તો અમે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું. કારણ કે, હવે અમે ત્રાસી ચુક્યા છીએ. અનેક રજૂઆતો છતાં કોઈપણ ઉકેલ નહીં મળતા મીડિયાને રજૂઆત કરી છે. આ છતાં અમારી સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આંદોલન સિવાય કોઈ ઉપાય નથી. અમે નાના માણસોએ PM મોદી પાસેથી જે અપેક્ષા રાખી હતી તેવું કઈ છે નહીં. વડાપ્રધાને સારું કામ કર્યું છે, પરંતુ નીચેના કોન્ટ્રાક્ટરોએ કામ બગાડ્યું છે. સમસ્યાઓને કારણે બે વર્ષથી ભાડે રહીએ છીએ
લાઈટ હાઉસમાં 5 નંબરની વિંગમાં 806 નંબર ફ્લેટમાં રહેતા નૈમિશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ફ્લેટમાં ઉપર છતમાંથી સતત પાણી ટપક્યા કરે છે. જેને કારણે શોટસર્કિટ થવાનો ભય હોવાથી લાઈટ અને પંખા પણ ચાલુ કરી શકતા નથી. બે વર્ષ પહેલાં અમને ફ્લેટ સોંપી દેવામાં આવ્યો હોવા છતાં અમે રહેવા આવ્યા નથી અને બહાર ભાડાનાં મકાનમાં રહીએ છીએ. ત્યારે સરકારને રજુઆત છે કે, આટલું સારું કરીને આપ્યું છે તો બાકીની સમસ્યાઓ પણ દૂર કરી આપે. આ અંગે સોસાયટીનાં પ્રમુખ સહિતનાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. બે વર્ષમાં જ નબળી ગુણવતાનું કામ દેખાઈ ગયું
ઉલ્લેખનીય છે કે, લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1144 આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં 13 માળના 11 ટાવર બનાવવામાં આવ્યા છે. 6741.66 ચો.મી. એરીયામાં એક ટાવર માટે ફાળવવામાં આવ્યો છે. એક માળ પર 8 આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવાસ અંદાજિત રૂ. 10.39 લાખમાં તૈયાર થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 5.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે લાભાર્થીઓ દ્વારા રૂ. 3.39 લાખ ચુકવવામાં આવે છે. આવાસમાં લિવિંગ રૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ, કિચન, વોશિંગ એરીયા, બે ટોઈલેટ-બાથરૂમ, વીટ્રીફાઈડ ટાઈલ્સ, લાઈટ-પાણી, સુંદર હવા-ઉજાસ, રસોડામાં પાઈપ્ડ ગેસ, પ્લેટફોર્મની નીચે કેબીનેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે માત્ર બે વર્ષમાં જ પ્રોજેક્ટનાં કામમાં નબળી ગુણવતાનો માલ વાપરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.