ગાંધીનગરના રાયસણના વેપારીની 14 વર્ષીય દિકરી ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. જે સમયસર પરત ઘરે નહીં ફરતા પરિવારે આસપાસના વિસ્તાર ખૂંદી નાખ્યો હતો. તોય સગીરાનો કયાંય પત્તો નહીં લાગતો આખરે સમગ્ર મામલો ઈન્ફોસિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની ગંભીરતા જાણીને ઈન્ફોસિટી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમોએ સંયુક્ત રીતે એક પછી એક તપાસની કડીઓ જોડતા જોડતા છેક મુંબઈ દાદર રેલવે સ્ટેશનથી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી રાહતનો દમ લીધો છે. જેને મુંબઈની ચાઈલ્ડ વેલ્ફેરની ટીમ પાસે રાખી એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. ગાંધીનગરના રાયસણ ખાતેના બંગલોમાં રહેતા વેપારીની 14 વર્ષીય દિકરી સોમવારે બપોરના ત્રણેક વાગે ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળી હતી. જે સમયસર પરત ઘરે નહીં ફરતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. અને ટ્યુશન કલાસનાં બિલ્ડીંગના સીસીટીવી ચેક કરીને આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. જો કે, અંધારું થવા છતાં સગીરાનો કયાંય પત્તો નહીં લાગતા સમગ્ર મામલો ઈન્ફોસિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. દીકરીના વિયોગમાં ચિંતાતુર પરિવારની સ્થિતિ પારખી ગયેલ ઈન્ચાર્જ પીઆઈ જી કે ભરવાડે તુરંત સઘળી વિગતો મેળવવામાં આવી હતી. દરમ્યાન બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ ઈન્ફોસિટી તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની સંયુક્ત કુલ પાંચ ટીમોને એક્ટિવ કરી દેવાઈ હતી. ટ્યુશન કલાકથી માંડીને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં સગીરા એક રિક્ષામાં બેઠી હોવાનું જોવા મળ્યું હતું. જેથી તાત્કાલિક રીક્ષાની હિસ્ટ્રી કાઢવામાં આવી હતી. જેમાં રીક્ષાનો માલિક ટીટોસણનો તેમજ તેણે રીક્ષા રાયસણના એક રાવળને વેચી મારી હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે રાયસણનાં રીક્ષા ચાલક સુધી પહોંચી ગઈ હતી. જેની પૂછતાંછ કરતાં સગીરાને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતારી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એક ટીમ તાત્કાલિક રેલ્વે સ્ટેશને રવાના કરી એક ટીમ એ રૂટના સીસીટીવી ચેક કરવામાં લાગી ગઈ હતી. જ્યારે અન્ય ત્રણ ટીમો સગીરાની શોધખોળ માટે નીકળી હતી. ત્યારે રેલવે સ્ટેશનના એક પછી એક ફુટેજ ચેક કરતાં સગીરા વિસનગરથી વાપી મુંબઈ જતી ટ્રેનમાં બેસી હોવાનું જોવા મળ્યું હતું. એટલે રેલવે પોલીસને પણ સગીરાના ફોટા મૂકીને જાણ કરી દેવાઈ હતી. બીજી તરફ પોલીસે પરિવારને પહેલેથી કહી રાખેલું કે કોઈપણ અજાણ્યા નંબરથી ફોન આવે તો તાત્કાલિક જાણ કરવી અને બન્યું પણ એવું આજે સવારે સગીરાની માતાના ફોનમાં અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યાં હતા. જેનાં પર ફોન કરતા જ સામે વાળી વ્યક્તિએ મુંબઈથી બોલતો હોવાનું જણાવ્યું હતું. જેને સગીરા ટ્રેનમાં મળી હતી અને ગોવા જવાની વાતચીત કરતી હતી. સગીરાને ફોન કરવો હોવાથી મદદ કરી હોવાનું તેણે જણાવ્યું હતું. આ જાણીને ઈન્ફોસિટી પીઆઈ ભરવાડ તેમજ એલસીબી પીઆઈવાળા સહીતની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી એક ટીમને મુંબઈ રવાના કરી દેવાઈ છે. આ અંગે પીઆઈ ભરવાડે જણાવ્યું કે, સગીરા હાલમાં મુંબઈની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે છે. જ્યાં તેનું તેઓનું કાઉન્સિલિંગ કરી રહ્યા છે. નિયમ મુજબની કાર્યવાહી પૂર્ણ કરીને સગીરાને પરત ગાંધીનગર લઈ આવવાની તજવીજ હાથ ધરાઈ છે. સગીરાને પરત લઈ આવ્યાં પછી તેનું ઘર છોડવાનું ચોક્કસ કારણ જાણવા મળશે.