બુલાવાયોમાં ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. ક્વિન્સ સ્પોર્ટ્સ પાર્ક ખાતે પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 586 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને પણ શાનદાર બેટિંગ કરીને 699 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની બીજી ઇનિંગ મેચના અંતિમ દિવસ સુધી પૂરો થઈ શક્યો ન હતો, જેના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના બે ખેલાડીઓએ બેવડી સદી અને એકે સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી હતી. બોલરો માટે મેચ ખાસ ન હતી, બંને ટીમના 7 બોલરોએ પ્રથમ દાવમાં 100થી વધુ રન ખર્ચ્યા હતા. ઝિમ્બાબ્વેએ 586 રન બનાવ્યા
ગુરુવારે બુલાવાયોમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ તરફથી શોન વિલિયમ્સે 154, ક્રેગ ઈરવિને 104 અને બ્રાયન બેનેટે 110 રન બનાવ્યા હતા. બેન કરને 68 રનની ઇનિંગ રમી હતી અને ટી કાયતાનોએ 46 રનની ઇનિંગ રમી હતી. ટીમે પ્રથમ દાવમાં 586 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી અલ્લાહ ગઝનફરે પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. નવીદ ઝરદાન, ઝહીર ખાન અને ઝિયા ઉર-રહેમાનને 2-2 વિકેટ મળી હતી. અઝમતુલ્લા ઓમરઝાઈને એક સફળતા મળી. અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓની બેવડી સદી
અફઘાનિસ્તાને પણ તેની પહેલી ઇનિંગમાં જોરદાર બેટિંગ કરી હતી. ટીમ તરફથી રહમત શાહે 234 રન અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 246 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 364 રનની રેકોર્ડ ભાગીદારી પણ નોંધાઈ હતી. અંતમાં હઝરતુલ્લા ઝાઝાઈએ પણ 113 રનની ઇનિંગ રમી અને ટીમનો સ્કોર 699 રન સુધી પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે 5 અને શોન વિલિયમ્સે 2 વિકેટ ઝડપી હતી. બ્લેસિંગ મુઝારાબાની, ટ્રેવર ગ્વાન્ડુ અને ન્યુમેન ન્યામાહુરીને 1-1 વિકેટ મળી હતી. ટીમના 3 બોલરોએ 100 + રન આપ્યા હતા. ઝિમ્બાબ્વેએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવી દીધી
અફઘાનિસ્તાને પહેલી ઇનિંગમાં 113 રનની લીડ મેળવી હતી. પાંચમા દિવસે ઝિમ્બાબ્વેએ બીજા દાવની શરૂઆત કરી હતી. દિવસની રમતના અંતે ટીમે 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવી લીધા હતા, જ્યાં તેને 29 રનની લીડ મળી હતી. આ જ ક્ષણે બંને ટીમના કેપ્ટનોએ હાથ મિલાવ્યા અને ડ્રો માટે સંમત થયા. ઝિમ્બાબ્વે તરફથી શોન વિલિયમ્સે 35, ક્રેગ ઈરવિને 22, બેન કરને 41 અને જોયલોર્ડ ગેમ્બીએ 24 રન બનાવ્યા હતા. ટી કાયતાનો 5 રન બનાવીને આઉટ થયો હતો અને ડીયોન માયર્સ 4 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી ઝહીર ખાને 2 અને ગઝનફરને 1 વિકેટ મળી હતી. એક બેટર રનઆઉટ થયો હતો. બીજી ટેસ્ટ 2 જાન્યુઆરીથી
બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ બે દિવસ બાદ 2 જાન્યુઆરીથી શરૂ થશે. આ મેચ બુલાવાયોમાં પણ રમાશે. આ પહેલા બંને વચ્ચે વન-ડે અને T20 સિરીઝ પણ રમાઈ હતી. અફઘાનિસ્તાને T-20 શ્રેણી 2-1થી અને વન-ડે શ્રેણી 2-0થી જીતી હતી. વન-ડે સિરીઝની એક મેચ અનિર્ણિત રહી હતી.