મંગળવારે, સિઓલની એક કોર્ટે દક્ષિણ કોરિયાના પદ પરથી હટાવાયેલા રાષ્ટ્રપતિ યોન સુક યોલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. માર્શલ લો લાદવાના નિષ્ફળ પ્રયાસને પગલે 14 ડિસેમ્બરે યુનને મહાભિયોગ લાવીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી યોનહાપ મુજબ, દેશમાં આ પ્રથમ વખત છે જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. સિઓલની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ માટે કરપ્શન ઇન્વેસ્ટિગેશન ઓફિસ (CIO)ના સીનિયર અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત તેમના રાષ્ટ્રપતિ આવાસની પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. યુને 4 ડિસેમ્બરે મોડી રાત્રે દેશમાં કટોકટી (માર્શલ લો) લાગુ કરવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ યોલેને ઈમરજન્સી લાદવાની જરૂર કેમ પડી? દક્ષિણ કોરિયાની સંસદમાં કુલ 300 બેઠકો છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં જનતાએ વિરોધ પક્ષ DPKને જંગી જનાદેશ આપ્યો હતો. સત્તાધારી પીપલ પાવરને માત્ર 108 બેઠકો મળી હતી, જ્યારે વિપક્ષી પાર્ટી DPKને 170 બેઠકો મળી હતી. બહુમતીમાં હોવાને કારણે, વિપક્ષ DPK રાષ્ટ્રપતિ સરકારના કામકાજમાં વધુ દખલ કરી રહ્યા હતા, અને તેઓ તેમના એજન્ડા મુજબ કામ કરી શકતા ન હતા. રાષ્ટ્રપતિ યોલે 2022માં સામાન્ય માર્જિનથી ચૂંટણી જીતી હતી. આ પછી તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવા લાગ્યો. તેમની પત્ની અનેક વિવાદોમાં ફસાયેલી હોવાના કારણે તેમની છબી ખરડાઈ હતી. હાલમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતા લગભગ 17% છે, જે દેશના તમામ રાષ્ટ્રપતિઓમાં સૌથી ઓછી છે. આ બધાનો સામનો કરવા માટે, રાષ્ટ્રપતિએ માર્શલ લો લગાવ્યો. તેમણે DPK પર ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો. દક્ષિણ કોરિયામાં માત્ર 6 કલાકમાં જ જ ઈમરજન્સી કેમ ખતમ થઈ? રાષ્ટ્રપતિ યોલે માર્શલ લોની જાહેરાત પછી, સમગ્ર વિપક્ષ થોડા જ સમયમાં સંસદમાં પહોંચી ગયો. માર્શલ લોને હટાવવા માટે સંસદમાં 150થી વધુ સાંસદ હોવા જોઈએ. સૈન્ય સંસદને કબજે કરવા પહોંચ્યું ત્યાં સુધીમાં પૂરતા સાંસદો સંસદમાં પહોંચી ગયા હતા અને કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. જો કે, સેનાએ કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સંસદમાં મતદાન કરવા જઈ રહેલા ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. સેનાએ અંદર ઘુસવા માટે સંસદની બારીઓ તોડવાનું શરૂ કર્યું, પરંતુ સૈનિકો અંદર પહોંચ્યા ત્યાં સુધીમાં નેશનલ એસેમ્બલીના 300માંથી 190 સાંસદોએ રાષ્ટ્રપતિના લશ્કરી કાયદાના પ્રસ્તાવને મતદાન કરીને ફગાવી દીધો હતો. દક્ષિણ કોરિયાના બંધારણ મુજબ, જો સંસદમાં બહુમતી સાંસદો દેશમાં માર્શલ લો હટાવવાની માંગ કરે છે, તો સરકારે તેને સ્વીકારવી પડશે. બંધારણની આ જોગવાઈથી વિપક્ષના નેતાઓને ફાયદો થયો અને સેનાએ તેની કાર્યવાહી અટકાવવી પડી. સેનાએ તરત જ સંસદ ખાલી કરી અને પાછી ફરી. સંસદની ઉપર હેલિકોપ્ટર અને સૈન્યની ટેન્ક રસ્તા પર તહેનાત હતી, તેમને પાછા જવું પડ્યું હતું.