થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સુરતની ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરનાં 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા. 10 કલાકની ઝુંબેશમાં 250થી વધુ પીધેલા ઝડપાયાઃ DCP
ગતરોજ સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડીયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી. આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. 56 બુટલેગર પર પણ કાર્યવાહી
આ મામલે જોઇન્ટ પોલીસ કમિશનર કે. એન. ડામોરે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવાયાં છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે, જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે દૃઢ કાર્યવાહી કરાશે. પોલીસની ચેતવણી
પોલીસે લોકોમાં કાયદાનું પાલન કરવાની જાગૃતિ ફેલાવવા અને દારૂબંધીના નિયમોની સખત અમલવારી માટે આ ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત પગલાં લેવા માટે પોલીસ નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેશે.