આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે સોમવારે ‘પુષ્પા-2’ એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડને યોગ્ય ગણાવી હતી. જોકે, તેણે એમ પણ કહ્યું- 4 ડિસેમ્બરે ફિલ્મના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં મહિલાના મોત માટે અલ્લુ અર્જુન સંપૂર્ણપણે જવાબદાર નથી. તેઓ મંગલાગીરીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ વર્ષે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન વચ્ચે ખેંચતાણના અહેવાલ હતા. ચૂંટણી પહેલા અલ્લુ YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય સિલ્પા રવિચંદ્ર કિશોર રેડ્ડીના સમર્થનમાં નંદ્યાલ સીટ પર ગયા હતા. પવન કલ્યાણ આ સીટ પરથી ચૂંટણી લડીને જીત્યા અને આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા. આ પછી પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન વચ્ચેના સંબંધોમાં ખટાશના સમાચાર આવ્યા હતા, જોકે બાદમાં બંનેએ આ વાત નકારી હતી. આ કેસમાં અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રાત્રે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. નિયમિત જામીન માટેની સુનાવણી સોમવારે થવાની હતી, પરંતુ હૈદરાબાદની નામપલ્લી કોર્ટે સોમવારે સુનાવણી 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. પવન કલ્યાણની પ્રેસ કોન્ફરન્સ વિશે 4 મોટી વાતો અલ્લુ અર્જુનના ફૂઆ છે પવન કલ્યાણ
પવન કલ્યાણના મોટા ભાઈ અને સાઉથ સિનેમાના સ્ટાર ચિરંજીવીની પત્ની સુરેખા કોડીનાલા અલ્લુ અર્જુનનાં ફોઈ છે. અલ્લુ અર્જુનના દાદા અલ્લુ રામલિંગૈયા પણ તેલુગુ એક્ટર હતા. તેને ચાર બાળકો છે. અલ્લુ અરવિંદ, સુરેખા કોડીનાલા, નવા ભારતી અને બસંત લક્ષ્મી. અલ્લુ અર્જુન નિર્માતા અલ્લુ અરવિંદનો પુત્ર છે. એનડીએના સભ્ય પવને તેલંગાણા કોંગ્રેસના સીએમની પ્રશંસા કરી હતી
પવન કલ્યાણ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ છે. ભાજપે અલ્લુ અર્જનની ધરપકડને ખોટી ગણાવી હતી. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અલ્લુ અર્જુને કોંગ્રેસ માટે પ્રચાર કરવાનો ઇનકાર કર્યો હતો, તેથી તેને નાસભાગના વિવાદમાં ખેંચવામાં આવી રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું – અલ્લુ અર્જુન બેદરકાર હતો અને મૃત્યુની માહિતી મળવા છતાં થિયેટરમાંથી બહાર ન આવ્યો અને રોડ શો કર્યો. રેડ્ડીને જવાબ આપતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કોંગ્રેસે આવા મુદ્દાઓ પર રાજનીતિ ન કરવી જોઈએ. તેલુગુ ફિલ્મોએ ભારતીય સિનેમાને વિશ્વભરમાં ઓળખ આપી છે, પરંતુ કેટલાક લોકો તેને જમીન પર લાવવા માંગે છે. ઠાકુરે કહ્યું કે તાજેતરમાં એક્ટર અલ્લુ અર્જુનને રાષ્ટ્રીય પુરસ્કાર અને એક્ટરને ચિરંજીવીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો, પરંતુ ઈન્ડસ્ટ્રીને સમર્થન આપવાને બદલે કોંગ્રેસ વિવાદ સર્જી રહી છે. આ બધાની વચ્ચે પવન કલ્યાણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના વખાણ કર્યા. તેમણે કહ્યું- રેવંતે સીએમ બનીને સારો નિર્ણય લીધો છે. તે એક્ટર પાસેથી બદલો લઈ રહ્યો છે એમ કહેવું ખોટું હશે. અલ્લુ અર્જુન અને સીએમ રેડ્ડી એક ઈવેન્ટમાં સાથે હતા. અલ્લુ અર્જુન પોતાના ભાષણમાં સીએમનું નામ લેવાનું ભૂલી ગયા હતા. અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ, 8 આરોપીઓની ધરપકડ
હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીના કેટલાક લોકોએ 22 ડિસેમ્બરે અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરી હતી. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 6 લોકોને 23 ડિસેમ્બરે જામીન મળ્યા હતા. રિલીઝ બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી
રિલીઝ પછી અલ્લુ અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જે થયું તે એક અકસ્માત હતો. હું મારા પરિવાર સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયો હતો. આ ઘટના બહાર બની હતી. આ ઘટનાને મારી સાથે કોઈ સીધો સંબંધ નથી. હું સંપૂર્ણપણે મહિલાના પરિવારની સાથે છું, હું તેમને દરેક પરિસ્થીતીમાં મદદ કરીશ. અલ્લુ અર્જુને આગળ કહ્યું, ‘હું છેલ્લા 20 વર્ષમાં 30 થી વધુ વખત તે સિનેમા હોલમાં ગયો છું, પરંતુ અત્યાર સુધી ક્યારેય નથી થયું. આ એકદમ કમનસીબે થયું છે. આ ઘટનાથી મને ખૂબ જ દુખ થાય છે. ‘પુષ્પા-2’ ટીમે પીડિત પરિવારને ₹2 કરોડ આપ્યા
પુષ્પા ફિલ્મની ટીમે હૈદરાબાદમાં પુષ્પા-2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને 2 કરોડ રૂપિયાની મદદ કરી છે. આ જાણકારી અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે આપી હતી. તેણે કહ્યું હતું કે અલ્લુ અર્જુને 1 કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે પુષ્પાના ડિરેક્ટર સુકુમાર અને મૈત્રેયી પ્રોડક્શન હાઉસે 50-50 લાખ રૂપિયા આપ્યા હતા.