વીજળીનું ઉત્પાદન વધારવા માટે પાકિસ્તાન પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. આ માટે પાકિસ્તાનની એટોમિક એનર્જી રેગ્યુલેટરી એજન્સીએ તેને દેશમાં વીજ ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટને ચીનની કંપની હુઆલોંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટી (PNRA) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે- PNRAએ ચશ્મા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ ફાઇવ (C-5) ના નિર્માણ માટે લાઇસન્સ જાહેર કર્યું છે, જે 1,200 મેગાવોટની ક્ષમતા સાથે પરમાણુ ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટેનો સૌથી મોટો પ્લાન્ટ હશે. C-5 એ ત્રીજી પેઢીનું અદ્યતન પ્રેશરાઈઝ્ડ વોટર રિએક્ટર છે. તેને બનાવવા માટે લગભગ 3.7 બિલિયન યુએસ ડોલરનો ખર્ચ થશે. પાકિસ્તાનની નેશનલ ઈકોનોમિક કાઉન્સિલની કાર્યકારી સમિતિએ આ માટે પહેલા જ મંજૂરી આપી દીધી છે. તેમાં ડબલ-શેલ કન્ટેઈનમેન્ટ અને રિએક્ટર-ફિલ્ટર વેન્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ 60 વર્ષ સુધી તેની સેવાઓ આપશે. પાકિસ્તાનમાં આ ડિઝાઇનનો આ ત્રીજો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આ સિવાય બે અન્ય પ્લાન્ટ, કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ 2 અને 3, પહેલેથી જ કાર્યરત છે. રેડિયેશન પ્રોટેક્શન, ન્યુક્લિયર સેફ્ટી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશને આ વર્ષે એપ્રિલમાં લાયસન્સ માટે અરજી કરી હતી અને તેની સાથે પ્રારંભિક સુરક્ષા મૂલ્યાંકન રિપોર્ટ અને પરમાણુ સુરક્ષા, રેડિયેશન પ્રોટેક્શન, ઈમરજન્સી તૈયારી, કચરાના વ્યવસ્થાપન સાથે સંબંધિત ડિઝાઇન બાબતે ઘણા ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. હાલમાં પાકિસ્તાનમાં કુલ પરમાણુ ઉર્જા ક્ષમતા લગભગ 3500 મેગાવોટ છે જે દેશના કુલ વીજ ઉત્પાદનના લગભગ 27 ટકા છે. પાકિસ્તાન પાસે કરાચી-3 નામનો પરમાણુ પ્લાન્ટ પણ છે જેની ક્ષમતા લગભગ 1000 મેગાવોટ છે. પાકિસ્તાનમાં 2023માં બીજું મોટું ગ્રીડ બ્રેકડાઉન થયું હતું આ પહેલા 23 જાન્યુઆરી 2023ના રોજ સમગ્ર પાકિસ્તાન અંધકારમાં ડૂબી ગયું હતું. દેશમાં બે વર્ષમાં આ બીજું મોટું ગ્રીડ બ્રેકડાઉન હતું. મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ લગભગ 12-13 કલાક સુધી રહ્યો હતો, જ્યારે ઘણા ગામોમાં લોકો 24 થી 72 કલાક સુધી વીજળી વગર રહ્યા હતા. આ દરમિયાન રાજધાની ઈસ્લામાબાદ અને તેના પડોશી શહેર રાવલપિંડીમાં લગભગ 8 કલાક બાદ વીજ પુરવઠો શરૂ થયો હતો. તેમજ, લાહોર અને કરાચીમાં લગભગ 16 કલાક પછી વીજળી આવી હતી. અંધારપટના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓને અસર થઈ હતી. ઘણી કંપનીઓ અને હોસ્પિટલોએ કહ્યું કે તેઓ બેકઅપ જનરેટરનો ઉપયોગ કરે છે. કાપડ ઉદ્યોગને બ્લેકઆઉટને કારણે લગભગ 70 મિલિયન ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. અનેક જગ્યાએ લોકોને પીવાનું પાણી પણ મળતું ન હતું. ઘણા એટીએમ પણ બંધ થઈ ગયા હતા.