કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માગ કરી છે. વાસ્તવમાં મુશ્કેલી એ છે કે પાર્ટી પાસે તેમના નેતા (ટ્રુડો)ને હટાવવાની કોઈ ઔપચારિક વ્યવસ્થા નથી, તેથી સાંસદો વિવિધ વ્યૂહરચનાઓનો આશરો લઈ રહ્યા છે. અસંતુષ્ટ નેતાઓએ પ્રથમ ચૂંટણી મતદાન દ્વારા ટ્રુડોને સંકેત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી. હવે એક પત્ર સામે આવ્યો છે જેમાં તેમને પદ છોડવા માટે તાકીદ કરાઈ છે. લિબરલ નેતાઓએ કહ્યું કે ટ્રુડોએ અમેરિકન પ્રમુખ જો બાઈડેનની જેમ ન કરવું જોઈએ અને સમયસર રાજીનામું આપવું જોઈએ જેથી નવા ઉમેદવારને આગામી ચૂંટણી માટે પૂરતો સમય મળે. તેમનું કહેવું છે કે ટ્રુડો પદ છોડવામાં પાર્ટીનો સમય બગાડી રહ્યા છે. તેના પરિણામે કમલા હેરિસ જેવા ભાવિ ઉમેદવારોને નુકસાન સહન કરવું પડી શકે છે. ટોરોન્ટોના સાંસદ રોબ ઓલિફન્ટે ટ્રુડોને એક પત્રમાં પદ છોડવા વિનંતી કરી. આ પત્રમાં 20થી વધુ સાંસદોએ ટ્રુડોને પદ છોડવા વિનંતી કરી છે. બીજી તરફ, 2015થી 2021 સુધી ટ્રુડોની કેબિનેટમાં સેવા આપનાર સાંસદ કેથરીન મેકેન્નાએ કહ્યું છે કે લેબર પાર્ટીને નવી ઊર્જા અને નવા નેતાની જરૂર છે. આંકડા તરફેણમાં નથી: 57% કેનેડિયન ઈચ્છે છે કે ટ્રુડો રાજીનામું આપે
24 જૂન 2024ના રોજ ટોરોન્ટોની પેટાચૂંટણીમાં લિબરલ્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જે 1993થી તેમની પાર્ટીનો ગઢ છે. આ પછી ટ્રુડોના રાજીનામાની માગ તેજ થઈ ગઈ. આગામી ચૂંટણી લિબરલ પાર્ટી માટે પડકારરૂપ છે કારણ કે ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી અનેક પેટાચૂંટણી હારી ચૂકી છે. અબેકસ ડેટાના સરવે અનુસાર 57% કેનેડિયનો ઇચ્છે છે કે ટ્રુડો રાજીનામું આપે. સરવે દર્શાવે છે કે ટ્રુડોના નેતૃત્વમાં લેબર પાર્ટીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ચાર વર્ષ પહેલાં પાર્ટીની લોકપ્રિયતા 45% હતી જે હવે ઘટીને 28% થઈ ગઈ છે. પીએમ ટ્રુડોએ 2 મહિનાના જીએસટી વેકેશનની જાહેરાત કરી
મોંઘવારી વચ્ચે જસ્ટિન ટ્રુડોએ 2 મહિનાની જીએસટી વેકેશનની જાહેરાત કરી છે. ટ્રુડો સરકારે આવશ્યક ચીજવસ્તુઓની યાદી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી બે મહિનાની મુક્તિની જાહેરાત કરી છે. જીએસટી મુક્તિનો અર્થ એ છે કે પાત્ર ઉત્પાદનો અને સેવાઓને બે મહિનાના સમયગાળા માટે 5% ફેડરલ સેલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. જેમાં તાજી પેદાશો, ડેરી, તૈયાર માલ, અનાજ, ડાયપર, બેબીફૂડ, પીણાં, ક્રિસમસ ટ્રી અને સજાવટનો સમાવેશ થાય છે. વિપક્ષે કહ્યું- ટ્રુડો વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના એક સપ્તાહ બાદ 27 જાન્યુઆરીએ કેનેડિયન સંસદની બેઠક શરૂ થશે. ટ્રુડોના રાજીનામાને લઈ લેબર પાર્ટીમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે વિપક્ષી કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલ્વીને પણ હુમલાઓ તેજ કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ફરીથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, જેથી ટ્રુડોની લઘુમતી સરકારને પાડી શકાય. પોલ્વીને કેનેડાના ગવર્નર જનરલને પત્ર લખીને જણાવ્યું છે કે ટ્રુડો સત્તામાં રહેવા માટે આતુર છે અને તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.