ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોબ ગામે કૌટુંબિક મનદુઃખને લઇ મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલાનો વીડિયો ઇજા પામનાર મહિલાની દીકરીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ મહિલા પર જીવલેણ હુમલો કરનારને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઉનાના કોબ ગામમાં રહેતા લસુબેન રમેશભાઈ બાંભણિયા અને તેમની દીકરી દીવના દગાચી ગામેથી કોબ આવેલ હોય, ત્યારે ગામમાં જ રહેતા અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે બાઇક લઇ જાહેરમાં લસુબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ બંને યુવાનોએ ગામમાં જ લસુબેનની માફી માંગી લીધી હતી. બાદમાં અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે કોબ ગામેથી દીવ જતાં રહ્યા હતા. દીવમાંથી દારૂ પી કોબ ગામે આવી લસુબેનના ઘરમાં ઘુસી બંને યુવાનોએ છરી વડે આડેધડ ઘા ઝીંકતા લસુબેનની દીકરી માતાને બચાવવા માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આરોપીઓ હુમલો કરી નાસી ગયા હતા. ઇજા પામનાર મહિલાને 108ની મદદથી ઉના સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો ઇજા પામનાર લસુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જેને લઇ નવાબંદર મરીન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી હાર્દિકના માતા ઘણા સમયથી રિસામણે હોય અને આરોપી હાર્દિક તેમના કૌટુંબિક કાકી જશુબેન બારૈયાના ઘરે રહેતો હતો. આ જશુંબેન ઇજાગ્રસ્ત લશુબેનના ઘરે બેસવા જતા હોવાથી હાર્દિકને ગમતું ન હોવાથી અવાર નવાર બંને વરચે ઝઘડો થતો હતો. જે બાબતનું મનદુઃખ રાખી હાર્દિક અને અક્ષય બંને આરોપીઓએ મળી ભોગ બનનાર લસુબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓને ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યા
ઉનાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘુસી આડેધડ છરીના સાતથી આઠ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરનાર આરોપીઓ કોબ ગામેથી નાસી ગયા હતા. જેને પકડવા નવાબંદર પોલીસ અને ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમ તપાસમાં લાગ્યા હતા. આરોપીઓને પકડવા આસપાસના ગામો અને ખેતરોમાં શોધખોળ કરતા મળી આવ્યા ન હતા. બાદ હ્યુમન સોર્સીસની મદદથી આરોપીઓને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 36 કલાક બાદ સુરતથી ઝડપી પાડ્યા હતા. આરોપી હાર્દિક બારૈયા વિરૂદ્ધ દારૂના બે જેટલા ગુન્હાઓ નોંધાયેલ છે. જ્યારે અક્ષય બાંભણિયા વિરૂદ્ધ દિવમાં એક દારૂનો ગુન્હો નોંધાયેલ છે. આ આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા બાદ નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને બાદમાં કોબ ગામે લઇ જઇ બંને આરોપીઓને જાહેર બજારમાં ફેરવી સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.