જયરામ મહેતા
જૂનાગઢ જિલ્લાના 492માંથી 5 તાલુકાના 371 ગામડામાં આરોગ્યની યોગ્ય કાળજી અને હોસ્પિટલમાં જ ડિલિવરીના આગ્રહથી છેલ્લા બે વર્ષથી એક પણ સગર્ભાનું મૃત્યુ નોંધાયું નથી. એમાંથી ભેસાણ અને માંગરોળ તાલુકાના 78 ગામોમાં તો 3 વર્ષથી પ્રસુતિના લીધે કોઈનું મોત થયું નથી. ભેસાણ, માંગરોળ, જૂનાગઢ, મેંદરડા, વંથલી અને વિસાવદર આ 5 તાલુકામાં 2 વર્ષથી એકપણ પ્રસુતાનું મૃત્યુ થયું નથી. આ કામગીરીને રાજ્ય કક્ષાએ પણ બિરદાવી હતી.
ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી મનોજ સુતરીયાએ જણાવ્યું હતું કે, ‘ભેસાણ અને માંગરોળ તાલુકાના ગામોમાં છેલ્લા 3 વર્ષથી એકપણ પ્રસુતાનું મૃત્યુ થયું નથી. તેની પાછળ દરેક સગર્ભા મહિલાની વહેલી તકે નોંધણી, સમયાંતરે આરોગ્યની તપાસ, દર મહિને કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ દ્વારા પણ તપાસ કરાય છે. દરેક સગર્ભાની ડિલિવરી હોસ્પિટલમાં જ થાય એ પણ ઇન્સ્યોર કરીએ છીએ. ડિલિવરી પછી પણ સમયાંતરે પ્રસૂતાની તપાસ કરીને યોગ્ય કાળજી લેવાય છે.’ કોઈપણ ડિલિવરીના કેસમાં રિસ્ક ફેક્ટર જણાય તો અમે તરત જ હોસ્પિટલમાં રીફર કરીએ છીએ. જોખમી-અતિ જોખમી કેસમાં વિશેષ કાળજી લઈને મહિલાની સંભાળ લેવામાં આવતી હોવાના લીધે અમે મૃત્યુદર ઘટાડી શક્યા છીએ. > ડૉ. મનોજ સુતરીયા, ઇન્ચાર્જ સીડીએચઓ, જૂનાગઢ