માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિપક્ષી પાર્ટીના નેતા મોહમ્મદ નશીદે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ મહાભિયોગ લાવવાના કાવતરા અને તેમાં ભારતની ભૂમિકાને નકારી કાઢી છે. હકીકતમાં સોમવારે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે વિપક્ષે મુઈઝુને પદ પરથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ માટે ભારત પાસેથી 51 કરોડ રૂપિયાની મદદ લેવાની હતી. આ રિપોર્ટ પર નશીદે કહ્યું કે, તેમને આવા કોઈ ષડયંત્રની જાણ નથી અને ભારત ક્યારેય પણ આવા ષડયંત્રને સમર્થન નહીં આપે. તેમણે કહ્યું કે, ભારત ક્યારેય આવું પગલું નહીં ભરે, કારણ કે તે હંમેશા માલદીવના લોકતંત્રનું સમર્થન કરે છે. ભારતે ક્યારેય અમારા પર શરતો લાદી નથી. દાવો- 40 સાંસદોને લાંચ આપવાની યોજના હતી
વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે તેની પાસે ડેમોક્રેટિક રિન્યુઅલ ઇનિશિયેટિવ નામના કેટલાક દસ્તાવેજો છે. મુઈઝુને સત્તા પરથી હટાવવાની યોજના છે. રિપોર્ટ અનુસાર મુઈઝુને સત્તા પરથી હટાવવા માટે 40 સાંસદોને લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી. તેમાં મુઈઝુની પાર્ટીના સાંસદો પણ છે. રિપોર્ટ અનુસાર, સાંસદો સિવાય સેના અને પોલીસના 10 વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાક અપરાધી ગેંગને પણ પૈસા આપવાની યોજના બનાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર કાવતરાખોરોએ આ માટે 51 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. વોશિંગ્ટન પોસ્ટે માલદીવના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આ રકમ ભારત પાસેથી માંગવાની હતી. ગુપ્તચર એજન્સી RAWની ભૂમિકાનો દાવો
વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે, ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના એક વરિષ્ઠ અધિકારીએ મુઈઝુને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાની યોજના અંગે વાત કરી હતી. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે, મુઈઝુના પરિવારના સભ્ય દ્વારા કેટલાક રેકોર્ડિંગ આપવામાં આવ્યા હતા. આમાં મુઈઝુને પદ પરથી હટાવવા અંગે RAWના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારી અને અન્ય ભારતીય મધ્યસ્થીઓ વચ્ચેની વાતચીતનો રેકોર્ડ છે. અહેવાલ મુજબ, આ મધ્યસ્થીઓમાં ભૂતપૂર્વ ભારતીય પોલીસ અધિકારી શિરીષ થોરાટ અને ગોવા સ્થિત પ્રકાશક અને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા સેવિયો રોડ્રિગ્સનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં આ મુદ્દે વોશિંગ્ટનમાં તમામ વચ્ચે વાતચીત થઈ હતી. જો કે, વોશિંગ્ટન પોસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મહિનાઓ સુધીની ગુપ્ત વાટાઘાટો પછી પણ મુઈઝુ સામે મહાભિયોગ ચલાવવા માટે પૂરતા સાંસદોને એકત્ર કરવામાં કોઈ સફળતા મળી નથી. ભારતે પણ મુઈઝુને પદ પરથી હટાવવાના પ્રયાસને આગળ વધાર્યો ન હતો અને ન તો તેણે ભંડોળ પૂરું પાડ્યું હતું.