જો તમે અમદાવાદમાં સાબરમતી ડીકેબીનના નવા બનેલા અંડરબ્રિજમાંથી પસાર થવાના હોય તો તમારા જોખમે પસાર થજો! કારણ કે, નવા અંડરબ્રિજમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી નથી. જ્યાં વળાંક આવેલા છે, ત્યાં અકસ્માત સર્જાય તેવી રીતનો વળાંક આપવામાં આવ્યા છે. ઉતાવળે અંડરબ્રિજ શરૂ કરીને ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણોને વાહનચાલકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડે છે. રોડ પણ અકસ્માત સર્જાય તેવી ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. આ અંડરબ્રિજમાંથી સ્કૂલમાં અવરજવર કરતા બાળકો સહિત રોજના 15થી 20,000 લોકો પસાર થાય છે, જેમના જીવનું જોખમ ઊભું થયું છે. કોઈપણ પ્રકારનું આયોજન કર્યા વિના જ રેલવે વિભાગ અને કોર્પોરેશન દ્વારા ઉતાવળે અંડરબ્રિજને લોકો માટે શરૂ કરી દેવાયો છે. આ સમગ્ર મામલાને ભાજપના ધારાસભ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ખૂબ હળવાશથી લઈ રહ્યાં છે. દિવ્ય ભાસ્કરે સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું આ મામલે જોમડાવી લઉં છું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરે પણ હું આ બાબતે જોવડાવી લઉં છું અને તપાસ કરાવી લઉં છું તેવો જ જવાબ આપ્યો હતો. અંડરબ્રિજમાં એકપણ સ્ટ્રીટ લાઈટ નહિ
ફાટક મુકત અમદાવાદ અંતર્ગત રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ઇજનેર વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીકેબીન ફાટક પાસે રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જોકે, રેલવે અને કોર્પોરેશનને અંડરબ્રિજમાં સ્ટ્રીટ લાઈટ નાખી નથી, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અંધકારમાં જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો અકસ્માત અથવા કોઈ અનિચ્છનીય બનાવ બની શકે છે. રોડ ક્રેસ કરવામાં પણ અકસ્માતની પુરી સંભાવના
બીજી તરફ ખામીયુક્ત ડિઝાઇન પણ હોય તેવું જણાય છે. કારણ કે, અંડરબ્રિજમાંથી બહાર નીકળતાની સાથે જ સામેથી આવતા વાહનચાલકો સાથે અકસ્માત થાય તેમ છે. બે રોડ ક્રોસ થાય છે, જેથી બ્રિજની બહાર ખુલતાની સાથે જ રોડનો નાનો ભાગ બહાર આવે છે, જેના કારણે લોકોને અવર-જવરમાં તકલીફ પડી શકે છે. ભારે વાહનોના પ્રતિબંધ બાદ પણ અવરજવર
અંડરબ્રિજનો એક છેડો સાબરમતી ડીકેબીન તરફ અને બીજો છેડો IOC રોડ તરફ નીકળે છે. જ્યારે સામેના ભાગે ક્રોસ કરીને એક રસ્તો કાળી ગામ તરફ તો બીજો રસ્તો ઉમા ભવાની રોડ તરફ જાય છે. રેલવે દ્વારા અંડરબ્રિજ તેમની જ જગ્યામાં જ રોડ બહાર કાઢી દેવાયો છે. મુખ્ય રોડ ઉપરથી બહાર જતા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. સીધો મુખ્ય રોડ સાથે ક્યાંય કનેક્ટ કરવામાં આવ્યો નથી. ડીકેબિન અંડરબ્રિજમાંથી તો ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે, જેમાં પ્રતિબંધ હોવો જોઈએ છતાં પણ મોટા ટ્રકો અહીંયાથી પસાર થાય છે. રાત્રિના દીકરીઓની સુરક્ષા સામે સવાલો
ડીકેબીન ફાટક બંધ કરી દીધું છે અને નવો અંડરબ્રિજ બન્યો હોવાના કારણે લોકોને હજી ક્યાંથી કઈ બાજુ તરફ બહાર નીકળે તેની પણ ખબર પડતી નથી. જે છેડો કાળી ગામ તરફ નીકળે છે, ત્યાં જાડી-જાખરા અને ખુલ્લો વિસ્તાર છે. એક પણ સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે જો રાત્રે કોઈ મહિલા કે દીકરી એકલા વાહન લઈને નીકળે અને અનિચ્છનીય બનાવ બની શકે છે. પ્રતિદિન એસજી હાઇવે તરફ તેમજ કાળી ગામ જવા માટે વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્ટ્રીટ લાઇટ નાખ્યા વિના ખામીયુક્ત ડિઝાઇન અને કોઈપણ વાહનચાલકોનો સર્વે કર્યા વિના બનાવવામાં આવેલા અંડરબ્રિજના કારણે દરરોજ વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી શકે તેમ છે. ન્યુ રાણીપ- એસજી હાઇવે તરફ જવાના છેડે રોડ જ નથી
IOC ફાટક પાસે પણ આવી જ પરિસ્થિતિ છે. જ્યાં અંડરબ્રિજ બનાવ્યું છે, ત્યાં પણ આવી જ સમસ્યા છે. જે વાહનચાલકને અંડરબ્રિજમાંથી બહાર નીકળીને ચાંદખેડા તરફ જવું હોય તો તરત જ વાહન વળાવવું પડે છે. પરંતુ જો મોટી ગાડી હોય તો તેને બે વખત પાછળ લેવી પડે, ત્યારબાદ તે પોતાનો વાહન વળાવી અને ચાંદખેડા તરફ જઈ શકે છે. ડીકેબીન તરફથી આવતા વાહનો સીધા અકસ્માત સર્જે તેવા ખામી સાથે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ન્યુ રાણીપ અને એસજી હાઇવે તરફ જવાનો જે છેડો છે તેની તરફ તો હજી સુધી રોડ જ નથી બન્યા. જે છેડો આપવામાં આવ્યો છે તે ન્યુ રાણીપ એસજી હાઇવે તરફ આપવાની જગ્યાએ ઉમા ભવાની રેલવે ફાટક તરફ જતા રોડ ઉપર આપ્યો છે, જેના કારણે મોટાભાગના લોકોને પોતાના વાહન ડાબી તરફ વાળીને જવા પડે છે અને ત્યાંથી આવતા વાહનોને પણ વાળવા પડે છે, જેના કારણે અકસ્માત સર્જાય શકે છે. પહેલા સ્ટ્રીટ લાઈટ નાખવાની હોયઃ કોંગ્રેસ કોર્પો.
ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે નવો અંડરબ્રિજ બનાવવામાં આવે છે તો તેમાં પહેલા સ્ટ્રીટ લાઈટ નાખવાની હોય, પછી બ્રિજ શરૂ કરવાનો હોય. પરંતુ જો અહીંયા લાઈટો નથી નાખવામાં આવેલી તો આ મામલે લાઈટ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી અને તપાસ કરાવું છું. ટેમ્પરરી લાઈટ નાખવાની સૂચના આપી છેઃ ભાજપ કોર્પો.
ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટ રાકેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અંડરબ્રિજ મામલે મેં રજૂઆત કરી દીધી હતી. જો સ્ટ્રીટ લાઈટ નાખવામાં નથી આવેલી તેને લઈને હાલ ટેમ્પરરી લાઈટ નાખવાની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે અધિકારીઓ સાથે રાઉન્ડ લઇ અને તપાસ કરી ઝડપથી સ્ટ્રીટ લાઈટ નાખવા માટે જાણ કરીશું. જ્યાં સુધી કામગીરી ન થાય ત્યાં સુઘી ફાટકને ખોલવા માટે પણ જાણ કરીશું. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સુધીરકુમાર શર્માનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશ શાહનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. જન પ્રતિનિધિઓ જનતાની સુરક્ષાને લઈ બેધ્યાન
અહીં એ પણ નોંધનીય છે કે, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવા સાબરમતી વોર્ડના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતસ ઓરંગાબાદ કરોડ બ્રિજ પ્રોજેક્ટ ના ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશ શાહ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર શર્મા દ્વારા યોગ્ય ધ્યાન ન આપવાના કારણે થઈને આજે સ્ટ્રીટ લાઈટ વિનાનો અંડરબ્રિજ શરૂ થઈ ગયો છે. ચાંદખેડા વોર્ડમાં નિષ્ક્રિય બનેલા કોર્પોરેટરો પ્રજાની સમસ્યા અને કામગીરી ઉપર ધ્યાન ન આપતા હોવાના કારણે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડશે. સાબરમતી ડીકેબીન ખાતે રેલવે અંડર બ્રિજ બનાવવામાં આવતો હતો, ત્યારે આ વિસ્તારનું ડિકેબીન AMTS બસ સ્ટેન્ડ બંધ કરી અને તેને તોડી પાડવામાં આવ્યું હતું. બસ માત્ર વલ્લભ પાર્ક સુધી જતી હતી, પરંતુ હવે આ વિસ્તારના રહેવાસીઓ માટે ડીકેબીન AMTS બસ સ્ટેન્ડ ક્યાંય બનાવવામાં આવ્યું નથી. બસો વલ્લભ પાર્ક સુધી જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બસ ડીકેબીન ફાટક સુધી આવે છે છતાં પણ ક્યાંય બસ સ્ટેન્ડ નથી. જેથી રોડ ઉપર અને રેલવેની જગ્યામાં બસ મૂકવી પડે છે.