દેશના રાજકારણમાં બિહાર ફરી ચર્ચાની એરણે ચડ્યું છે. એના બે કારણો છે. એક, અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીના કારણે નીતિશ કુમાર નારાજ છે. એટલે NDA સાથે ગમે ત્યારે છેડો ફાડી શકે. બીજું કારણ છે, BPSCની એક્ઝામ. આપણે ત્યાં GPSC હોય તેમ બિહારમાં BPSC હોય છે. આ BPSC એક્ઝામ લેવાય તે પહેલાં જ તેનું પેપર ફૂટી ગયું. આ એક્ઝામ ફરીથી લેવાય તેવી માગણી સાથે હજારો ઉમેદવારો રસ્તા પર ઉતર્યા છે. નમસ્કાર, ભરશિયાળે બિહારમાં ગરમાવો આવી ગયો છે. નીતિશ કુમાર મારતા ઘોડે દિલ્હી ગયા તો ખરા પણ ડેલીએ હાથ દઈને પાછા પટના પહોંચી ગયા. કારણ કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે.પી.નડ્ડાને મળવા ગયા હતા પણ બંને મળ્યા નહીં. નીતિશ કુમાર મળ્યા વગર પટના પહોંચી ગયા. એટલે હવે આખા દેશની નજર નીતિશ કુમાર પર ટકેલી છે. બધા એવું અનુમાન કરે છે કે, પાટલી બદલુ નીતિશ કુમાર ફરીવાર મોદી સરકાર સાથે છેડો ફાડીને ઈન્ડિયા બ્લોકમાં ગોઠવાઈ જશે. કારણ કે, આવતા વર્ષે 2025ના નવેમ્બર, ડિસેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. નીતિશ કુમાર ફરીથી પલટી મારશે?
એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનોમાં કૂદાકૂદ કરનારા નીતિશ કુમારની છાપ પક્ષપલટુ તરીકેની છે. છેલ્લા ચાર મહિનાથી – બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવા નીતિશ કુમાર મથે છે પણ મેળ પડ્યો નથી. બીજું, ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રીના વિવાદિત નિવેદન પછી નીતિશ કુમાર નારાજ છે એટલે જેડીયુ ભાજપ સાથે છેડો ફાડે એવા અહેવાલો સતત આવતા રહે છે. નીતિશ કુમાર ફરી એક વાર પલટી મારીને ભાજપને છોડીને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે હાથ મિલાવી લે તેવી શક્યતાને નકારી શકાય નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં નિવેદન આપેલું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર NDAના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નથી અને ચૂંટણી પછી કોણ મુખ્યમંત્રી બનશે એ ધારાસભ્યો નક્કી કરશે. શાહના નિવેદનથી નીતિશ કુમાર ભડકી ગયા છે. નીતિશ કુમારને લાગી રહ્યું છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને કોરાણે મૂકી દીધા એ રીતે હવે પોતાને પણ ભાજપ હાંસિયામાં ધકેલી દેશે. નીતિશ પાણી પહેલાં પાળ બાંધવા ચોકઠાં ગોઠવી રહ્યા છે. નીતિશ કુમારને ભાજપ છોડવાનું બહાનું મળી જશે
નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને શાહ માફી માગે એવી માગણી કરી છે. નીતિશ કુમારે બિહારમાં પ્રગતિ યાત્રા કાઢી હતી, તેમાં પણ ડો. બાબાસાહેબ આંબેડકરને મહત્વ આપ્યું છે. જેડીયુના કાર્યકરો બાબાસાહેબની તસવીરો સાથે યાત્રામાં હાજરી આપી રહ્યા છે અને નીતિશ કુમાર જ્યાં પણ બાબાસાહેબની તસવીર જુએ કે તરત માથું નમાવીને નમસ્કાર કરે છે. નીતિશે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં બિહારને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપવાની માગણી પણ ઉઠાવી છે. મોદી સરકાર આ માગણી સ્વીકારે શકે તેમ નથી તેથી નીતિશને ભાજપને છોડવાનું બહાનું મળી જશે. પોતાનું મુખ્યમંત્રી પદ જાળવી રાખવા નીતિશ દિલ્હી ધક્કા ખાય છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચ દિવસ પહેલાં મળેલી એનડીએની બેઠકમાં હાજર રહ્યા ન હતા, પરંતુ અચાનક તેમણે દિલ્હીમાં ધામા નાખ્યા હતા. બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતે જ મુખ્યમંત્રી તરીકે પ્રમોટ થાય તેવી ડિમાન્ડ કરવા જ નીતિશ દિલ્હી ધક્કા ખાઈ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, ગિરિરાજ સિંહ, સમ્રાટ ચૌધરી વગેરે બિહારના સીએમપદના નામે મગનું નામ મરી પાડતા નથી. હમણાં નીતિશ મોદીને અને જે.પી.નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા અને મંગળવારે (31 ડિસેમ્બરે) પટના પરત ફરવાના હતા. પણ નીતિશને દિલ્હીમાં ન તો મોદી મળ્યા, ન તો નડ્ડા. એટલે તરત સોમવારે સાંજે જ પટના પહોંચી ગયા. બિહારના રાજકીય અભ્યાસુ કહે છે કે, પીએમ મોદી તેમને આગામી ચૂંટણી પછી સીએમ પદ માટે આશ્વાસન આપી દેશે તો નીતિશ એનડીએમાં રહેશે. નહીંતર ફરીથી નવાજૂની કરશે એ નક્કી. બિહારમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી વિજયકુમારે કહ્યું, નીતિશ કુમાર નિષ્ફળ CM છે
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ ૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો પ્લાન શું છે એ છતું કરી દીધું હતું. સિંહાએ કહ્યું હતું કે, બિહારમાં ભાજપ એકલા હાથે સરકાર રચે એ વાજપેયીજીને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ હશે. સિંહાએ કહેલું કે, જંગલરાજ કરનારા લોકો હજુ બિહારમાં અરાજકતા ફેલાવી રહ્યા છે અને ભાજપની સરકાર આવશે ત્યારે જ તેમના પર સંપૂર્ણ અંકુશ આવશે. સિંહાએ આડકતરી રીતે નીતિશ કુમાર બિહારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરી દીધો હતો. સિંહાની વાતોથી ભડકેલા જેડીયુએ ભાજપના નેતાઓને આડે હાથ લઈ લીધા. તેના કારણે સિંહાએ કલાક પછી સ્પષ્ટતા કરવી પડી હતી કે, 2025ની ચૂંટણીમાં એનડીઓનું નેતૃત્વ નીતિશ કુમાર જ કરશે. પણ વિજય કુમાર સિંહાના નિવેદનો પરથી એવું લાગે છે કે બિહારના રાજકારણમાં ક્યાંક ખિચડી રંધાઈ રહી છે અને તેની સોડમ દિલ્હી પહોંચી રહી છે. હવે વાત BPSC એક્ઝામ અને લાઠીચાર્જની… શું છે આખી ઘટના?
બિહારના 912 કેન્દ્રોમાંથી 911 પર 13 ડિસેમ્બરે BPSCની પરીક્ષા હતી. પટનામાં બાપુ પરીક્ષા ભવન નામનું કેન્દ્ર છે ત્યાં એક્ઝામ પહેલાં જ પેપર લીક થયું ને હંગામો થયો. ત્યારબાદ BPSC તંત્રએ કહ્યું હતું કે આ એક કેન્દ્રની પરીક્ષા રદ કરવામાં આવશે અને એક જ કેન્દ્રમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે. પણ ઉમેદવારોએ ડિમાન્ડ કરી કે, આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે પણ BPSCએ તમામ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગને ફગાવી દીધી હતી. જ્યાંથી પેપર લીક થયું હતું તે બાપુ પરીક્ષા ભવનમાં 4 જાન્યુઆરી 2025 ના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 12000 ઉમેદવારો ફરીથી બેસશે. તેમાંથી 5000થી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધા છે. આખા રાજ્યમાં 1957 જગ્યા માટે 4 લાખ 80 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે મુદ્દો બિચક્યો છે એ કે, તમામ સ્ટુડન્ટ આનો વિરોધ કરી રહ્યા છે કે, જે પેપર પર અમે પરીક્ષા આપી હતી તે જ પેપરમાં આ 12 હજાર ઉમેદવારો ફરીથી પરીક્ષા આપશે તો તેનો મતલબ શું? માટે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ. પ્રશાંત કિશોર વચ્ચે કૂદ્યા, સ્ટુડન્ટની આગેવાની લીધી
છેલ્લા 14 દિવસથી બિહારના પટનાના ગર્દનીબાગમાં BPSC પરીક્ષાના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગણી છે કે, પેપર લીક થયું છે એટલે નવેસરથી પરીક્ષા લેવામાં આવે. દેખાવકારો સ્ટુડન્ટ્સમાંથી 7 સ્ટુડન્ટ એવા છે જેણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. છતાં સરકારે આંખ આડા કાન કર્યા. પછી આવ્યો 28 ડિસેમ્બરનો દિવસ. બિહાર પોલીસે ગર્દનીબાગની જગ્યાને ચારેય તરફથી સીલ કરી દીધી. કહેવાય છે કે, બહારના લોકોને આંદોલનની જગ્યાએ જતાં રોકવામાં આવતા હતા તો અંદર જે લોકો પહોંચી ગયા હતા તેને બહાર જતાં રોકવામાં આવતા હતા. આ બધા વચ્ચે જન સુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. પ્રશાંત કિશોરે કહ્યું કે, ઉમેદવારોની રેલી મુખ્યમંત્રી આવાસ સુધી જશે. જન સુરાજના કાર્યકર્તાઓ તેમાં જોડાશે અને સતત સાથે રહેશું. પછી લાઠીચાર્જ કેવી રીતે થાય છે તે જોઈએ. પોલીસ લાઠીચાર્જ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. પરીક્ષાના ઉમેદવારોના આંદોલનમાં પ્રશાંત કિશોરની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
29 ડિસેમ્બરના દિવસે પ્રશાંત કિશોરના કહેવા પર ગાંધી મેદાનમાં સ્ટુડન્ટ સાંસદનું આયોજન કરાયું હતું. આ ઉમેદવારોના આંદોલનનું મોટું રૂપ હતું. આ આંદોલનને ઘેરૂં બનાવવા માટે બિહારમાં નવી પાર્ટી જન સુરાજ બનાવનાર પ્રશાંત કિશોરે પટનાના કોચિંગ ક્લાસિસના શિક્ષકો સાથે મિટિંગ કરી. આ સ્ટુડન્ટ સાંસદ માટે પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હતી પણ મંજૂરી મળી નહીં. છતાં ગાંધી મેદાનમાં મોટી સંખ્યામાં પરીક્ષાના ઉમેદવારો ઉમટ્યા અને પ્રશાંત કિશોર પણ પહોંચ્યા. તર્ક એવો આપવામાં આવ્યો કે, આ કોઈ દેખાવ નથી પણ ઉમેદવારોની મિટિંગ છે. એ દિવસે 10 હજારની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. ગાંધી મેદાનમાં પ્રશાંત કિશોરે સાંજે જાહેરાત કરી કે, અત્યારે મુખ્યમંત્રી આવાસ સુધી રેલી કાઢીશું. મુખ્યમંત્રી તો પટનામાં નથી પણ વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના ચીફ સેક્રેટરી અમૃત મીણાને મળવા જશે અને રજૂઆત કરશે. પ્રશાંત કિશોરે ઉમેદવારોની રેલી કાઢી, પછી પોતે નીકળી ગયા ને લાઠીચાર્જ થયો
આ બધું થયા પછી 29મીએ સાંજે પ્રશાંત કિશોરે ગાંધી મેદાનથી મુખ્યમંત્રી આવાસ સુધી કૂચ કરી. વચ્ચે એક ચેક પોઈન્ટ આવે છે જે.પી.ગોલંબર. ત્યાંથી બીજી ચેક પોસ્ટ સુધી પહોંચ્યા ત્યાં મોટાપાયે પોલીસ ફોર્સ હતી. એટલે સ્ટુડન્ટ ફરી જે.પી.ગોલંબર પાસે આવીને બેસી ગયા. રાત પડી ગઈ હતી. જે.પી.ગોલંબર ચેક પોસ્ટ પર સરકારના અધિકારીઓએ પ્રશાંત કિશોર અને વિદ્યાર્થીના ડેલિગેશન સાથે વાત કરી કે, અમે સ્ટુડન્ટ્સની ડિમાન્ડ વિશે વિચારીએ રહ્યા છીએ. પાંચ સ્ટુડન્ટનું પ્રતિનિધિ મંડળ ચીફ સેક્રેટરીને મળીને પોતાની રજૂઆત કરી શકશે. આ પત્યા પછી પ્રશાંત કિશોર અને તેની સાથે બે હજાર જેટલા સ્ટુડન્ટ ગાંધી પ્રતીમા પાસે જઈને બેઠા. બાકીના સ્ટુડન્ટ્સ જે.પી.ગોલંબર પોઈન્ટ પાસે બેસી ગયા. વિદ્યાર્થીઓ જે.પી.ગોલંબર પાસે બેઠા હતા ત્યારે જ પોલીસ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીઓ સાથે પહેલાં વાતચીત કરી. વિદ્યાર્થીઓ હટવા માટે ન માન્યા એટલે પોલીસે વોટર કેનનનો પ્રયોગ કર્યો. વાત આટલેથી ન અટકી એટલે પોલીસે આડેધડ લાઠીચાર્જ કર્યો. ટૂંકમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, લાઠીચાર્જ થશે તો સાથે રહીશું અને જવાબ આપીશું. પણ લાઠીચાર્જ થયો તે પહેલાં પ્રશાંત કિશોર સ્થળ પરથી સરકીને બીજે બેસી ગયા. એસપી સ્વીટી સહરાવતે કહ્યું કે, તેમણે પાંસ સ્ટુડન્ટ મોકલવાની વાત કરી હતી પણ કોઈ પ્રતિનિધિ મંડળ આગળ આવ્યું નહીં ને બધાએ ધક્કામુક્કી શરૂ કરી દીધી. સ્ટુડન્ટ્સે પ્રશાંત કિશોરનો વિરોધ કર્યો તો પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો
આ બધું થયા પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે, આ આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું અને સ્ટુડન્ટ્સને કોણે ભડકાવ્યા? કારણ કે, 14 દિવસથી ગર્દનીબાગમાં જે આંદોલન ચાલતું હતું ત્યાં સુધી કોઈનું નેતૃત્વ નહોતું અને કોઈ રાજનેતાની એન્ટ્રી નહોતી થઈ. પરીક્ષા માટે ઉમેદવારો જ આંદોલન કરતા હતા. રાજકારણની એન્ટ્રી તો પ્રશાંત કિશોરની એન્ટ્રીની સાથે થઈ. બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પ્રશાંત કિશોર પર આરોપ મૂકતાં કહ્યું કે, જે પ્રકારે પોલીસે માર્યા, કેટલાયને ઈજા થઈ. ઠંડીમાં પાણીથી ભીંજાવ્યા. આ બધા પાછળ પ્રશાંત કિશોરનો હાથ છે. પછી એ જ રાત્રે દોઢ વાગ્યે એક સ્ટુડન્ટના ફોનમાંથી ફેસબુક લાઈવ કરવામાં આવ્યું. જેમાં પ્રશાંત કિશોર પણ દેખાતા હતા. ઉમેદવારોએ પ્રશાંત કિશોરનો વિરોધ કર્યો અને તેની ઉમેદવારો સાથે દલીલો પણ થઈ. પ્રશાંત કિશોરે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો કે, હું જે.પી.ગોલંબરથી ભાગ્યો નહોતો. મને સ્ટુડન્ટ્સ કહેવા લાગ્યા કે, અમારે ગોલંબર પાસે જ બેઠા રહેવું છે. તો મેં કહ્યું કે, તમારે બેસવું જ હોય તો પાછા ગાંધી મેદાન પહોંચો. હું પણ ત્યાં જ જાઉં છું. મારી સાથે બે હજાર જેટલા સ્ટુડન્ટ્સ આવ્યા પણ બાકીના જે.પી.ગોલંબર પોઈન્ટ પાસે જ બેઠા રહ્યા ને પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો. રાજ્યપાલે ખાતરીઓ ઘણી આપી ત્યાં રાજ્યપાલ જ બદલાઈ ગયા!!
30 ડિસેમ્બરે સવારે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા. પપ્પુ યાદવે કહ્યું કે, રાજ્યપાલે BPSC સચિવ સાથે વાતચીત કરી છે. 4 જાન્યુઆરીએ પટનાના બાપુ સેન્ટરમાં યોજાનારી પ્રારંભિક પરીક્ષાનો આધાર પૂછ્યો છે. રાજ્યપાલે એમ પણ કહ્યું કે, હું ડીએસપી પાસે પણ જવાબ માગીશ કે તેમણે ક્યા આધારે લાઠીચાર્જ કર્યો. રાજ્યપાલ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પણ વાત કરવાના છે. આ બધી વાતો થઈ ત્યાં બિહારમાં નવા રાજ્યપાલ ચાર્જ સંભાળવા પહોંચી ગયા. 4 જાન્યુઆરીથી એટલે કે જે દિવસે ફરીથી પરીક્ષા છે ત્યારે રાજેન્દ્ર આર્લેકરના બદલે આરીફ મોહમ્મદ ખાન રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળવા પહોંચી ગયા છે. મોદી સરકારના મંત્રી બિહારીબાબુ ચિરાગ પાસવાને નીતિશ કુમારને વિનંતી કરી છે કે તે ઉમેદવારોની પડખે રહે. છેલ્લે, 1974માં જયપ્રકાશ આંદોલન વખતે નીતિશ કુમાર સ્ટુડન્ટ નેતા તરીકે લાઠીઓ ખાઈ ચૂક્યા છે. બિહારમાં વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ થયો ને હવે નીતિશ કુમાર મૌન છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )