જૈનુલ અન્સારી ખેડૂતોના નામે ભ્રષ્ટાચારીઓ દ્વારા કેવા-કેવા ખેલ કરવામાં આવી રહ્યાં છે એનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતોની બનાવટી સહી હડપી લેવામાં આવી હતી તો અન્ય કૌભાંડમાં સત્તા સાથે સાંઠગાંઠ કરીને નકલી ખેડૂત બનીને ફાયદો લેવામાં આવ્યો છે. ગ્યાસપુરમાં આવેલા સુએઝ ફાર્મની અંદાજે 45થી 50 કરોડ રૂપિયાની કિંમતની 14 વીઘાથી વધુ જમીન ખેડૂતોની ખોટી સહી કરી સુએઝ ફાર્મ ખેડૂત મંડળના ખજાનચીએ પચાવી પાડી છે. 1968, 1972 અને 1990માં મૃત્યુ પામેલા ખેડૂતોને જીવિત બતાવીને દસ્તાવેજ પર સહી અને બાકીના 4 ખેડૂતોની ખોટી સહી કર્યાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. અમદાવાદ મ્યુનિ.એ 1955માં ખેડૂતોને 1750 એકર જમીન ખેતી માટે આપી હતી. 1990માં 550 એકર જમીન સુએઝ ફાર્મ ખાતે મૂળ ખેડૂતોને આપવાનો ઠરાવ સ્ટેન્ડિંગમાં કરાયો હતો. તેના માટે સુએઝ ફાર્મ ખેડૂત મંડળની રચના કરાઈ જોકે, કેટલાક ખેડૂતો અજાણ હોવાથી તેમની જમીનો સુએઝ ફાર્મ ખેડૂત મંડળના ખજાનચી બાબુભાઈ પરષોત્તમ પટેલે અને પ્રમુખ મનીષ પટેલે ખોટી સહીઓ કરીને પચાવી પાડી હતી. આ મામલે સાત ખેડૂતો વતી લડત લડી રહેલા દિનેશ ચાવડાએ આરટીઆઈ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ખેડૂતો તરફથી લડત લડી રહેલા દિનેશ પૂંજાભાઈ ચાવડાએ જણાવ્યું કે, ખેડૂત મંડળના પ્રમુખ તરીકે ગુલાબખાન પઠાણની નિમાયા હતા. જોકે, તેમના મૃત્યુ ડિસેમ્બર 2000માં થયું છતાય હજી સુધી ચેરિટી કમિશનમાં મંડળના પ્રમુખ બદલાયા નથી અને તેમના લેટરપેડ પર પ્રમુખ તરીકે મનીષ પટેલ સહી કરે છે.કૌભાંડ મુદ્દે તેમણે જણાવ્યું કે, સુએઝ ફાર્મ ખેડૂત મંડળના પ્રમુખ અને ખજાનચીએ 3 ખેડૂતો મૃત્યુ પામ્યા હોવા છતાં તેમને જીવિત દેખાડી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે. ખેડૂત નાથાજી ભગાજી 1968માં મૃત્યુ પામ્યા હતા. ખેડૂત પુંજાજી બેચરજી 1972માં મૃત્યુ પામ્યા હતા અને ખેડૂત છગનજી ઓખાજી 1990માં મૃત્યુ પામ્યા હતા. છતાં તેઓને જીવતા દેખાડીને 1993માં ખોટા દસ્તાવેજો અને કબજા પહોંચમાં ખેડૂતોની સહીઓ કરેલી છે. પિતાના મૃત્યુ બાદ ટોળકીએ 25 વર્ષ બાદ ખોટા પુરાવા ઊભા કર્યાં
નાથાજી ભગાજી ઠાકોરના પુત્ર બાબુ ઠાકોરે જણાવ્યું હતું કે, 2020ના વર્ષમાં સુએઝ ફાર્મ ખાતે જમીન મળી હોવાની જાણ થઈ હતી. મારા પિતા નાથાજીનું મૃત્યુ 1968માં થયું હતું. જ્યારે 25 વર્ષ પછી 1993ના કબજા પહોંચમાં મારા પિતાની ખોટી સહી કરી બાબુભાઈ પરષોત્તમ પટેલે દસ્તાવેજો પોતાના નામે કરાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ મંડળના પ્રમુખ, ખજાનચી સામે ફરિયાદ
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ખેડૂત મંડળના પ્રમુખ મનીષ પટેલ અને ખજાનચી બાબુભાઈ પરષોત્તમ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.