દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. લ્યો બોલો… અમદાવાદના એક પોલીસકર્મીએ ગુનેગારનો ખબરી બની DCPને મૂર્ખ બનાવ્યા
તાજેતરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક પોલી સ્ટેશનની હદમાં ડીસીપી દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન એક પોલીસકર્મીએ ડીસીપીના કોમ્બિંગ અગાઉ જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકોને ફોન કરી થોડા સમય માટે બંધ કરી દેવા જણાવ્યું હતું. જ્યારે ડીસીપી ત્યાંથી રવાના થયા તરત જ પોલીસકર્મીએ ફરીથી શરૂ કરી દેવા સૂચના આપી હતી. એટલે કે, સજાની નોકરીમાં કામ કરતા પોલીસકર્મીએ જ ડીસીપીને કોમ્બિંગ દરમિયાન મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ક્રિકેટ સટ્ટાનો કરોડોનો કારોબાર કરતા વેપારીના દીકરા સાથે IPS અધિકારીની ઘનિષ્ઠ મિત્રતા
ગુજરાતમાં થોડા સમય પહેલાં ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં અનેક વિવાદો સામે આવ્યા અને હજારો કરોડના ક્રિકેટ કૌભાંડમાં કેટલાક લોકોની મદદ પણ સામે આવી હતી. આ સમગ્ર મામલો ચાલી રહ્યો હતો ત્યારે હવે આ ક્રિકેટ સટ્ટાના રોજના કરોડો રૂપિયાના હવાલા અને કારોબારને મદદ કરનાર અમદાવાદના એક જાણીતા વેપારીના પુત્રએ બીડું ઝડપ્યું છે. જેણે રોજના આ હવાલાનો કારોબાર શરૂ કર્યો હોવાની ચર્ચા છે અને આ સાથે ગુજરાતના મોટા આઇપીએસ અધિકારીઓ તેની સાથે સીધા સંપર્કમાં અને ઘનિષ્ઠ મિત્રતા ધરાવતા હોવાની વાતો પણ હાલ ચર્ચામાં છે. વેપારીનો પુત્ર અગાઉ પણ વિવિદામાં આવ્યો છે અને તેની સામે ફરિયાદ થઈ ચૂકી છે, પરંતુ ક્રિકેટ સટ્ટાની ફાવટ તેને એટલી આવી ગઈ છે કે, તેને આઇપીએસ અધિકારી સાથે સંબંધો કંઇ રીતે કેળવવા અને મેન્ટેન કરવા તે ખબર પડી ગઈ છે. આ વેપારીના પુત્રને આઇપીએસ અધિકારી જાણે કૃષ્ણ સુદામાની જોડી હોય તેમ સંબંધો રાખે છે. રોડ સેફ્ટી માસની ઉજવણીના પ્રથમ દિવસે જ રાજકોટ પોલીસ કમિશનર નારાજ
રાજકોટ શહેર પોલીસે સરકારની સૂચનાના આધારે અકસ્માતમાં ઘટાડો લાવવા જાન્યુઆરી મહિનાને રોડ સેફ્ટી માસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે અવેરનેસના ભાગરૂપે પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર હેલ્મેટ પહેરી પોલીસ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહીત તમામ પોલીસ અધિકારીઓએ આ રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 200થી વધુ વાહનોમાં 400 જેટલા પોલીસ કર્મચારી જોડાયા હતા અને માથે હેલ્મેટ પહેરી વાહન ચલાવી હેલ્મેટ પહેરવા લોકોને સંદેશો આપ્યો હતો. જોકે, ચારથી પાંચ વાહનોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસ કમિશનર નારાજ થયા હતા. અને આ રીતે નિયમનું ઉલ્લંઘન ન કરવા મીઠો ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર પહેલેથી જ પોલીસકર્મીઓને હેલ્મેટ પહેરવા માટે ભાર પૂર્વક આગ્રહ દાખવી રહ્યા છે. તેઓ જ્યારે રાજકોટ શહેરમાં આવ્યા ત્યારે તુરંત જ હેડ ક્વાર્ટર ખાતે હેલ્મેટ ફરજિયાતના નિયમમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઇ હતી, પરંતુ આ સમયે તેઓએ સ્પષ્ટ મનાઈ કરી અને વધુ દંડ કરવા સૂચના આપી હતી. આખા શહેરને છોડી ટ્રાફિક વિભાગને નિયમનું પાલન કરાવવા એક જ વિસ્તાર દેખાય છે!
સુરત શહેર ટ્રાફિક વિભાગના નિશાને વરાછા વિસ્તાર હોય તેવું જણાઈ આવે છે. પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કર્યા બાદ ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે તે વાત કરી હતી. પરંતુ ટ્રાફિકની કામગીરી જોતા એવું લાગે છે કે, માત્ર વરાછામાં જ વિભાગ કડકાઈ બતાવી રહ્યું છે. આખા શહેરના ડેટા પ્રમાણે માત્ર વરાછા વિસ્તારમાંથી રોજના 600 જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવે છે. જે બીજા વિસ્તારની સરખામણીએ ખુબ જ વધારે છે. અને એ જ પોલીસકર્મીઓ ફરીથી વરાછાવાસીઓને નિયમનું પાલન કરાવવા માટે ગાંધીગીરી કરી ફૂલ પણ આપે છે. શહેર પોલીસના ટ્રાફિક વિભાગનું આ બેવડું વલણ આશ્ચર્યજનક લાગી રહ્યું છે. વરાછા વિસ્તારમાં એ.કે રોડ, હીરાબાગ સર્કલ, કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓના ટોળાને ટોળા દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, આખા શહેરમાં સૌથી વધુ વરાછા વિસ્તારના વાહનચાલકો ઉપર જ તવાઈ છે. નવા આવેલા IPS અધિકારીને રીઝવવા એક જાદુગર મરણિયો બન્યો
થોડા સમય પહેલાં અમદાવાદમાં આવેલા એક IPS અધિકારી જ્યાંથી બદલી થઈને આવ્યા ત્યાં નજીકમાં જ એક પરિવાર રહે છે અને તેમનો સ્વજન અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. તે ઘણા સમયથી એટલે કે જ્યારથી તેની ફાવટ આવી ત્યારથી તે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે અધિકારી તમામની આર્થિક વ્યવસ્થા કરવાનું કામ કરે છે. અધિકારી સુધી પહોંચવા માટે અને તેમના વિસ્તારને ઘમરોડવા માટે તેણે અમદાવાદના કેટલાક પીઆઇ પર પ્રભુત્વ જમાવવાની શરૂઆત કરી એટલું જ નહીં તેણે પોતાના સ્વજન અને રાજવી પરિવારની ઓળકાળ આપીને આઇપીએસની નજીક પહોંચવા પગથિયાં ઘસવાનું શરૂ કર્યું છે. અધિકારીને વ્હાલા થવા ત્રણ પીઆઇએ સાહેબનો કારોબાર સંભાળવાનું નક્કી કર્યું
IPS અધિકારીની નજીક જવા માટે નાના પોલીસ કર્મચારીઓ કાલાવાલા કરતા હોય તે માનવું નવું નથી, પરંતુ અમદાવાદ શહેરના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર એવા છે જેમણે આઇપીએસ અધિકારીને તમામ વ્યવસ્થા મળી રહે અને તેમના સુધી કોઇ વિવાદ ન પહોંચે તે માટે આ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરે આખો કારોબાર સંભાળવાનું નક્કી કરી લીધું છે. સામાન્ય રીતે PIનું કામ પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા સાચવવાનું હોય છે પરંતુ હવે તેઓ આઇપીએસ અધિકારીને કઈ રીતે સાચવવા તેનો નવો પાઠ ભણી રહ્યા છે. હવે આ બધું કેમ કરી રહ્યા છે અને કયા દોરી સંચારથી કરી રહ્યા છે એ તો ખબર નથી, પરંતુ હાલ તો અમદાવાદ શહેરમાં એવી ચર્ચા છે કે, આ ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવેલા પોલીસ કોન્સ્ટેબલથી પણ આગળ વધી ગયા છે. હવે આવું થવા દેવા પાછળ પણ આઇપીએસ અધિકારીને શું મળશે તેની પણ એક મોટી ચર્ચા શરૂ થઈ હતી. પોલીસનું સઘન ચેકિંગ છતાં બોર્ડર ક્રોસ કરી દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર સુધી કઈ રીતે પહોંચ્યો?
31 ડિસેમ્બરની ઉજવણી માટે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાની હિલચાલ બબ્બે વખત નાકામ બની હતી. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા સમા સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ દારૂનો મસ મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. પહેલાં વિજિલન્સની ટીમે 450 પેટી દારૂ ઝડપી પાડ્યો અને ત્યાર પછી ચોટીલા પોલીસે 935 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂના જથ્થાનું કટિંગ કરી અલગ અલગ જગ્યાએ મોકલવાનું હતું, પરંતુ મુખ્ય સ્થળ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડતા સૌરાષ્ટ્ર-કચ્છના પ્યાસીઓની 31 ડિસેમ્બર કોરી રહી હતી. અહીં સવાલ એ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યમાંથી મસ મોટો દારૂનો જથ્થો ચેકપોસ્ટ ક્રોસ કરી સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુધી કેવી રીતે પહોંચ્યો આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આ દારૂના જથ્થાને પહોંચાડવા પાછળ અનેક લોકોના હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે અને સૌથી મોટો હાથ અલગ અલગ રાજ્યને જોડતા ગુજરાતના બોર્ડર વિસ્તારની પોલીસ પર સીધી જ આંગળી ચીંધાય રહી છે. PCBના PI બનવા સુરતના એક પીઆઇએ તો નેતાની જેમ પ્રાચર-પ્રસાર શરૂ કર્યો
પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એટલે PCBમાં પીઆઇ બનવા માટે સુરત શહેરના બે પીઆઇ વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે. જેમાંથી એક પીઆઇ તો નેતાઓ ચૂંટણી પહેલાં પોતાના પ્રચાર-પ્રસારમાં લાગી જાય છે તે જ રીતે તેઓ પણ PCBના PI બનવા પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પોતાને દયાળુ અને સમાજ સેવક ઉપરાંત સુપર કોપ બતાવવા માટે શહેરની બ્રાન્ચના એક પાઆઇએ તો સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જ્યાં તે પોતાની સેલ્ફ પબ્લિસિટી કરાવી પોતાને આયોજનબદ્ધ રીતે પ્રમોટ કરી રહ્યા છે. એક વખત તો તેઓ પોતાના વ્યક્તિગત પ્રચાર માટે પોલીસ બસનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે. ખાસ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેઓ અવારનવાર ચમકતા પણ હોય છે. જોકે, તેઓ અનેકવાર વિવાદમાં પણ આવી ચૂક્યા છે. શહેરના નદીપારના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં પીઆઇ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ તેની તપાસ લોકલ પોલીસ સ્ટેશનમાં ન થાય તે માટે તપાસ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બ્રાન્ચના પીઆઇ બન્યા બાદ પોતાના માણસોની બદલી કરવા માટે અને નડતા પોલીસવાળાને હેરાન કરવામાં પણ તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે. અને બધા જ પોલીસ સ્ટેશનમાં હસ્તક્ષેપ કરવાની આદતને કારણે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોમાં પણ આ પીઆઇની વિરૂદ્ધ છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદનો એક પોલીસકર્મી પોતે પોસ્ટિંગ કરાવી શકે છે તેમ શેખી મારી છે
રાજ્યની એક મોટી એજન્સી હાલ બદનામ પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરી રહી છે. તેમના પૂરેપૂરા રાજ ખોલવા માટે તે પ્રયાસ કરી રહી છે અને તેમને મહદઅંશે સફળતા પણ મળી છે, પરંતુ હજી પણ અમદાવાદ શહેરમાં એવા મોટા પ્લેયર છે જે અત્યારે એવું કહી રહ્યા છે કે, આપણે કહીએ ત્યાં પીઆઇનું પોસ્ટિંગ થઈ જાય અને તેના કારણે તે હાલ કેટલાક પીઆઇ પર પ્રભુત્વ જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અને તે બજારમાં એવી પણ ફાકા ફોજદારી કરતા અટકતા નતી કે, આ પીઆઇ તો આપણા માણસ છે અને કંઈ કામ હોય તો કહેજો બધું થઈ જશે. ખરેખર પોલીસ ઇન્સ્પેક્ટરને નિમણૂક શહેરના ઉચ્ચ અધિકારી દ્વારા મેળવવામાં આવી છે પરંતુ આ પોલીસ કર્મચારી પોતાને તેનાથી પણ સર્વોપરી સમજી રહ્યો છે તેવી ચર્ચા છે. SMCની એક રેડમાં એક PI સસ્પેન્ડ જ્યારે ત્રણ રેડ બાદ પણ કોઇ કાર્યવાહી નહીં
સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા પીઆઇ અને પીએસઆઇને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર કરવામાં આવેલી રેડના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આવા જ એક કિસ્સામાં જિલ્લાના એક પોલીસ મથકમાં એક બાદ એક સ્ટેટ મોનિટરિંગ સેલની ત્રણ રેડ બાદ પણ પીઆઇ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ન થતાં પોલીસબેડામાં અચરજ સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉપરા છાપરી કોલસા, લિસ્ટેડ બુટલેગરનો માતબર રકમનો દેશી દારૂ તેમજ અન્ય એક રેડમાં માતબર રકમનો ઇંગ્લિશ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવ્યો હોવા છતાં કામરેજ પીઆઇ વિરૂદ્ધ કેમ કોઇ કાર્યવાહી નહીં? એકને સજા અને એકને મજા કેમ? તેવી ચર્ચા પોલીસ વિભાગમાં હાલ ચાલી રહી છે. એક પોલીસકર્મીએ દારૂમાંથી આવક બંધ થવાના ડરથી ગરીબ લોકોનો પૈસા પડાવવાનું શરૂ કર્યું
શહેરની એક શૈક્ષણિક સંસ્થાના નામના નવા પોલીસ સ્ટેશન પાછળ અડીને જ દારૂનો ખૂબ મોટા પાયે વેપાર ચાલી રહ્યો છે. જે હવે ટૂંક સમયમાં રીડેવલોપમેન્ટના લીધે બંધ થવાનો છે. જેથી એક પોલીસકર્મીએ અત્યારથી ડરના કારણે હવે આવકનો નવો સ્ત્રોત શોધી લીધો છે. પોલીસકર્મીએ દારૂ સિવાય હવે શૈક્ષણિક સંસ્થાની બહાર ઉભેલી લારી-ગલ્લા ચલાવતા ગરીબ લોકો પાસેથી રોજેરોજના પૈસા દાદાગીરીથી લેવાના શરૂ કર્યા છે. જે લોકોએ પૈસા આપવાનો ઇનકાર કર્યો તેમને ઊભા રહેતા બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નો એન્ટ્રીમાં પ્રવેશતી ટ્રાવેલ્સને પણ છૂટ આપી દીધી છે એટલે કે, ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી પણ પૈસા લેવાના શરૂ કરી રોડ પર ઊભા કરી દેવામાં આવ્યા છે.