ગુજરાત હાઈકોર્ટમાં જામનગરથી 6 અરજદારોએ અરજી દાખલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં તેઓએ 6 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હોવા છતાં આન્સર કીમાં તેને ખોટા દર્શાવ્યા છે. આ પરીક્ષા 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી 16 દિવસમાં લેવાઈ હતી. જેમાં દરરોજ 3 શિફ્ટ લેખે 48 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ આન્સર કીમાં મોટા ભાગના પેપરોમાં બેથી અગિયાર જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા હતા. રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા દર છે?
આ અરજીમાં અરજદારે રાજ્ય, ગુજરાત વનરક્ષક રિકૃટમેન્ટ બોર્ડ અને TCSને પક્ષકાર બનાવ્યા હતાં. અરજદારે જે પ્રશ્નોની રજૂઆત કરી તેનાથી પહેલાં કોર્ટ સહમત નહોતી, પરંતુ એક પ્રશ્ન એવો હતો કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા દર છે? જેમાં સરકારી આંકડા પ્રમાણે અમદાવાદ અને સુરત બંને જિલ્લાઓમાં આંકડો 86.65 ટકા હતો. જેના વિકલ્પમાં અમદાવાદ અને સુરત બંનેનો સમાવેશ થતો હતો. અરજદારે અમદાવાદ પસંદ કર્યું હતું, જ્યારે આન્સર કીમાં ફક્ત સુરત હતું. તમે દરેક પ્રશ્નને ચેલેન્જ ના કરી શકો: હાઈકોર્ટ
અરજદારે જણાવ્યું હતુ કે, પરીક્ષામાં કુલ 45થી વધુ પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા છે. જેથી તેનો સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓને ખોટ ગઈ છે. અન્ય એક પ્રશ્નમાં અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી કઈ નદીએ ગુજરાતમાં ખીણોનું નિર્માણ કર્યું? તેના જવાબમાં અરજદારે સાબરમતી નદીનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે TCS મુજબ સાચો જવાબ મહી હતો. મહી નદી કોતરોનું નિર્માણ કરે છે, પરંતુ તે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી નથી. જોકે, આ પ્રશ્નને જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે દરેક પ્રશ્નને ચેલેન્જ ના કરી શકો, તમારી ફરિયાદ સાચી હોવી જરૂરી છે. આ અરજીઓને લઈને રિઝલ્ટ અટકાવી ના શકાય
કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, દરેક પરીક્ષામાં પેપરના પ્રશ્નોને લઇને અરજીઓ આવે છે, આનું કાયમી નિરાકરણ લાવો. આ અરજીઓને લઈને રિઝલ્ટ અટકાવી ના શકાય. પરીક્ષાની આન્સર કી કેવી રીતે તૈયાર કરાય છે? કોણ પ્રશ્નપત્ર તૈયાર કરે છે? કોઈ કમિટી છે કે જે આ બધું જુએ છે? દર મહિને એક સરકારી પરીક્ષા યોજાય છે તો કોર્ટમાં આવી અરજીઓ આવતી રહેશે? દરરોજ આવા પ્રશ્નોને કોર્ટમાં ચેલેન્જ કરાય છે. હાઇકોર્ટે સરકારી વકીલને સલાહ આપી હતી કે, સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેમને એક મિકેનિઝમની જરુર છે. પરીક્ષા લેવા માટે ગોપનીયતા જાળવવી જરૂરી છે, પણ પરીક્ષા બાદ આન્સર કીને જાહેર કરતા અગાઉ એક કમિટી દ્વારા તેની સમીક્ષા થવી જોઈએ. જેથી કોર્ટમાં આવતી આવી અરજીઓ ઘટશે. હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી
પ્રશ્નો તૈયાર કરતા એક કે બે કરતા વધુ એક્સપર્ટ પેનલ રાખવા જોઈએ. કમિટીના નિર્માણથી ઉમેદવારોમાં વિશ્વાસ વધશે, પ્રશ્ન પત્રમાં આવી ભૂલોને અવકાશ નથી. આવી ભૂલો હોંશિયાર વિદ્યાર્થીઓને દુઃખ આપે છે. આટલા બધા પ્રશ્ન રદ્દ થાય તેની ઉપાય શું? પરીક્ષા એજન્સીને દંડ કરીને શું વળે? આવી અરજીઓ આવવાથી કોર્ટ અરજદાર માટે સંભવત જગ્યા ખાલી રાખવા હુકમ કરે જેનાથી નુકશાન સરકારને જ છે. સારા વહીવટ માટે સારા ઉમેદવાર જરૂરી છે. સરકારી વકીલે કહ્યું હતું કે, પરીક્ષા એજન્સીઓ પરીક્ષાને કેસ્યુઅલી લઈ શકે નહિ. હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે, તમે ભરતી પ્રક્રિયાને ચેલેન્જ નથી કરી, ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે કોઈ જગ્યા ખાલી નહિ હોવાથી અરજદાર માટે કોઈ જગ્યા નથી. સરકારી વકીલે કહ્યું હતું કે આવી એક સાથે 8થી 10 મેટરો છે. જેની સુનાવણી આગામી 23 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરી છે. જેથી કોર્ટે આ મુદ્દે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનવણી 23 જાન્યુઆરીએ રાખી છે.