રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખ્સે અન્ય બે શખ્સો સાથે મળી પૂર્વયોજીત કાવત્રુ રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ની સાલના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાના ગુનામાં પ્રધ્યુમનનગર પોલીસે જયદીપ ઝાલા અને હર્ષ સોનીની ધરપકડ કરી છે. ત્યારે સબ રજીસ્ટર કચેરી ડુપ્લીકેટ ચાવી બનાવતા કચેરીના કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળા મનીષ હેરમાની પોલીસે ધરપકડ કર્યા બાદ હવે આ પટાવાળાને એજન્સી દ્વારા છૂટો કરી દેવામાં આવ્યો છે. જોકે, આ દરમિયાન હવે તંત્ર જાગ્યું હોય તેમ આ કચેરીમાં CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. સાથે જ કચેરીનાં સ્ટાફને દર 6 મહિને બદલાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાની 18માંથી 13 કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. કચેરીની ડુપ્લીકેટ ચાવી બનાવી દસ્તાવેજમાં ચેડા કર્યા
રાજકોટ સબ રજિસ્ટર કચેરીનાં મદદનીશ નોંધણી અધિકારી અજય કુમાર ચારેલે જણાવ્યું હતું કે, મારા અધિકાર ક્ષેત્ર હેઠળ રાજકોટ શહેરની 8 અને તાલુકાની 10 કચેરી આવે છે. જ્યાં દસ્તાવેજ નોંધણીની કામગીરી કરવામાં આવે છે. જેમાં રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1માં 17 દસ્તાવેજોમાં ચેડા મામલે એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત પટ્ટાવાળા મનીષ હેરમાની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે કચેરીની ડુપ્લીકેટ ચાવી બનાવી જુના દસ્તાવેજના પાના ફાડી લાવતો હોવાનું અને તેના બદલામાં રૂ. 25,000થી 50,000 મળતા હોવાની કબૂલાત આપી હતી. જોકે આ પ્રકરણમાં હવે સતનામ સેનેટરીવર્સ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલ રેકર્ડ રૂમ, દસ્તાવેજ નોંધણી થાય ત્યાં ઉપરાંત વેઇટિંગ પેસેજમાં પણ CCTV કેમેરા લગાવવામાં આવેલા છે. હાલ એક સુપરવાઈઝરની ધરપકડ થતા અન્ય સુપરવાઈઝર ફરજ બજાવી રહ્યા છે. ફરાર આરોપીની શોધખોણ શરૂ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી. ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ફરિયાદ થયાના પખવાડિયા પછી પોલીસ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી હર્ષ સોની ફરિયાદ થયાથી આજદિન સુધી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક આરોપી કિશન ચાવડા હજુ સુધી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મેળાપણામાં બોગસ દસ્તાવેજો બનાવતા
મહત્વની વાત એ છે કે, પોલીસની અત્યાર સુધીની તપાસમાં કુલ 17 જેટલા બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે હર્ષ સોનીના ઘર પર તપાસ કરતા મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બોગસ સ્ટેમ્પ, સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનું સાહિત્ય મળી આવતા કબ્જે કરવામાં આવ્યું હતું. આરોપી હર્ષ સોની ત્રણ વર્ષ પહેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોકરી કરતો હોવાનું અને આ સમયે તેને જયદીપ ઝાલા અને કિશન ચાવડા સાથે સંપર્ક થયો હતો. આરોપી જયદિપ ઝાલા ફોટોશોપનો જાણકાર હોવાથી જયદિપ, કિશન અને હર્ષ દ્વારા સાથે મળી બોગસ દસ્તાવેજ બનાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. દસ્તાવેજી પ્રોસેસ કિશન જાણતો હતો અને જૂનો ડેટા હર્ષ સોની દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી મેળવવામાં આવ્યો હતો. જેમાં ફોટોશોપ મદદથી ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં ચેડા કરી જયદિપ એડિટિંગ કરી નવા પુરાવા તૈયાર કરી દેતો હતો. બાદમાં દસ્તાવેજને અસલ તરીકે ઉપયોગમાં લેવા માટે વકીલ કિશન પણ સાથ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત પણ કરી
ઉલ્લેખનીય છે કે, ગત તા.24.10.2024ના રોજ રૈયાના સર્વે નં.277/1 પ્લોટના નં.42ના ગામ નમૂના નં.2 નોંધ રદ કરવાના કામે કાગળ મળેલ હતો. જે નોંધની તપાસ કરતાં સ્કેનિંગ વાળા દસ્તાવેજ અને 1972ના ખરા દસ્તાવેજમાં વિસંગતા જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસે જયદીપ ઝાલાને પકડી પાડી સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં જયદીપ ઝાલાએ જણાવ્યું હતું કે, મઘરવાડામાં આવેલ એક મિલકત જે જુની શરતની હતી તેમની માલિકી ધરાવતાં વૃદ્ધાનું અવસાન થતાં તે મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એકથી વધુ આરોપીઓએ જે મિલકતનાં માલિકોનું અવસાન થયેલ હોય કે વિદેશ રહેતા હોય તેવી અનયુઝ મિલકતો શોધી તેનાં દસ્તાવેજમાં કોઈ એક વ્યકિતનો ફોટો તેમજ તેમનાં બોગસ આધારકાર્ડ પાનકાર્ડ બનાવી તે મિલકત પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરી હોવાની કબૂલાત આપી હતી.