ગોંડલના ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે 31 ડિસેમ્બરની રાત્રે માથાકૂટ થઇ હતી. ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે ચાલી આવતી માથાકુટ મોડીરાત્રે ફરી વકરી હતી. બન્ને જૂથે સામસામે હથિયારો-પથ્થરો સાથે છૂટાહાથની મારામારી કરી હતી. ગામમાં જ છરી, ધોકા, પાઈપ સહિતના હથિયારો સાથે એકબીજા પર તુટી પડ્યા હતા. જેથી છથી વધુ ઈસમ ઘાયલ થયા હતા અને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ પર તો એક મિનિટમાં 20 ફટકા ઝીકીં દીધા હતા. તે અધમુઓ ના થયો ત્યાં સુધી ધોકાવાળી કરી હતી. જે બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે બન્ને જૂથના 17 શખસ સામે સામસામી ફરિયાદ નોંધી છે. અગાઉ ધંધાકીય માથાકુટ ચાલતી હતી
ફરિયાદની વિગતો મુજબ ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજા (ઉં.વ.47)એ ગામના જ સિદ્ધરાજસિંહ નીરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરૂભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રૂદ્રરાજસિંહ સંજયસિંહ, લકીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા મંગા ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ આરોપીઓ સામે અગાઉ ધંધાકીય માથાકુટ ચાલતી હતી. જે-તે સમયે મારામારી થઇ હતી અને ફરિયાદ પણ નોંધાઈ હતી. જે મનદુઃખનો ખાર રાખી આરોપીઓ લાકડી, પાઇપ અને ધોકા સાથે ધસી આવ્યા હતા અને ખુની હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદી તેમજ તેના પરિવારના અન્ય સભ્યો કૃષ્ણપાલસિંહ, ઓમદેવસિંહ અને ભગીરથસિંહ ઉર્ફે ભગીને માથા તથા હાથપગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જેતે સમયે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી
સામા પક્ષે યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા (ઉં.વ.25)એ આરોપી રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા, ભગીરથસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, ભગીરથસિંહના ભાઈ હરપાલસિંહ, રાજેન્દ્રસિંહના બે દીકરા ઓમદેવસિંહ અને મયુરસિંહ તેમજ આરોપી વિજયસિંહનો પુત્ર કૃષ્ણપાલસિંહ સામે અગાઉની માથાકુટનો ખાર રાખી લાકડી અને છરી જેવા હથિયારોથી ઘાતકી હુમલો કરી માથાના ભાગે, હાથના ભાગે યશપાલસિંહ તથા નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા કરી હોવાનો આરોપ મુક્યો છે. બંને પક્ષની સામસામે હત્યાના પ્રયાસની ફરિયાદ
હથિયારો અને પથ્થરોના ઘા ઝીંકી છૂટા હાથની મારામારી કરતા હોય તેવા CCTV પણ સામે આવ્યા છે. ત્યારે બંને પક્ષની સામસામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફુટેજ કબજે કરી તાલુકા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે. જો કે આ બનાવ બાદ હવે ગોંડલના રાજકારણમાં પણ ગરમાવો આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શું હતો સમગ્ર મામલો?
ગોંડલના ભુણાવા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે થયેલી માથાકુટમાં સામાસામી મારામારી અને તોડફોડનો બનાવ બનતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં 12 સામે ગુનો નોંધાયો હતો. ભાડેથી ક્રેન ગામમાં ચલાવવા અંગે કાકા અને ભત્રીજા વચ્ચે થયેલી માથાકુટ મારામારી સુધી પહોંચી ગઇ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિશ્વરાજસિંહ દોઢ મહિના પહેલાં ક્રેન લીધી હતી. જે તેમના ગામના કારખાનામાં ભાડેથી ચાલતી હતી. અજયસિંહ કેશુભા જાડેજા પાસે પણ ક્રેન હોય અને તેઓ પણ ભાડેથી ચલાવતા હતા, તે બાબતે માથાકુટ થઇ હતી. જેથી વિશ્વરાજસિંહ કે જેઓ ગોંડલ રાજકોટ પર આવેલા હાઇવે પર ઘરઢાબા પેટ્રોલ પમ્પમાં નોકરી કરતા હતા ત્યાં આવી કૃષ્ણસિંહ, અજયસિંહ અને દુશ્યંતસિંહે માથાકુટ કરીને હુમલો કર્યો હતો. જેની જાણ વિશ્વરાજસિંહના પિતાને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિશ્વરાજસિંહને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા હતા. દોઢ મહિના પહેલાં ક્રેન બાબતે 12 શખસ સામે ફરિયાદ
આ ઘટનામાં સમાધાનની વાત આવતા ગણેશ ક્રેન નામની દિગપાલસિંહની ઓફિસે અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ અને યોગીરાજસિંહ ગયા હતા અને વિશ્વરાજસિંહ સાથે થયેલી માથાકુટ બાબતે વાતચીત કરી હતી. જેથી ત્યાં હાજર અજયસિંહ જાડેજાના સાળા વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ જાડેજા, મયુરસિંહ અને દિગપાલસિંહે હુમલો કરતા અજયસિંહને પણ ઇજા થઇ હતી અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ક્રેન ભાડે આપવા બાબતે વિશ્વરાજસિંહ સાથે થયેલી માથાકુટના બીજા દિવસે વિજયસિંહના શિવ ડ્રીકીંગ વોટર નામના ટાટા 407માં જ્યારે પાણીના જગ મુકવા માટે ડ્રાઇવર જતો હતો ત્યારે, રસ્તામાં રોકી જીજે 19 ટી 2314માં તોડફોડ કરી ડ્રાઇવર અને વિજયસિંહને ધમકી આપી હતી. ગાડીનો આગળનો કાચ તથા ટાયરને નુકસાન પહોંચાડવા બદલ આ મામલે સામાપક્ષે ફરિયાદ નોંધાતાં આમ કુલ 12 શખસ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.