જામનગરના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી પરિણીતા દહેજના ખપરમાં હોમાઈ છે. દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ બાદ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ સસરા સહિત પાંચ આરોપીઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા અને દહેજ ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર તાલુકાના આમરા ગામની વતની અને લાલપુર તાલુકાના સીંગચ ગામમાં પરણેલી આશાબેન કિશોરભાઈ નકુમ નામની પરિણીતાએ ગત 26મી ડિસેમ્બરના રોજ પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ બાદ મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરી હતી, તેમાં દહેજના કારણે આશાબેનને ત્રાસ અપાયો હોવાથી તેમાંથી મુક્તિ મેળવવા અંતિમ પગલું ભરી લીધુ હોવાનું અને દહેજના કારણે યુવતી મૃત્યુને ભેટી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મૃતક આશાબેનના ભાઈ આમરા ગામમાં રહેતા વિપુલભાઈ કેશવજીભાઈ કટેસિયાએ મેઘપર પોલીસ મથકમાં પોતાની બહેનને દહેજના કારણે ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે આશાબેનના પતિ કિશોરભાઈ મોહનભાઈ નકુમ, સસરા મોહનભાઈ જાદાભાઈ નકુમ, સાસુ મોતીબેન મોહનભાઈ નકુમ, જેઠ દિનેશભાઈ મોહનભાઈ નકુમ અને જેઠાણી ચેતનાબેન નિલેશભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવતા મેઘપર પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા, દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને પતિ સસરા તેમજ જેઠની અટકાયત કરી લીધી છે. જ્યારે સાસુ તેમજ જેઠાણીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.