અમરેલી જિલ્લા ભાજપનાં 2 જૂથ વચ્ચેના ટકરાવમાં બોગસ લેટરપેડ ટાઇપ કરનાર પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાની ઘટનામાં ચોતરફ વિરોધ સામે આવ્યો છે. ત્યારે આજે (2 જાન્યુઆરી) રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કલેકટર પ્રભવ જોશી મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. તેમાં આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દીકરીના ભાવી સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ
આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ રાજકોટ કલેકટર મારફત મુખ્યમંત્રીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લામાં ભાજપના 2 જૂથ વચ્ચેના રાજકીય વૈમનસ્ય સબબ થયેલા બનાવટી લેટરપેડના કેસમાં પાટીદાર સમાજની અપરણિત દીકરીની કોઈ મુખ્ય ભૂમિકા ન હોવા છતાં રાતોરાત તેણીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ગુનાના રી-કન્સ્ટ્રક્શનના નામ પર જાહેર માર્ગ પર અસંખ્ય લોકોની વચ્ચે તેણીનું સરઘસ કાઢીને તેણીની જાહેર બદનામી અને તેણીના ભાવી સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ ઊભો કરતી કાર્યવાહી રાજકીય નેતાઓનાં ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાની વ્યાપક લોક ચર્ચા છે. રાજકીય નેતાઓનાં ઇશારે અયોગ્ય કાર્યવાહીઃ જીગ્નેશભાઈ
આ અંગે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તટસ્થ તપાસ કરી આ પાટીદાર દીકરીને સમાજમાં બદનામ કરવામાં જે પણ દોષિત હોય તે રાજકીય નેતાઓ અને તેમનાં ઇશારે અયોગ્ય કાર્યવાહી કરી. આરોપીનાં માનવ અધિકાર અને મહિલા તરીકેનાં અધિકારોનો ભંગ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી આમ જનતાનો આપની સરકાર પર ભરોસો કાયમ રહે. માનવ અધિકાર- મહિલા આયોગમાં જવાની ચીમકી
આ ઘટનાને લઈને પાટીદાર સમાજ સહિત ગુજરાતના દરેક સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે તુરંત યોગ્ય કાર્યવાહી કરવાની અમે માગ કરીએ છીએ. જો સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મામલે આંતરરાષ્ટ્રિય કૂર્મી સેના દ્વારા માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.