પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. તેમણે કહ્યું કે જો BSF આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ (TMC) તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું. બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે BSF બોર્ડર પર તહેનાત છે પરંતુ તેઓ બાંગ્લાદેશીઓને ઈસ્લામપુર, સીતાઈ અને ચોપરા બોર્ડરથી ભારતમાં ઘુસવાની મંજુરી આપી રહ્યા છે. BSF પણ મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. જો તેઓ ઘૂસણખોરોને બંગાળમાં ઘુસવા દેશે અને TMCને દોષી ઠેરવે તો આવું ચાલશે નહીં . કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘નર્સરી’ બની ગયું છે. બંગાળ સરકારે શરૂઆતમાં બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું અને પછી TMC સાંસદ અભિષેક બેનર્જીએ બાંગ્લાદેશીઓના નામે રાજકારણ કર્યું. આ હાસ્યાસ્પદ છે. આ લોકોએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. અભિષેક બેનર્જીએ કહ્યું- બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અત્યાચાર પર મોદી સરકાર જવાબ આપતી નથી ડાયમંડ હાર્બરથી TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું- રાજ્યના બીજેપી નેતાઓ દરેક મામલે TMC સરકારને દોષી ઠેરવે છે અને વિરોધ કરે છે. પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય સમુદાયો પર ચાલી રહેલા અત્યાચારો અંગે મોદી સરકારના અપૂરતા જવાબ વિશે વાત નથી કરતા. જો ભાજપના નેતાઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો અંગે ચિંતિત હોય તો તેઓ દિલ્હીની મોદી સરકારને નક્કર પગલાં ભરવાનું કેમ કહેતા નથી. જો બાંગ્લાદેશી કબજો કરે તો શું અમે બેસીને લોલીપોપ ખાઈશું?
9 ડિસેમ્બરે, મમતા બેનર્જીએ બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા પર બાંગ્લાદેશનો અધિકાર છે. મમતાએ કહ્યું હતું કે તમને શું લાગે છે, જો તમે અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો તો અમે લોકો લોલીપોપ ખાતા રહીશું? પશ્ચિમ બંગાળ વિધાનસભાને સંબોધન કરતી વખતે મમતાએ લોકોને અપીલ કરી હતી કે તેઓ બાંગ્લાદેશમાં થઈ રહેલા નિવેદનોથી પરેશાન ન થાય. તેમણે જનતાને ખાતરી આપી કે પશ્ચિમ બંગાળ હંમેશા કેન્દ્રના નિર્ણયને સમર્થન આપશે. મમતાએ લોકોને શાંત રહેવા, સ્વસ્થ રહેવા અને માનસિક શાંતિ જાળવવા કહ્યું હતું.