અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રખ્યાત માર-એ-લાગો રિસોર્ટ ચર્ચામાં છે. 20 જાન્યુઆરીએ શપથ પહેલાં ટ્રમ્પે પડાવ નાખ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે મારો રિસોર્ટ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે. 5 નવેમ્બરે ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી જ વિશ્વની હસ્તીઓ અહીં એકત્ર થઈ છે. અહીં થીમ પાર્ટીઓ થાય છે. ટ્રમ્પની ટીમમાં સામેલ નેતાઓની સાથે નજીકના લોકો પણ રિસોર્ટની મુલાકાતે આવી રહ્યા છે. મેટાના ઝકરબર્ગ, એપલના સીઈઓ ટિમ કુક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન, કેનેડાના પીએમ ટ્રુડો, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને ઈઝરાયલના પીએમ નેતન્યાહૂની પત્ની સારાએ રિસોર્ટ પાર્ટીમાં હાજરી આપી હતી. ટ્રમ્પ સવારે અહીં ગોલ્ફ રમે છે, પાર્ટીમાં સ્પૉટીફાઈ પર ગીતો સાંભળે છે
રિસોર્ટમાં સવારે ટ્રમ્પ પોતાના મિત્રો સાથે ગોલ્ફ રમે છે. રિસોર્ટમાં લગભગ બે એકર વિસ્તારમાં ફેલાયેલા ગોલ્ફ કોર્સમાં સ્પેશિયલ સિક્યોરિટી એજન્ટની પોસ્ટ પણ બનાવી છે. રિસોર્ટમાં લંચ બાદ ટ્રમ્પ બપોરે આરામ કરે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ મહેમાનને રિસોર્ટમાં પ્રવેશવાની મંજૂરી નથી. ટ્રમ્પ ડિનર પાર્ટીઓમાં તેના સ્પૉટીફાઈ એકાઉન્ટ પર ગીતો વગાડે છે. ચૂંટણીમાં જીત પછી રિસોર્ટમાં એક ઈન્વેસ્ટમેન્ટ ફંડ પણ લોન્ચ થયું છે
ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ રિસોર્ટમાં ધનિક લોકોનો ધસારો જોઈને એક રોકાણકાર જેમ્સ ફિશબેચે રિસોર્ટના પ્રાંગણમાં રોકાણ ફંડ પણ શરૂ કર્યું છે. ફિશબેકનું કહેવું છે કે જ્યારે મેં આરોગ્ય પ્રધાન રોબર્ટ કેનેડીને પહેલીવાર રિસોર્ટમાં જોયા ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હવે હું અહીં રોજ સેલિબ્રિટીઓને જોઉં છું. ટ્રમ્પનો રિસોર્ટ સાચા અર્થમાં પાવરહાઉસ બની ગયો છે. રિસોર્ટની મેમ્બરશિપ ફી 8.50 કરોડ રૂપિયા, કાર્ડ હશે તો જ એન્ટ્રી
ટ્રમ્પના રિસોર્ટની લાઈફટાઈમ મેમ્બરશિપ ફી 8.50 કરોડ રૂપિયા છે. કાર્ડ વગર રિસોર્ટમાં નો એન્ટ્રી છે. મેમ્બરશિપ માત્ર ફીની ચુકવણી કર્યા પછી નથી મળી જતી, મેમ્બર બનવા માટે પહેલા હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ, સોશિયલ સ્ટેટ્સ અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ તપાસવામાં આવે છે. દર વર્ષે વિશ્વભરના અમીર લોકો અરજી કરે છે. મસ્ક રેગ્યુલર ગેસ્ટ, ટેક્સાસ છોડી રિસોર્ટમાં રહેવા આવ્યા
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક રિસોર્ટની પાર્ટીઓમાં નિયમિત મહેમાન છે. તેમણે પોતાનો ટેક્સાસનો બંગલો છોડી અહીં રહે છે. મસ્કનાં બાળકો પણ રિસોર્ટની મુલાકાત લેતાં રહે છે. ટ્રમ્પની ટીમમાં ડીઓજીઈના કો-ચેરમેન મસ્કે અહીંથી કામ કરવાનું શરૂ કર્યું છે.