મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે ફરીવાર ઘાંટી વિસ્તાર ખાતે બે સાંઢ સામસામે બાખડયા હતા. જેના કારણે થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર કે જ્યાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર સાંઢ બાખડવાની ઘટના સામે આવી છે. લુણાવાડાના ઘાંટી વિસ્તારમાં બે સાંઢ સામસામે બાખડ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં બે સાંઢ સામસામે બાખડયા હતા અને આખા વિસ્તારને જાણે બાનમાં લીધો હોય તેમ લોકોમાં નાસભાગ મચી હતી. શહેરના માંડવી બજારથી લઇ વાસિયા દરવાજા વિસ્તાર સુધી રખડતા ઢોર રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલ માટેની લોકમાંગ ઉઠી છે.