એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના સૌથી નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની વયે અવસાન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. હવે રાજીવની ક્લોઝ ફ્રેન્ડ એક્ટ્રેસ ખુશ્બુ સુંદરે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે એક્ટરને દારૂની ખરાબ લત લાગી ગઈ હતી. ખુશ્બુએ કહ્યું- તેમને હાર્ટની બીમારી હતી, એમાં પણ દારૂની લતએ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી હતી. અમે તેમની આ ખરાબ આદતને છોડાવી શક્યા નહીં. ‘રાજીવ ઘણા સમયથી બીમાર હતા’
વિકી લાલવાણી સાથે વાત કરતી વખતે ખુશ્બૂએ કહ્યું- તેઓ (રાજીવ) ખૂબ જ ઉદાસ રહેતા હતા. તેમના ઘૂંટણમાં પણ સમસ્યા હતી, તેથી તેમણે સર્જરી કરાવી. પરંતુ તેમને કોઈ લાભ થયો નહીં. અમે જાણતા હતા કે ચિમ્પુ (રાજીવ કુમારનું ઉપનામ) બીમાર હતા. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે હું મુંબઈમાં હતી. બોની કપૂરે મને તેમના અવસાન વિશે જાણકારી આપી. તેણે મને કહ્યું- ચિમ્પુ હવે નથી રહ્યો. આ મારા માટે મોટો આઘાત હતો. ખુશ્બૂએ કહ્યું- મૃત્યુના એક દિવસ પહેલા જ મેં તેમની સાથે વાત કરી હતી
ખુશ્બૂએ કહ્યું- મેં ચિમ્પુ સાથે તેમના મૃત્યુના એક દિવસ પહેલા જ વાત કરી હતી. તેમને ખૂબ જ તાવ હતો અને તે કોવિડનો સમયગાળો હતો. બીમાર હોવા છતાં તે હંમેશાની જેમ જ હતો. જો કે, તેઓ બીમારીને હળવાશથી લઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં મળવાનું વચન આપ્યું હતું. તેમનું મૃત્યુ મારા માટે આઘાતજનક હતું. અમને હજુ પણ લાગે છે કે તે અમારી સાથે છે. રાજીવનો નંબર હજુ પણ ખુશ્બુના ફોનમાં સેવ છે
ખુશ્બૂએ એ પણ જણાવ્યું કે તેમણે હજુ સુધી રાજીવનો નંબર ડિલીટ કર્યો નથી. જો કે, તેને એક્ટર પરિવાર સાથે સંપર્કમાં ન રહેવાનો અફસોસ છે. રાજીવ સાથેની મિત્રતા વિશે તેણે કહ્યું- તેમણે મને ઘણી વસ્તુઓ શીખવી છે. હું મારા અંગૂઠા પર માત્ર સફેદ નેઇલ પેઇન્ટ જ કરું છું કારણ કે ચિમ્પુએ મને એકવાર કહ્યું હતું કે તે ક્લાસી લાગે છે. તેમણે મને 1983માં આ કહ્યું હતું અને આજ સુધી, તે એકમાત્ર નેલ પેઇન્ટ છે જે હું લગાવું છું. તેમને મારું ચાલવાની સ્ટાઈલ પસંદ નહતી, તેથી તેમણે મને અવાજ કર્યા વગર હીલ પહેરીને ચાલતા પણ શીખવ્યું હતું.