ગયા વર્ષે 2024માં, ઘણી પ્રખ્યાત હસ્તીઓના નિધન થયા, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ હતું. હવે અમિતાભ બચ્ચને એક પોસ્ટમાં તમામ સેલિબ્રિટીઝનો ઉલ્લેખ કરીને હિંદુ-મુસ્લિમ એકતાનો પણ સંદેશ આપ્યો છે, જેના પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહ, તબલાવાદક ઝાકિર હુસૈન, ઉદ્યોગપતિ રતન ટાટા અને ફિલ્મમેકર શ્યામ બેનેગલને સ્વર્ગમાં બતાવવામાં આવ્યા છે. આ તસવીરમાં લખ્યું છે કે, એક પારસી, એક હિંદુ, એક મુસ્લિમ અને એક શીખ વર્ષ 2024માં અવસાન પામ્યા અને સમગ્ર દેશ શોકનું વાતાવરણ છવાયુ હતુ અને તેઓ હંમેશા ભારતીય તરીકે ઓળખાશે. બિગ બીએ આ તસવીર સાથે લખ્યું છે- આ તસવીર બધુ જ કહી રહી છે. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું છે કે, સર આ કહેવા માટે તમારો આભાર, દુઃખની વાત છે કે અન્ય લોકો આને ભૂલી ગયા છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ પર મેજર સાહેબ ફિલ્મમાં તેમની કો-સ્ટાર રહેલી નફીસાએ લખ્યું, તમારા વિચારો મને ખૂબ જ સ્પર્શી ગયા છે. તમારે ભારતના રાષ્ટ્રપતિ બનવું જોઈએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે 92 વર્ષની વયે અવસાન થયું હતું. આ પહેલા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર દેશ શોકમાં ગરકાવ હતો. ઝાકિર હુસૈનનું 15 ડિસેમ્બરે અવસાન થયું હતું. ફિલ્મમેકર શ્યામ બેનેગલના નિધનના સમાચાર પણ 23 ડિસેમ્બરના રોજ સામે આવ્યા હતા. ઉદ્યોગપતિ રતન ટાટાનું પણ 9 ઓક્ટોબરે 86 વર્ષની વયે અવસાન થયું હતું. ‘બિગ બી’ની આગામી ફિલ્મો
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ‘બ્રહ્માસ્ત્ર ભાગ 2: દેવ’, ‘કલ્કી 2898AD’, ‘સેક્શન 84’, ‘આંખે 2’ અને ‘તેરા યાર હું મેં’ જેવી ફિલ્મોમાં જોવા મળવાના છે.