સુરતમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ત્રણ કાર-બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. એકસાથે 5 વાહનોનો અકસ્માત થતા ભાગદોડ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ NHAI અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી વાહનો હટાવડાવ્યા હતા. માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમ પાસે થયેલા અક્સ્માતમાં સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી. એક પછી એક પાંચ વાહન વચ્ચે અકસ્માત
સુરત જિલ્લામાંથી પસાર થતાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના બની હતી. માંગરોળ તાલુકાના ધામડોદ ગામ પાસે એક પછી એક પાંચ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને નાસભાગ મચી ગઇ હતી. ત્રણ કાર અને બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ઘટનાને પગલે સુરત જિલ્લા ટ્રાફિક અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને વાહનોને ક્રેનની મદદથી હાઈવેની સાઈડમાં કરવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. વાહનોને ક્રેનની મદદથી હટાવાયાં
સુરત જિલ્લા ટ્રાફિક PSI ઈશ્વરસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, પાંચ વાહન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વાહનોને હાઇવેની સાઈડ કરવા ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી. જે બાદ ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી કરાઈ હતી.