13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે અને મહિલના શરીર પરના ગંભીર ઈજાના નિશાન મળી આવે છે. પોલીસ દ્વારા આ નિશાન જોઇ મહિલા સાથે પહેલાં ગેંગરેપ અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હોવાની આશકાં વ્યક્ત કરાઈ હતી. આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઇ મહત્ત્વપૂર્ણ કડી મળતી નથી. મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટૂના આધારે પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી. જોકે, નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટનાસ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એક માત્ર આશા સમાન હતું. જેના પર ‘NEW STAR TAILORS’ નામનો ટેગ ‘3833’ અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા. આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો ‘પોલીસ કે દિમાગ કી બત્તી જલી’ અને ત્યાર બાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો. મૃતદહે પાસેથી મળ્યું લોહીમાં લથપથ પેન્ટ
આ ઘટના અંગે ઓડિશાના PI અનિરૂદ્ધ નાયકે દિવ્ય ભાસ્કરને વાત કરતા જણાવ્યું હતું કે, નદી કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી હતી. જેના મોઢા પર ચાકુના ઘા મારી લાશ ફેંકી દેવામાં આવી હતી. જેથી લાશની કોઇ જ આઇડેન્ટિટી ખબર પડી શકે એમ નહોતી, પરંતુ તેની બાજુમાંથી જ એક લોહીમાં લથપથ પેન્ટ મળ્યું હતું અને આજુબાજુમાં કચરાનો ઢગલો જ હતો. એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા. જોકે, આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ‘NEW STAR TAILORS’ નામનો ટેગ ‘3833’ અને પેન્ટનું માપ લખેલું હતું. ‘આ પ્રકારે 3 માત્ર ગુજરાતવાળા જ લખે છે’
ત્યાર બાદ પોલીસે ઓડિશામાં આ ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યાંય ભાળ મળી નહીં. એટલે આ અંગે DCPને જાણ કરી. DCP મીણા સાહેબનું પહેલાં ગંજામમાં પોસ્ટિંગ હતું એટલે તેમણે ત્યાંના પણ એક દરજીને આ ટેગ મોકલ્યું હતું. આ દરજીએ અમને જાણકારી આપી કે ‘આમાં જે પ્રકારે 3 લખવામાં આવ્યો છે તે 3 માત્ર ગુજરાતવાળા જ લખે છે.’ એટલે સરે અમને તરત જ કહ્યું તમે ગુજરાત પોલીસનો સંપર્ક કરો અને અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. ઓડિશા પોલીસે અમારો સંપર્ક કર્યો હતો
આ અંગે સુરતના PI રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે, ઓડિશા પોલીસે ગુજરાતમાં ઓડિશાના લોકો જ્યાં સૌથી વધુ રહેતા હોય તે જિલ્લાનો સંપર્ક કર્યો હતો, એમાં અમારા કમિશનર સાહેબનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ કમિશનર સાહેબે અમારો નંબર આપતા અમારો સંપર્ક કર્યો હતો. ઓડિશા પોલીસે અમારી સાથે તમામ ડિટેઇલ શેર કરી હતી. જેના આધારે સુરતના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી ત્યારે લિંબાયત વિસ્તારમાં એક દરજી મળ્યો. આરોપીને શોધવા દુકાનના CCTV ચેક કર્યા હતા
આ દરજીને ત્યાં તપાસ કરતાં તેના ત્યાંના ટેગ અને આ પેન્ટનો ટેગ મેચ થતો હતો. જેના આધારે દરજીએ તેની બુકમાં તપાસ કરતાં ઘટનાસ્થળે મળેલા પેન્ટના માપ માટે લખાયેલી ચિઠ્ઠીની કાર્બન કોપી મળી આવી હતી. ત્યાર બાદ દરજીની દુકાનમાં એ વ્યક્તિ જ્યારે આવ્યો હતો તે દિવસના બધા CCTV ચેક કર્યા હતા. આ વ્યક્તિ અને તેની સાથે કોણ કોણ આવ્યું હતું એ પણ અમે ચેક કર્યું હતું અને આરોપીનો માત્ર ચહેરો સામે આવ્યો હતો. કારણ કે દરજીને તેનું નામ પણ ખબર ન હતી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી આરોપીની ઓળખ સામે આવી
આ દરમિયાન દરજીએ સુરત પોલીસને મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી કે આરોપી કપડાં સીવડાવવા આવ્યો હતો તેનું બિલ રૂપિયા 400 થયું હતું તો એણે મને 500 રૂપિયા આપ્યા હતા. મારી પાછે છૂટ નહોતા એટલે મેં એના મિત્રના નંબર પર 100 રૂપિયા GPay કર્યા હતા. ત્યાર બાદ સુરત પોલીસને આ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું કે તે આરોપીનો મિત્ર હતો. પોલીસે તેને અટક કરી આરોપીનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો મેળવી હતી. આરોપીને રાયગડા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો
સુરત પોલીસે આરોપીનું નામ અને નંબર સહિતની માહિતી ઓડિશા પોલીસને આપી હતી. આ ઉપરાંત આરોપીનું લોકેશન અને મિત્રના ફોનમાંથી તેનો ફોટો પણ શોધીને મોકલી આપ્યો હતો. જોકે, આરોપી ઓડિશાથી ટ્રેનમાં સુરત પરત ફરવાનો હતો. ટ્રેન જ્યારે રાયગડાથી પસાર થઈ રહી હતી, ત્યારે ઓડિશા પોલીસે ત્યાંના એસપીને જાણ કરી હતી અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. રાયગડા પોલીસે આરોપીનો ફોટો ઓડિશા પોલીસને મોકલ્યો હતો. ત્યાર બાદ તેમણે સુરત પોલીસને મોકલ્યો હતો. મિત્રને બતાવી કન્ફર્મ કરતાં તે આરોપીનો જ ફોટો હતો. રાયગડા પોલીસ આરોપીને પકડી ઓડિશા પોલીસને સોંપ્યો હતો. મૃતક મહિલાના દીયરે જ ભાભીને મોતને ઘાટ ઉતારી
પોલીસ પૂછપરછમાં આરોપી કેન્દ્રપાડાનો રહેવાસી જગન્નાથ દુહુરી ઉર્ફે બાબુ ઉર્ફે બાપી હોવાનું સામે આવ્યું હતું. આરોપી બાબુ ટ્રેન દ્વારા સુરત પરત જઈ રહ્યો હતો. આરોપી મૃતક મહિલાનો દીયરે હતો. આરોપી બાબુએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે, તેણે અને તેના બે ભાઈ સાથે મળીને ભાભીની હત્યા કરી હતી. ભાભીના એકસ્ટ્રા મેરિયલ અફેરની જાણ થતાં ત્રણેય ભાઈઓએ મળી હત્યા કરી હતી. ગુજરાતમાં રહેતા ભાઈ પાસે કસાઈનું ચાકુ મંગાવ્યું
મોટા ભાઈને ખબર પડી એટલે એણે ગુજરાતમાં કામ કરતા નાના ભાઈને કહી કસાઈનું ચાકુ મંગાવ્યું હતું. નાનો ભાઈ ઓડિશા પહોંચતાં ત્રણેય ભાઈઓ ફરવા લઇ ગયા અને રસ્તામાં ગાડી ઉભી રાખી ચાકુના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી જગન્નાથ દુહુરીએ તેના ભાઈ બલરામ દુહુરી અને ખંડેર બાવાજી હાપી દુહારી સાથે મળીને હત્યા કરી હતી. બલરામ દુહુરી મૃતક મહિલાનો પતિ હતો
પોલીસ દ્વારા ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં બલરામ દુહુરી મૃતક મહિલાનો પતિ હતો. જ્યારે પોલીસ મૃતક મહિલાના પતિની ધરપકડ કરવા ગઇ ત્યારે તેના ઘર પાસે જ એનું સાસરું હતું. અને તેની ધરપકડ બાદ છોકરીના મમ્મી-પપ્પાને ખબર પડી કે એમની દીકરીની હત્યા થઈ હતી.