રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર ચાંદની હત્યા કેસમાં શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી સજા ભોગવી રહેલો જુનાગઢનો પાકા કામનો કેદી ફરાર થઇ ગયો છે આરોપી હાઈકોર્ટના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો જે બાદ પરત હાજર ન થતા તેને શોધવા પોલીસ વિભાગ દોડતું થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢના બીલખા રોડ પર રહેતો આરોપી મહેશ ઉર્ફે ભદો મુળજી ચૌહાણ ભુજની પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી હત્યા અને બળાત્કારના ગુનાની સજા ભોગવતો હતો.આરોપી મહેશે સહ આરોપી મોહન હમીર ગોહેલ સાથે મળી વર્ષ 2007 માં જુનાગઢની ઉપલા દાતારની તળેટીમાં બનાવને અંજામ આપ્યો હતો.રાજકોટની 15 વર્ષીય ચાંદની અને તેની બહેનપણીને જંગલમાં લઇ જઈ ચાંદનીની હત્યા નીપજાવી તેની બહેનપણી પર બળાત્કાર કર્યો હતો. જે ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.જે ગુનામાં પાકા કામના કેદી તરીકે રહેલો આરોપી મહેશ હાઈકોર્ટના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર છુટ્યો હતો.26 નવેમ્બરના પાલારા જેલમાંથી નીકળ્યા બાદ આરોપીને 4 ડીસેમ્બરના પાલારા જેલમાં પરત હાજર થવાનું હતું.પરંતુ આરોપી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો.જેથી પાલારાના જેલર ગ્રુપ-2 ના એ.જી.વ્યાસે આ મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ તળે ગુનો નોધાવ્યો છે.આરોપીને ઝડપી લેવા જુનાગઢ એ ડીવીઝન પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી છે.