હિમયુગને જોવો અને અનુભવવો હોય તો રશિયાના સાઈબેરિયાના શહેર યાકુત્સ્ક આવો. ગુરુવારે સવારના 8 વાગ્યા છે અને હું અત્યારે દુનિયાના સૌથી ઠંડા શહેરમાં છું. મારી સ્માર્ટવોચમાં માઈનસ 55 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે. આ શહેરમાં 9 મહિના બરફ પડે છે, કેમ કે તે ઉત્તર ધ્રૂવથી 430 કિમી જ દૂર છે. હું સાખા જાતિનો છું અને અમે લોહી થીજવી નાંખે તેવી ઠંડી સાથે લડીએ છીએ, એટલું જ નહીં તેની સાથે જીવીએ પણ છીએ. અમારા પૂર્વજોએ આ મંત્ર 20 હજાર વર્ષમાં શીખ્યો છે. યાકુત્સ્કમાં ઠંડીની સિઝનમાં લઘુત્તમ તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી ઘટી જાય છે અને ગરમીમાં – 33થી -35 ડિગ્રી રહે છે. આટલી ઠંડીમાં જીવવા માટે અમારા ચાર સિક્રેટ છે. પહેરવેશ, ખાનપાન, સાવધાની અને દ્દઢ મનોબળ. અમે સાત લેયરમાં કપડાં પહેરીએ છીએ. આ સાથે ખાસ ધ્યાન રાખીએ છીએ કે ક્યારેય પણ 15 મિનિટથી વધારે ખુલ્લામાં ન રહેવું નહીંતર ફ્રોસ્ટ બાઈટથી જીવતા જ જામી જવાનું જોખમ રહે છે. રશિયાની બે તૃત્યાંશ જમીન પર્માફ્રોસ્ટ એટલે કે જામેલી છે. જે ગરમીની સિઝનમાં પીગળે છે એટલા માટે યાકુત્સ્કમાં ઘર થાંભલા પર બનાવવામાં આવે છે.